બાળકી સ્કૂલે જવાનું ટાળવા લાગી અને રડવા માંડી ત્યારે માતા-પિતાને શંકા ગઇ, ચોકલેટ આપીને પૂછ્યું ને હકીકત બહાર આવી
રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટ નજીક 7 વર્ષની માસુમ બાળકી પર દુષ્કર્મની ઘટના બાદ રાજકોટ ફરી શર્મસાર થયું છે. હવે વિંછીયામાં 50 વર્ષના સ્કૂલબસ ડ્રાઈવરે 5 વર્ષની બાળકીને બે-બે વાર પીંખીને દુષ્કર્મ આચર્યું છે. બાળકીના માતાપિતાની ફરિયાદ બાદ પોલીસે હવસખોર સ્કૂલબસ ડ્રાઈવરની ધરપકડ કરી છે.
વિંછીયા તાલુકાના એક ગામમાં સ્કૂલ બસના ડ્રાઈવરે પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. બાળકીના માતા-પિતાએ વિંછીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આ ઘટના 13 જાન્યુઆરી, 2026 અને 20 જાન્યુઆરી, 2026 એમ બે અલગ-અલગ પ્રસંગે બની હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. એટલે કે આ નરાધમે 8 દિવસના ગાળામાં બે વાર બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી છે.
ફરિયાદ મુજબ વિંછીયા તાલુકાના એક ગામમાં પ્રાઇમરી સ્કૂલમાં બાલવાટિકા વિભાગમાં અભ્યાસ કરતી આ બાળકી પર 50 વર્ષની ઉંમરના સ્કૂલબસ ડ્રાઈવર કાળુભાઈ નાગજીભાઈ ચાવે સ્કૂલેથી ઘરે મૂકવા જતી વખતે રસ્તામાં વાડી વિસ્તારમાં લઈ જઈને બે-બે વાર દુષ્કર્મ આચર્યું હતું. બાળકીની નાની ઉંમરને કારણે તેને શું થઈ રહ્યું છે તેની પૂરી સમજ નહોતી. જોકે, તે સ્કૂલે જવાનું ટાળવા લાગી અને રડવા માંડી, ત્યારે તેના માતા-પિતાને શંકા ગઈ. માતા-પિતાએ બાળકીને ચોકલેટ આપીને પ્રેમથી પૂછપરછ કરતાં તેણે પોતાની ભાષામાં સ્કૂલબસના ડ્રાઈવર દ્વારા કરાયેલા કૃત્ય વિશે જણાવ્યું હતું.
આથી બાળકીના માતા-પિતાએ તાત્કાલિક વિંછીયા પોલીસ મથકે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે આરોપી કાળુભાઈ નાગજીભાઈ ચાવની ધરપકડ કરી છે. પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ ગુનાની કબૂલાત કરી હોવાનું પણ સામે આવ્યું છે. હાલ આરોપીના રિમાન્ડની માંગણી નામદાર કોર્ટમાં કરવામાં આવશે અને તે અગાઉ આવા કોઈ કૃત્યમાં સંકળાયેલ છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવશે.
