ગુજરાતમાં બોંબ વિસ્ફોટનું પરીક્ષણ કરતા વધુ 5 આતંકી ઝડપાયા

સિધ્ધપુર-પાટણમાં ATSનું ગુપ્ત ઓપરેશન, દેશભરમાં મોટાપાયે વિસ્ફોટ કરવાના ખોફનાક ઇરાદા દેશ વિરોધી તત્વોનો ડોળો ગુજરાત ઉપર મંડાયેલો હોય તેમ થોડા દિવસ અગાઉ 8 આતંકવાદી ઝડપાયા…

સિધ્ધપુર-પાટણમાં ATSનું ગુપ્ત ઓપરેશન, દેશભરમાં મોટાપાયે વિસ્ફોટ કરવાના ખોફનાક ઇરાદા

દેશ વિરોધી તત્વોનો ડોળો ગુજરાત ઉપર મંડાયેલો હોય તેમ થોડા દિવસ અગાઉ 8 આતંકવાદી ઝડપાયા બાદ ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે અને સિધ્ધપુર-પાટણ વિસ્તારમાં ઓપરેશન કરી વધુ પાંચ દેશવિરોધી તત્વોને ઝડપી લેતા અત્યાર સુધીમાં 13 શંકાસ્પદ તત્વોની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત એટીએસે જૈશ-એ-મોહમ્મદ આતંકી સંગઠન સાથે જોડાયેલા પાંચ વધુ આતંકવાદીઓની ધરપકડ કરી છે. આ તમામ આરોપીઓ ઉત્તર ગુજરાતના સિદ્ધપુર અને આસપાસના વિસ્તારોમાંથી પકડાયા છે.

ગુજરાત ATSના અધિકારીઓએ જણાવ્યું કે આ આતંકી ગેંગ દેશભરમાં મોટા પાયે વિસ્ફોટ કરવાની યોજના ઘડી રહી હતી. આ ગેંગના માસ્ટરમાઇન્ડ તરીકે મોહમ્મદ અયુબ અને અમીન શેરાના નામ સામે આવ્યા છે. આ બંનેએ વિસ્ફોટક બનાવવા માટે કેમિકલ્સ ખાસ કરીને ગન પાવડર મંગાવ્યો હતો.

તપાસમાં જાણવા મળ્યું છે કે આ આતંકવાદીઓએ સિદ્ધપુર અને આસપાસના ગામડાના નિર્જન વિસ્તારોમાં સાતથી આઠ નાના વિસ્ફોટો કરીને બોંબ પરીક્ષણો કર્યા હતા. તેઓ શહેરથી દૂર ગામડાઓમાં રહીને તેમના નેટવર્કને વિસ્તારવાની રણનીતિ અપનાવી રહ્યા હતા. તેમનું માનવું હતું કે શહેરી વિસ્તારોમાં એજન્સીઓ તેમના પર નજર રાખશે, તેથી ગામડાઓમાં સલામતી અનુભવતા હતા.

જોકે, આ આતંકવાદીઓને ખબર ન હતી કે ગુજરાત ATS લાંબા સમયથી તેમની ગતિવિધિઓ પર નજર રાખી રહી હતી. ATSની ટીમે ગુપ્ત માહિતીના આધારે આ કાર્યવાહી કરી છે. પકડાયેલા આરોપીઓની વધુ પૂછપરછ ચાલુ છે અને સમગ્ર મોડ્યુલને ઉઘાડી પાડવાના પ્રયાસો થઈ રહ્યા છે.

ATSએ બિબાલ શેરા, મોહમદ અયુબ કાદિવાલ, મોહમદ શફી મુખી, મોહમદ હસન કારડિયા અને મોહમદ અયુબ સુનાસરાની ધરપકડ કરી છે. તપાસ એજન્સીના જણાવ્યા મુજબ, આ પાંચેય આરોપીઓ ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં પોતાનું નેટવર્ક ચલાવી રહ્યા હતા અને કથિત રીતે પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના વિચારોનો પ્રચાર-પ્રસાર કરતા હતા. તપાસ દરમિયાન વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. ATSની પૂછપરછમાં સામે આવ્યું છે કે, અયુબ કાદિવાલ અને મોહમ્મદ શેરા કથિત રીતે બોમ્બ બનાવવાની તાલીમ મેળવી રહ્યા હતા. એટલું જ નહીં, ગ્રામ્ય વિસ્તારોના અવાવરુ સ્થળોએ ટાઈમ બોમ્બ બનાવી તેનું પરીક્ષણ પણ કરતા હોવાનો આરોપ છે. આ સમગ્ર મામલે તપાસ એજન્સી વધુ પુરાવા એકત્ર કરી રહી છે અને અન્ય સંડોવાયેલા લોકો સુધી પહોંચવા માટે કાર્યવાહી તેજ કરી છે.

આ માહિતી પ્રાથમિક તપાસના આધારે સામે આવી છે અને આરોપીઓ સામેની તપાસ હજુ ચાલુ છે. ATS દ્વારા આજે બપોરે 12:30 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ યોજાશે, જેમાં સમગ્ર કેસ અંગે વધુ સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવશે. આ કેસને લઈને સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે અને રાજ્યમાં આતંકવાદી નેટવર્ક સામેની કાર્યવાહી વધુ તેજ કરવામાં આવી છે.

અત્યાર સુધીમાં 13 પકડાયા

ઉલ્લેખનીય છે કે, 3 જુલાઈએ ગુજરાત ATSની ટીમે મધ્યપ્રદેશ અને ગુજરાતમાં ઓપરેશન કરીને 8 આતંકીની ધરપકડ કરી હતી. આ શખ્સો આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સક્રિય હતા અને ગુજરાતમાં આતંકી સંગઠનને સક્રિય કરવા માટે કામગીરી કરી રહ્યા હતા. જે અંગેની બાતમી એટીએસને મળતા અલગ-અલગ 5 ટીમો બનાવીને મોટું ઓપરેશન પાર પાડ્યું હતું. ATS ટીમોએ ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, નવસારી, પાટણ અને મધ્યપ્રદેશના દેવાસમાંથી 8 શખસની ધરપકડ કરી હતી. ત્યારબાદ આજે વધુ પાંચને ઝડપી લેતા કુલ 13 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *