સુરેન્દ્રનગરના કરોડોના ઉઘરાણા કાંડમાં અધિકારીઓની ભાગબટાઇનો ઇડી સમક્ષ ભાંડો ફોડતા કલેકટર કચેરીના જ કર્મચારીઓ
જમીન હેતુફેર કરવામાં કુલ રૂા.10 કરોડનો ખેલ, કલાર્ક અને પી.એ.ને પણ મળતો હતો કટકીમાં ભાગ
નાયબ મામલતદારના મોબાઇલ ફોનમાંથી વોટ્સએપ ચેટ, પીડીએફ ફાઇલ્સ અને ફોટા મળ્યા
સુરેન્દ્રનગરના કરોડોના જમીન NA(બિનખેતી)કરાવવાના કૌભાંડ મામલે મોટો વળાંક આવ્યો છે. ઈડીએ ગઇકાલે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલની તેમના બંગલામાંથી જ ધરપકડ કરી હતી. ઈડીની પ્રાથમિક તપાસમાં 10 કરોડથી વધુ રૂૂપિયાની લાંચ લેવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. ઈડીએ રાજેન્દ્ર પટેલને સાંજે અમદાવાદ કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડ માગ્યા હતા. જો કે કોર્ટે 7 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. હવે સરકાર દ્વારા કલેકટરને સસ્પેન્ડ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
આ મામલે ચંદ્રસિંહ મોરી, જયરાજસિંહ ઝાલા, મયૂરસિંહ ડી.ગોહિલે ઈડી સમક્ષ આખા કેસના વટાણા વેરી દેતાં નિવેદન રેકોર્ડ કરાવ્યું હતું.
આ નિવેદન મુજબ સિસ્ટેમિક ચાલતા જમીનકૌભાંડમાં લાંચનો 50% હિસ્સો કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલને મળતો હતો, જ્યારે અન્ય અધિકારી એડિશનલ કલેક્ટર ઓઝાને 25 ટકા મળતો હતો. માત્ર એટલું જ નહીં, આ ત્રણેય લોકોએ મુખ્ય સૂત્રધાર અને લાભકર્તા તરીકે કલેક્ટર રાજેન્દ્ર પટેલનું જ નામ લીધું હતું.
ઈડીની પ્રાથમિક તપાસમાં કેટલીક ચોંકાવનારી બાબતો સામે આવી છે, જે મુજબ, 23 ડિસેમ્બરના રોજ સુરેન્દ્રનગરના નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના ઘરેથી સર્ચ દરમિયાન બેડમાં છુપાવેલી 67.50 લાખ રોકડ મળી હતી. આ તપાસ દરમિયાન ચંદ્રસિંહે કહ્યું હતું કે લાંચમાંથી 50 ટકા હિસ્સો જિલ્લા કલેક્ટરને મળતો હતો. 10 ટકા પોતે રાખતો હતો અને બાકીની રકમ અન્ય અધિકારીઓ, જેમ કે રેસિડન્ટ એડિશનલ કલેક્ટર આર.કે. ઓઝાને 25 ટકા મળતા હતા. મામલતદાર મયૂર દવેને 10 ટકા અને ક્લાર્ક મયૂરસિંહ ડી. ગોહિલને 5 ટકા મળતા હતા.
ચંદ્રસિંહ મોરીએ ઇડી સમક્ષ નિવેદન રેકોર્ડ કરાવ્યું હતું કે લાંચનો 50 ટકા હિસ્સો સુરેન્દ્રનગરના જિલ્લા કલેક્ટર ડો.રાજેન્દ્રકુમાર મહેન્દ્રભાઈ પટેલને મળતો હતો. તેમણે વધુમાં કહ્યું હતું કે આ બધો ’હિસાબ’ કલેક્ટરના પીએ જયરાજસિંહ ઝાલા રાખતો હતો અને લાંચમાં કલેક્ટરનો હિસ્સો પણ તે જ લઈ જતો હતો અને ડો.રાજેન્દ્ર પટેલ સુધી પહોંચાડતો હતો.
જ્યારે કલેક્ટરના પીએ જયરાજસિંહ ઝાલાએ ઈડી સમક્ષ સ્વીકાર્યું કે લાંચનો 50 ટકા હિસ્સો સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર ડો.રાજેન્દ્ર કુમારને મળતો હતો. આ ઉપરાંત તેણે એ પણ સ્વીકાર્યું કે આ હિસાબની શીટ જિલ્લા કલેક્ટર સાથે શેર કરતો હતો. લાંચની રકમ મેજિસ્ટ્રિયલ બ્રાન્ચ અને જિલ્લા કલેક્ટરના જિયોલોજી ડિપાર્ટમેન્ટમાં સ્વીકારવામાં આવતી હતી. કલેક્ટર ઓફિસના ક્લાર્ક મયૂરસિંહ ડી.ગોહિલે ઈડી સમક્ષ કહ્યું હતું કે જમીનના હેતુ ફેર માટે જિલ્લા કલેક્ટર અંતિમ નિર્ણય લેતા હતા.
23 ડિસેમ્બરે ઈડીએ કરેલા સર્ચમાં મોંઘાદાટ મોબાઈલ ફોન્સ મળ્યા હતા, જોકે આ મોબાઈલ ક્યાંથી વસાવ્યા એેનો કોઈ જવાબ આપી શક્યા નહોતા. રાજેન્દ્ર પટેલ ખેતીલાયક જમીન ધરાવતા હોવા છતાં ઇન્કમટેક્સ રિટર્નમાં ખેતીની આવક દર્શાવતા નહોતા. જ્યારે સરકારી પોર્ટલમાં તેઓ 2016થી જમીનની વિગતો બતાવી હતી.
ઈડીને નાયબ મામલતદાર ચંદ્રસિંહ ભૂપતસિંહ મોરી પાસેથી જે મોબાઈલ ફોન, વ્હોટ્સએપ ચેટ, પીડીએફ ફાઇલ્સ અને ફોટોઝ મળ્યાં હતાં. જે તેણે ક્લાર્ક મયૂરસિંહ ડી. ગોહિલ સાથે શેર કર્યા હતા. એેનાથી લાંચનું આખું રેકેટ સ્થાપિત થયું હતું. ઈડીને મળેલા ડિજિટલ ડિવાઇસમાંથી જે શીટ્સ મળી છે એમાંથી કેવી રીતે જમીન હેતુફેરનું આખું સ્કેમ આચરવામાં આવતું હતું એનો ખુલાસો થયો હતો, જે 10 કરોડનું હોવાનો ઘટસ્ફોટ થયો હતો. ચંદ્રસિંહ મોરીના ઘરેથી અમુક શીટ્સ પણ મળી હતી, જેમાં 1થી 68 નંબર સુધી અરજદારોનો હસ્ત લિખિત અને પ્રિન્ટેડ રેકોર્ડ હતો. એમાં અરજદારનું નામ, લાંચની માગેલી અને મળેલી રકમ, દલાલોની સંડોવણી તથા અધિકારીઓ વચ્ચે લાંચની ભાગ બટાઈની વિગતો લખેલી હતી.
કલેકટર રાજેન્દ્ર પટેલ પાંચ દી’ના રિમાન્ડ પર, તોળાતું સસ્પેન્શન
કરોડ રૂૂપિયાની જમીન એનએ (બિનખેતી) કૌભાંડની તપાસમાં સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ ધરપકડ કરી છે. EDની ત્રણ ટીમોએ ગાંધીનગરમાં આવેલા તેમના નિવાસસ્થાને લાંબા સમય સુધી પૂછપરછ કર્યા બાદ કડક કાર્યવાહી હાથ ધરી હતી. રાજેન્દ્ર પટેલ માટે EDએ 10 દિવસના રિમાન્ડની માંગ કરી હતી, જેમાં કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે કલેકટરને સસ્પેન્ડ કરવા માટેની સરકારી પ્રક્રીયા શરૂ કરવામાં આવી છે ત્યારે ગમે તે સમયે કલેકટર રાજેન્દ્ર પટેલને સસ્પેન્ડ કરવામાં આવે તેવી શકયતા છે. સુરેન્દ્રનગરમાં ખેડૂતોની જમીનને બીન ખેતી કરાવવા દરમિયાન કરોડોની લેતીદેતી અને ભ્રષ્ટાચારના આક્ષેપો સામે આવ્યા હતા. અધિકારીઓના દુરુપયોગ દ્વારા અનેક કરોડોની જમીન બિનખેતી કરાવવા માટે ટ્રાન્ઝેક્શન થઈ હોવાની માહિતી તપાસમાં સામે આવી છે. અગાઉ આ મામલે સુરેન્દ્રનગર એસીબીમાં પણ ભ્રષ્ટાચારના ગુનાઓ નોંધાયા હતા.
