જિલ્લામાં એક વર્ષમાં 50 બાળમજૂર મુક્ત કરાયા

દર વર્ષે 12 જૂને વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ સંદર્ભમાં રાજકોટ જિલ્લામાં બાળ મજૂરીને નાબૂદ કરવા વહીવટી તંત્ર દ્વારા વિવિધ…

દર વર્ષે 12 જૂને વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ સંદર્ભમાં રાજકોટ જિલ્લામાં બાળ મજૂરીને નાબૂદ કરવા વહીવટી તંત્ર દ્વારા વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષમાં બાળ મજૂરી નાબૂદી હેઠળ 50 જેટલા બાળ અને તરુણ શ્રમયોગીઓને 36 જેટલી સંસ્થાઓમાંથી મુક્ત કરાવી, તેમના પુન:વસન અને પુન:સ્થાપનનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને સોફ્ટ સ્કિલ્સની ઇન્ડસ્ટ્રીઝ તથા જ્વેલરી ઇમિટેશન, સાડી ફોલ્ડિંગ, પેકેજિંગ અને હોટલ ઉદ્યોગ જેવા બિન-જોખમી વ્યવસાયોમાં આ પ્રકારના શ્રમિકો વધુ જોવા મળે છે.

આ સમસ્યાને નિયંત્રિત કરવા જિલ્લા સ્તરે ’ચાઈલ્ડ લેબર ટાસ્ક ફોર્સ’ની રચના કરવામાં આવી છે, જે રજૂઆત મળતા જ સ્થળ તપાસ કરી સમીક્ષા કરે છે. છેલ્લા ત્રણ વર્ષમાં જિલ્લામાં 65 કોર્ટ કેસ અને 22 એફઆઈઆર નોંધવામાં આવી છે. મુક્ત કરાયેલા બાળકોને શિક્ષણ વિભાગના માધ્યમથી ફરીથી શાળામાં પ્રવેશ અપાવવાની કામગીરી પણ કરાય છે.

વધુમાં, જૂન મહિના દરમિયાન જિલ્લામાં આ ટાસ્ક ફોર્સ દ્વારા વિશેષ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. ડો. ઓમ પ્રકાશે તમામ ઉદ્યોગપતિઓ અને નાગરિકોને બાળ મજૂરી અટકાવવા અપીલ કરી છે. કોઈપણ સંસ્થામાં બાળ મજૂરી થતી હોય તો હેલ્પલાઇન નંબર 1098 પર સંપર્ક કરી જાણ કરવા વિનંતી કરવામાં આવી છે, જેથી ટાસ્ક ફોર્સ દ્વારા રેડ કરી કાર્યવાહી કરી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *