બે સેક્ધડમાં મોબાઇલ ચેક કરવાની કૂટેવ જીવલેણ સાબિત થઇ રહી છે ; કેટલે પહોંચ્યા ? નો જવાબ પણ જોખમી
ગુજરાતમાં એક વર્ષમાં 150 ગંભીર અકસ્માતોમાં 97ને ગંભીર અને 90 લોકોને સામાન્ય ઇજા
ગુજરાતમાં ઉબડ-ખાબડ રસ્તા અને બેદરકારી ભર્યા ડ્રાઇવિંગના કારણે તો અકસ્માતો સર્જાય જ છે. પરંતુ હવે ચાલુ વાહને મોબાઇલ ફોનના ઉપયોગ કે, ફોન ચેક કરવાની કુટેવના કારણે પણ જીવલેણ અકસ્માતોના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. સરકારી ચોપડે મોબાઇલના કારણે નોંધાયેલા અકસ્માતોનો આંકડો પણ ચોંકાવનારો છે.
સરકાર ચાલુ વાહને મોબાઇલ ફોનનો ઉપયોગ કરવાની કુટેવ સામે ઝૂંબેશ ચલાવી રહી છે. પરંતુ પોતાની જાતને સમથિંગ સમજતા અનેક વાહન ચાલકો સરકારની સૂચનાઓ કે, ચેતવણીનો ધ્યાને લીધા વગર ચાલુ વાહને મોબાઇલ ફોનનો ઉપયોગ કરીને હિરોગીરી કરતા હોય છે. જેના પરિણામો કયારેક ગંભીર આવી શકે છે.
વાહન ચાલું હોય ત્યારે મોબાઈલમાં એક સેક્ધડ જોવામાં એક વર્ષમાં 33 લોકોએ જીવ ગુમાવ્યા છે, 97 જણાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે અને 90 જણાંને સામાન્ય ઈજાઓ થઈ છે.
મોબાઈલના વળગણને કારણે વાહન ચલાવતાં ચલાવતાં એક વર્ષમાં 150 ગંભીર અકસ્માતો ગુજરાત ટ્રાફિક પોલીસના ચોપડે ચડ્યા છે. આ તો નોંધાયેલા કેસ છે ઉપરાંત ન નોંધાયેલા અસંખ્ય અકસ્માતોમાં મોબાઈલનો ઉપયોગ પણ પ્રમુખ કારણ બહાર આવ્યું છે. આખા દેશમાં 2024માં આ પ્રકારના મૃતકોનો આંકડો 2884નો છે.
આ અંગે વાત કરતાં મનોચિકિત્સક જણાવે છે કે, જ્યારે એક વ્યક્તિ ચાલુ વાહને મનમાં એવું ધારી લે છે કે લાવ, બે જ સેક્ધડમાં હું વાત કરી લઉં. ત્યારે તે બે સેક્ધડમાં 33 મીટરનું અંતર જોયા વિના કાપી નાંખે છે. તે સમયે તેમના વાહનની ગતિ 40 કે 60 કિલોમીટર પ્રતિ કલાક હોય તો પણ ભયંકર અકસ્માત નોતરી શકે છે. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આ બાબત રેડએલર્ટ સમાન છે.
આ ઉપરાંત અત્યારની ફાસ્ટ લાઈફમાં કામના દબાણ હેઠળ પણ આ પ્રકારના એક્સિડન્ટ વધારી રહ્યું છે. બોસ કે ક્લાયન્ટ તરફથી વ્યક્તિને આવતાં કેટલે પહોંચ્યા? ના સતત ફોન તેને ચાલુ વાહનો મોબાઈલ ઉપાડવા મજબૂર કરે છે. હેન્ડ્સ ફ્રીનો ઉપયોગ કરીને સાવ ઘ્યાન બેરા બનતા અનેક ચાલકો આ પ્રકારના અકસ્માતનો ભોગ બની રહ્યા છે.
