સુરતમાં કેમિકલની ટાંકી સાફ કરવા ઉતરેલા 3 શ્રમિકોના ગૂંગળાઇ જવાથી મોત

સુરતના પાંડેસરા GIDC માં આવેલી ન્યુ પારસ ડાઈંગ મિલમાં હોળીના પવિત્ર તહેવારના દિવસે એક અત્યંત હૃદયદ્રાવક ઘટના ઘટી છે. મિલના સંચાલકો દ્વારા કોઈપણ પ્રકારના સુરક્ષા…

સુરતના પાંડેસરા GIDC માં આવેલી ન્યુ પારસ ડાઈંગ મિલમાં હોળીના પવિત્ર તહેવારના દિવસે એક અત્યંત હૃદયદ્રાવક ઘટના ઘટી છે. મિલના સંચાલકો દ્વારા કોઈપણ પ્રકારના સુરક્ષા સાધનો આપ્યા વગર શ્રમિકોને જોખમી કેમિકલ ટાંકી સાફ કરવા માટે ઉતારવામાં આવ્યા હતા. આ ગંભીર લાપરવાહીને કારણે બિહારના વતની એવા ત્રણ આશાસ્પદ શ્રમિક યુવાનોના ગૂંગળામણના કારણે ટપોટપ મોત નીપજ્યા છે, જ્યારે એકની સારવાર ચાલી રહી છે. ઘટનાને પગલે સમગ્ર પાંડેસરા વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે અને શ્રમિક પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

5 માર્ચને ગુરુવારે રાત્રે જ્યારે મિલમાં સફાઈ કામગીરી ચાલી રહી હતી, ત્યારે ચાર શ્રમિકો વારાફરતી કેમિકલની ઊંડી ટાંકીમાં ઉતર્યા હતા. ટાંકીની અંદર ઓક્સિજનનું પ્રમાણ નહિવત હોવાથી અને કેમિકલની તીવ્ર અસરોને કારણે શ્રમિકોનો શ્વાસ રૂૂંધાવા લાગ્યો હતો. કોઈપણ સેફ્ટી માસ્ક કે ઓક્સિજન સિલિન્ડર ન હોવાથી ગણતરીની મિનિટોમાં જ સોનુ, અંકિત, સંદીપ અને મહેન્દ્ર ગૂંગળાઈને ટાંકીની અંદર જ બેભાન થઈ ઢળી પડ્યા હતા. આ ભયાનક દૃશ્ય જોઈ મિલના અન્ય કર્મચારીઓમાં પણ ભારે નાસભાગ મચી ગઈ હતી. તમામને સાવવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં, જ્યાં ત્રણના મોત નીપજ્યાં છે અને એક સારવાર હેઠળ છે.

આ દુર્ઘટનામાં ભોગ બનનાર તમામ શ્રમિકો મૂળ બિહારના રોહતાસ જિલ્લાના વતની હોવાનું જાણવા મળ્યું છે. મૃતકોમાં અંકિત કુમાર (ઉં.વ.19), સોનુ કુમાર પાસવાન અને સંદીપ કુમાર પાસવાન (ઉં.વ.22)નો સમાવેશ થાય છે. માત્ર 19-22 વર્ષની નાની ઉંમરે કમાવવા આવેલા આ યુવાનોના મોતથી તેમના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. જ્યારે અમરેન્દ્ર કુમાર (ઉં.વ.23) હાલ હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે જંગ લડી રહ્યો છે.

મૃતક સંદીપ પાસવાનના લગ્નની શરણાઈઓ એપ્રિલ મહિનામાં વાગવાની હતી, પરંતુ તે પહેલાં જ તેના મોતની ખબર આવી પહોંચી. ઘરમાં લગ્નની ખરીદી અને આનંદનો માહોલ હતો, જે હવે માતરમાં ફેરવાઈ ગયો છે. સંદીપના પિતા અને પરિવારજનો સુરત દોડી આવ્યા છે અને મિલ માલિકોની બેદરકારી સામે ફિટકાર વર્ષાવી રહ્યા છે. એક આશાસ્પદ યુવાનના લગ્નના ઓરતા અધૂરા રહી ગયા છે, જેની પાછળ મિલના મેનેજમેન્ટની સુરક્ષા પ્રત્યેની લાપરવાહી સીધી રીતે જવાબદાર હોવાનું જણાઈ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *