પાટડીમાં 60 વર્ષના વૃધ્ધે દુષ્કર્મ આચરતા 14 વર્ષની સગીરા માતા બની

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી પંથકમાંથી માનવતાને શરમાવે તેવી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક 14 વર્ષની સગીરાએ બાળકને જન્મ આપતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર…

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી પંથકમાંથી માનવતાને શરમાવે તેવી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક 14 વર્ષની સગીરાએ બાળકને જન્મ આપતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ મામલે હોસ્પિટલ તંત્ર દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા, પોલીસે ગણતરીના કલાકોમાં જ 60 વર્ષીય નરાધમ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, પાટડી પંથકના એક ગામમાં રહેતી 14 વર્ષની સગીરાને અચાનક પેટમાં અસહ્ય દુખાવો ઉપડતા તેને તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યાં સગીરાએ એક સ્વસ્થ બાળકને જન્મ આપતા તબીબો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. હોસ્પિટલ દ્વારા આ મામલે પોલીસને જાણ કરાતા પાટડી પોલીસ તુરંત એક્શન મોડમાં આવી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, સગીરા તે જ ગામમાં રહેતા ભરવાડ શાદુળભાઈ ભગાભાઈના ઘરે ઘરકામ કરવા માટે જતી હતી. આ દરમિયાન 60 વર્ષીય આરોપીએ સગીરાને લલચાવી-ફોસલાવી તેની મરજી વિરુદ્ધ અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું. જેના કારણે સગીરા ગર્ભવતી બની હતી
અને આખરે તેણે બાળકને જન્મ આપ્યો હતો.

સગીરાના પરિવારજનોની ફરિયાદના આધારે પાટડી પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તેની અટકાયત કરી છે. હાલ આ કેસની વધુ તપાસ પાટડી પોલીસ મથકના પીઆઈ બી. સી. છત્રાલીયા દ્વારા ચલાવવામાં આવી રહી છે. પોલીસ આરોપીને કોર્ટમાં રજૂ કરી જેલ હવાલે કરવાની તજવીજ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *