અંબાજીમાં જય અંબે તિથિ ભોજન યોજનાના પ્રથમ દિવસે જ 30 કરોડનું દાન

ભારતભરના 51 શક્તિપીઠોમાં હૃદયસ્થાન ગણાતા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ ખાતે લાખો શ્રદ્ધાળુઓની સુવિધામાં વધારો કરવાના ઉમદા હેતુથી ’જય અંબે તિથિ ભોજન’ યોજનાનો ભવ્ય…

ભારતભરના 51 શક્તિપીઠોમાં હૃદયસ્થાન ગણાતા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ ખાતે લાખો શ્રદ્ધાળુઓની સુવિધામાં વધારો કરવાના ઉમદા હેતુથી ’જય અંબે તિથિ ભોજન’ યોજનાનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે.બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અને શ્રી આરાસુરી અંબાજી મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ મિહિર પટેલના અધ્યક્ષસ્થાને આ સેવાકીય પ્રવૃત્તિને ખુલ્લી મૂકવામાં આવી હતી.

આ યોજનાના પ્રારંભિક દિવસે જ દાતાઓની ઉદારતાના પરિણામે રૂૂ.30 કરોડથી વધુની રકમ એકત્રિત થઈ છે, જેમાં સૌથી મોટા દાતા તરીકે રિલાયન્સ ફાઉન્ડેશનના અનંત અંબાણીએ રૂૂ.27.50 કરોડથી વધુની માતબર રકમ અર્પણ કરી છે. આ ઉપરાંત અમદાવાદના એક શ્રદ્ધાળુએ રૂૂ.52 લાખનું દાન આપી સેવા ભક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.’અંબિકા અન્નક્ષેત્ર’ દ્વારા હાલમાં દરરોજ હજારો યાત્રાળુઓને નિ:શુલ્ક ભોજન પ્રસાદ પીરસવામાં આવે છે. આ વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા અમલી કરાયેલી ’તિથિ ભોજન’ યોજના અંતર્ગત, જે દાતા 1.51 લાખનું દાન અર્પણ કરશે, તેઓ આજીવન તે નિશ્ચિત તિથિ કે તારીખના મુખ્ય દાતા તરીકે નોંધાશે. દર વર્ષે નિર્ધારિત તિથિએ અન્નક્ષેત્ર ખાતે દાતાના નામની તકતી લગાવી તેમના સહયોગની નોંધ લેવામાં આવશે.

આ પ્રસંગે બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું કે, માઈભક્તો પોતાની પુણ્યતિથિ, જન્મદિવસ કે લગ્ન પ્રસંગ નિમિત્તે આ યોજનામાં જોડાઈ શકે છે. આ પ્રસંગે દાતાઓનું શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું અને વહીવટદાર કૌશિક મોદીએ યોજનાની વિગતવાર રૂૂપરેખા રજૂ કરી હતી.

વર્તમાન વ્યવસ્થા મુજબ, અન્નક્ષેત્રમાં દરરોજ સવારે 10:30 થી બપોરે 3:00 અને સાંજે 6:00 થી રાત્રે 9:30 કલાક સુધી શુદ્ધ ભોજન પીરસાય છે. મેનુમાં પૂરી-શાક, દાળ-ભાત અને પાપડ જેવી વાનગીઓ તેમજ રવિવાર, પૂનમ અને અષ્ટમી જેવા ખાસ દિવસોએ માતાજીના પ્રિય પ્રસાદ ’મોહનથાળ’નો સમાવેશ થાય છે. સામાન્ય દિવસોમાં અંદાજે 6 હજાર અને વિશેષ દિવસોએ 8 હજાર જેટલા ભક્તો આ પ્રસાદનો લાભ લે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *