જિલ્લામાં તાલુકા લેવલની 16 લેન્ડરેકર્ડ કચેરી શરૂ થશે

સ્થાનિક સિટી સર્વે ઓફિસ અને જિલ્લાની DILRનું સંકલન વધારીને નવી IALR કચેરીઓ ચાલુ કરાશે, પ્રોપટીકાર્ડ-માપણીની કામગીરી ઝડપી બનશે રાજકોટ જિલ્લામાં જમીન અને મિલકત સંબંધી સરકારી…

સ્થાનિક સિટી સર્વે ઓફિસ અને જિલ્લાની DILRનું સંકલન વધારીને નવી IALR કચેરીઓ ચાલુ કરાશે, પ્રોપટીકાર્ડ-માપણીની કામગીરી ઝડપી બનશે

રાજકોટ જિલ્લામાં જમીન અને મિલકત સંબંધી સરકારી વહીવટને વધુ પારદર્શક, સરળ અને ઝડપી બનાવવા માટે કલેક્ટર તંત્ર દ્વારા એક મોટો વહીવટી ફેરફાર કરવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જમીન મહેસૂલ અને મિલકત નોંધણીના નિયમિત નિરીક્ષણ દરમિયાન નાની-મોટી વહીવટી ક્ષતિઓ સામે આવતી હોય છે, જેને દૂર કરવા અને ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારના લોકોની સમસ્યાઓનું કાયમી નિવારણ લાવવા માટે નવું માળખું અમલી બનાવવામાં આવી રહ્યું છે.

કલેક્ટર ડો. ઓમ પ્રકાશે એક મહત્વપૂર્ણ વહીવટી બદલાવની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, “અગાઉ સિટી સર્વેની કચેરીઓ તાલુકા વાઈઝ અલગ કાર્યરત હતી અને જિલ્લા કક્ષાએ ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકોર્ડ સંસ્થા કામ કરતી હતી. પરંતુ હવે આ વ્યવસ્થામાં મોટો ફેરફાર કરીને તાલુકા લેવલે IALR (ઇન્સ્પેક્ટર આસિસ્ટન્ટ લેન્ડ રેકોર્ડ) ની નવી પોસ્ટ અને કચેરીઓ ઊભી કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે.” રાજકોટ જિલ્લામાં આવી કુલ 16 આઈ.એ.એલ.આર. કચેરીઓ ટૂંક સમયમાં જ વિધિવત રીતે કાર્યરત થઈ જશે.

આ નવા વહીવટી માળખાથી તાલુકા કક્ષાએ સિટી સર્વે અને જમીન માપણી બંનેનું મહેકમ હવે એક થઈ જશે, જેનું હેડિંગ જે-તે આઈ.એ.એલ.આર. કરશે. જ્યારે જિલ્લા કક્ષાએ ડેપ્યુટી ડાયરેક્ટર લેન્ડ રેકોર્ડ આ તમામ કચેરીઓનું સુપરવિઝન અને કંટ્રોલ રાખશે. આ વ્યવસ્થાથી વર્ષોથી ચાલતા સિટી સર્વે અને DILR વચ્ચેના કોર્ડિનેશન (સંકલન)ના પ્રશ્નો અને વિવાદોનો કાયમી અંત આવશે. તમામ કચેરીઓમાં ફર્નિચર, નેટ કનેક્ટિવિટી અને દસ્તાવેજોના સુરક્ષિત સ્ટોરેજ માટેની સુવિધાઓ ઊભી કરવાનું મૂલ્યાંકન હાલ ચાલુ છે.

તાજેતરમાં કરાયેલા સરપ્રાઈઝ ચેકિંગ અને મુલાકાતોનો ઉલ્લેખ કરતા કલેક્ટરે જણાવ્યું કે, ગામડાઓમાં મિલકત રજિસ્ટર તરીકે ઓળખાતા ’ગામ નમૂના નંબર 2’ માં તમામ મિલકતો સમયસર અને વિગતવાર અધ્યતન થાય તે માટે સંબંધિત અધિકારીઓને કડક સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત, ગ્રામજનો તરફથી મળતી વિવિધ સ્થાનિક વહીવટી રજૂઆતો અંગે કલેક્ટર કચેરી દ્વારા ત્વરિત પત્રો લખીને યોગ્ય વહીવટી પગલાં લેવામાં આવી રહ્યા હોવાની ખાતરી પણ તેમણે આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *