રસ્તાઓ પર પતંગ પકડવાની દોડધામના કારણે અકસ્માતની ઘટનાઓ 118.71 ટકા વધી; અમદાવાદ મોખરે, રાજકોટ ત્રીજા નંબરે
એક જ દિવસમાં ઈમરજન્સીનાં કુલ 5897 કેસના કારણે આરોગ્ય તંત્ર સતત દોડતું રહ્યું
ગુજરાતના લોકપ્રિય તહેવાર ઉત્તરાયણની રાજ્યભરમાં ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી. જોકે, આ હર્ષોલ્લાસ વચ્ચે સુરક્ષા સંબંધિત પડકારોને પહોંચી વળવા 108 ઈમરજન્સી મેડિકલ સર્વિસીસ (ઊખજ) દ્વારા સચોટ આયોજન અને ચોવીસે કલાક મોનીટરીંગ કરવામાં આવ્યું હતું. 14 જાન્યુઆરી 2026 ના રોજ રાજ્યમાં કુલ 5,897 ઇમર્જન્સી મેડિકલ કેસ નોંધાયા હતા, જે સામાન્ય દિવસોની સરખામણીએ 33.33% નો વધારો દર્શાવે છે. આ વર્ષે ઉત્તરાયણ દરમિયાન પતંગ ઉડાવવાની પ્રવૃત્તિઓ અને ભીડને કારણે નોન-વ્હીક્યુલર ટ્રોમા કેસોમાં 171 ટકાનો જંગી વધારો જોવા મળ્યો હતો. સામાન્ય રીતે 484 કેસની સામે આ દિવસે 1,313 કેસ નોંધાયા હતા. પતંગના દોરાને કારણે થતી ઇજાઓમાં 1,018.85% નો આઘાતજનક વધારો નોંધાયો છે. સંક્રાંતિની ઉજવણી દરમિયાન થતા વિવાદોને કારણે શારીરિક હુમલાના કેસમાં 284.10 ટકાનો વધારો થયો છે જ્યારે છત પરથી પડી જવાના કે સ્લીપ થવાના કેસમાં 92.33 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.
વાહનવ્યવહારમાં વધારો અને રસ્તાઓ પર પતંગ પકડવાની દોડધામને કારણે રોડ અકસ્માતના કેસમાં પણ 118.71 ટકાનો વધારો થયો છે. સામાન્ય દિવસના 581 કેસની સામે 1,270 અકસ્માતના કેસ નોંધાયા હતા. જિલ્લાવાર પરિસ્થિતિ જોઈએ તો, અમદાવાદ 1,176 કેસ સાથે રાજ્યમાં મોખરે રહ્યું હતું. ત્યારબાદ સુરતમાં 567 અને રાજકોટમાં 365 સૌથી વધુ ઈમરજન્સી કેસ નોંધાયા હતા.
ઈમરજન્સી કેસોનું ભારે ભારણ હોવા છતાં 108-ઊખજ દ્વારા ડેટા-આધારિત આગાહી અને હાઈ-રિસ્ક વિસ્તારોમાં એમ્બ્યુલન્સની અગાઉથી તૈનાતીને કારણે અનેક લોકોના જીવ બચાવી લેવામાં આવ્યા છે. ઊખઝ સ્ટાફ, પાયલટ અને હોસ્પિટલો વચ્ચેના મજબૂત સંકલનને કારણે તબીબી સારવાર તાત્કાલિક મળી રહી હતી.
અમદાવાદમાં સૌથી વધુ 1,176 નોંધાયા છે. સામાન્ય દિવસો કરતા અહિં 41.10 ટકાનો વધારો નોંધાયો જ્યારે સુરતમાં 567 કેસ સાથે 32.95 % વધારો, રાજકોટમાં 365 કેસ 52.68% વધારો અને વડોદરામાં 363 કેસ સાથે 49.01% વધારો નોંધાયો છે. સૌથી વધુ ટકાવારીમાં વધારો પંચમહાલ (95.19%), વાવ-થરાદ (95.65%) અને અરવલ્લી (88.68%) માં જોવા મળ્યો હતો. જ્યારે તાપી, બનાસકાંઠા, જૂનાગઢ અને ડાંગ જેવા જિલ્લામાં કેસોમાં સામાન્ય ઘટાડો નોંધાયો હતો.
તહેવાર દરમિયાન વાહનવ્યવહાર અને રસ્તા પર પતંગના કારણે થતી બેદરકારીથી અકસ્માતોમાં 118.71 ટકાનો વધારો થયો હતો. પંચમહાલમાં અકસ્માતના કેસમાં આશ્ચર્યજનક 381.65 ટકાનો, અમદાવાદમાં સૌથી વધુ 198 અકસ્માત સાથે 110.79 % વધારો, તથા દાહોદ (252.53%) અને મહેસાણામાં (219.91%) પણ મોટો ઉછાળો આવ્યો છે.
પતંગ-દોરા સબંધિત ઈજાની ઘટનાઓમાં પણ ગંભીર વધારો જોવા મળ્યો છે, કારણ કે તેમાં પતંગના દોરાથી થતી ઈજા અને ધાબા પરથી પડવાના કેસ સામેલ છે. દોરાથી થતી ઈજાઓમાં રાજ્ય સ્તરે 1018.85 ટકાનો જંગી વધારો થયો છે. અમદાવાદમાં આ કેસોમાં 1446.15 ટકા અને વડોદરામાં 2000 ટકાનો વિક્રમી વધારો નોંધાયો હતો.
સમગ્ર રાજ્યમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા શહેરી વિસ્તારોમાં ઇમરજન્સીનું ભારણ સૌથી વધુ રહ્યું હતું. પતંગના દોરાથી થતી ઈજા અને અકસ્માતના કિસ્સામાં મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના મુખ્ય કેન્દ્રોમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે.

