માદક પદાર્થોના વેપલા સામે પોલીસની કાર્યવાહી
ગુજરાત રાજ્યના પોલીસ મહાનિદેશકશ્રી, ગુનાહિત તપાસ વિભાગ (સી.આઈ.ડી.) ક્રાઈમ અને રેલવે, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં ગેરકાયદેસર માદક પદાર્થો, કેફી ઔષધો તથા મન:પ્રભાવી દ્રવ્યોના ગેરકાયદેસર વેપાર, હેરફેર અને વેચાણને અટકાવવા માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. રાજ્યને નશામુક્ત બનાવવાના હેતુસર આ અભિયાન અંતર્ગત સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ સંદર્ભે નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી રાજકોટ રેન્જ, શ્રી નિર્લિપ્ત રાય (આઈ.પી.એસ.) તથા પોલીસ અધિક્ષકશ્રી ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ જામનગર જિલ્લામાં માદક પદાર્થોના ગેરકાયદેસર વેચાણ અને વહન સામે કડક પગલાં લેવા તથા આવા ગુનાઓમાં સંડોવાયેલા ઈસમોને ઝડપી પાડવા સૂચનાઓ આપવામાં આવી હતી. સાથે જ એન.ડી.પી.એસ. કાયદા હેઠળ વારંવાર ગુનાઓ કરતા ઈસમો વિરુદ્ધ પિટ એન.ડી.પી.એસ. કાયદા મુજબ અટકાયત દરખાસ્ત તૈયાર કરવાની પણ દિશા નિર્દેશ આપવામાં આવ્યો હતોમ
જે અનુસંધાને જામનગર વિશેષ કામગીરી જૂથ (એસ.ઓ.જી.)ના પોલીસ ઈન્સ્પેક્ટર બી.એન. ચૌધરી તથા પોલીસ સબ ઈન્સ્પેક્ટર એલ.એમ. ઝેર, એ.વી. ખેર તથા તેમની ટીમ દ્વારા એન.ડી.પી.એસ. કાયદા હેઠળના ગુનાઓમાં સંડોવાયેલા ઈસમો સામે સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.
તપાસ દરમ્યાન સબળ પુરાવાઓ એકત્ર કરી, આ ઈસમો જાહેર વ્યવસ્થા તથા જન આરોગ્ય માટે જોખમરૂૂપ હોવાનું જણાતાં તેમના વિરુદ્ધ પિટ એન.ડી.પી.એસ. કાયદા હેઠળ દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી.
આ દરખાસ્ત પોલીસ અધિક્ષક મારફતે પોલીસ મહાનિદેશકશ્રી, સી.આઈ.ડી. ક્રાઈમ, ગુજરાત રાજ્ય, ગાંધીનગરને મોકલવામાં આવી હતી, જે મંજૂર થતા ફરીદ બસીરભાઈ ખોડ વાઘેર, અજીજ મામદભાઈ ગાધ વાઘેર, અસગર ગનીભાઈ પલેજા વાઘેર તથા નુરમામદ ઉર્ફે નુરો સિદીકભાઈ છરેચા (તમામ રહે. જોડીયા ગામ, મોટાવાસ, તા. જોડીયા, જી. જામનગર) ને અટકાયત કરવામાં આવી છે.
આ ઈસમો દ્વારા ગેરકાયદેસર માદક પદાર્થો, કેફી ઔષધો તથા મન:પ્રભાવી દ્રવ્યોના વેપાર અને હેરફેરને રોકવા હેતુસર તેમને અમદાવાદ, વડોદરા, સુરત તથા ભુજ સ્થિત મધ્યસ્થ જેલોમાં હવાલે કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
