કુદરતના નિયમો સાથે ચેડાં કરનારો માનવી ભૂલી ગયો હતો કે ગીરનો રાજા પાલતુ નથી, પ્રકૃતિનું સૌથી ઘાતક હથિયાર છે. છેલ્લા કેટલાક સમયથી ગીરમાં સિંહોની પજવણી અને તેમની સાથે કૂતરા જેવો નફ્ફટ વ્યવહાર કરવાના કિસ્સાઓ વાયરલ થતા હતા. પણ સિંહે 25 દિવસમાં 7 માનવ જિંદગીઓનો શિકાર કરીને માણસના અહંકારને ધૂળ ચાટતો કરી દીધો છે. જે સિંહને લોકો ’રમકડું’ સમજતા હતા, આજે તેના જ ખોફથી આખું જૂનાગઢ અને ગીર ધ્રૂજી રહ્યું છે.ગીરના રાજા વનરાજે પોતાનું અસલી સ્વરૂૂપ બતાવી દીધું! રીલના રવાડે ચડેલા જે લોકો સિંહને પાળેલા કૂતરાની જેમ ટ્રીટ કરતા હતા, તેમની સામે સિંહે સાબિત કર્યું છે કે સિંહત્વ ક્યારેય મરતું નથી. 25 દિવસમાં 7 લોકોનો શિકાર કરીને વનરાજે માનવ વસ્તીમાં કાળો કેર વર્તાવ્યો છે. સિંહના આ આક્રોશ સામે તંત્ર લાચાર છે.
ગીરનો આ શાંત રાજા હવે રૌદ્ર સ્વરૂૂપ ધારણ કરી રહ્યો છે?. માત્ર એક મહિનામાં સિંહના હુમલાની 8 ઘટનાઓ બની છે અને આ હુમલામાં 7 નિર્દોષ લોકોના મોત થયા છે. શું સિંહ ખરેખર માનવભક્ષી બની રહ્યો છે? કે પછી સિંહના નામે ચાલતો ગેરકાયદેસર કાળો કારોબાર અને માણસની પજવણી આ મોતના તાંડવ પાછળ જવાબદાર છે?. વાઇલ્ડ લાઇફ બોર્ડના પૂર્વ સભ્યના મતે, વર્ષ 2000થી સિંહોએ માનવ વસાહત તરફ સ્થળાંતર શરૂૂ કર્યું છે. આજે 1500થી વધુ ગામડાઓમાં સિંહ વસે છે.
પાંચ વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરીનો વિસ્તાર 5 હજાર ચોરસ કિલોમીટર છે, પણ સિંહોનું સામ્રાજ્ય 35 હજાર ચોરસ કિલોમીટર સુધી ફેલાયેલું છે. પણ મોટો લોચો ક્યાં છે ખબર છે? અંટાળિયામાં જ્યાં હુમલો થયો, તે રેવન્યુ વિસ્તાર છે. વન વિભાગ પાસે અહીં કોઈ કાયદાકીય પાવર જ નથી. બધી સત્તા કલેક્ટર અને પોલીસ પાસે છે, અને વન વિભાગ માત્ર વચમાં પીસાઈ રહ્યું છે… બીજો મુદો સિંહોની વસ્તીનો છે. ગિરમાં સિંહોની વસ્તી વધીને હવે 900ને પાર પહોંચી ગઈ છે, જેના કારણે સિંહો માટે ટેરેટરી એટલે કે તેમનો પોતાનો વિસ્તાર નાનો પડી રહ્યો છે. પરિણામે જંગલની અંદર સિંહો વચ્ચે લોહિયાળ આપસી સંઘર્ષ વધ્યો છે.
નિષ્ણાંતોના મતે, આ જંગલી સંઘર્ષ, સતત તણાવ અને બેબિસિયા નામના જીવલેણ રોગના કારણે સિંહોમાં ચિડચિડાપણું વધી રહ્યું છે. અને આ જ ચિડાયેલા સિંહ જ્યારે ગભરાહટમાં જંગલ બહાર નીકળે છે, ત્યારે માણસ પર હુમલો કરી બેસે છે. તેને ગમે કે ન ગમે, સિંહોના અન્ય રાજ્યોમાં સ્થળાંતરનો પ્રશ્ન પુન: વિચારણા માગી લે છે.
