‘મસ્ટાંગ’ કારમાં પરવાનાવાળી પિસ્તોલ સાથે સીનસપાટા કરતાં 3 છાત્રો ઝડપાયા

એસ્ટેટ બ્રોકરનો પુત્ર મિત્રના દાદાની પિસ્તોલ લાવ્યો અને અમદાવાદથી આવેલા બે છાત્રો રીલ બનાવતા હતા ત્યાં એસ.ઓ.જી.ની ઝપટે ચડી ગયા ગેરકાયદેસર હથિયારો અને નશીલા દ્રવ્યો…

એસ્ટેટ બ્રોકરનો પુત્ર મિત્રના દાદાની પિસ્તોલ લાવ્યો અને અમદાવાદથી આવેલા બે છાત્રો રીલ બનાવતા હતા ત્યાં એસ.ઓ.જી.ની ઝપટે ચડી ગયા

ગેરકાયદેસર હથિયારો અને નશીલા દ્રવ્યો વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ને મોટી સફળતા મળી છે. ન્યારી ડેમ મેઈન રોડ પર પેટ્રોલિંગ દરમિયાન એસઓજીની ટીમે વૈભવી ’મસ્ટાંગ’ કારમાં રિવોલ્વર સાથે સેલ્ફી લેતા અને રીલ બનાવતા ત્રણ નબીરાઓને ઝડપી લઇ પરવાનાવાળી પિસ્તોલ અને 80 લાખની વૈભવી ’મસ્ટાંગ’ કાર સહિત કુલ ₹83.65 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પ્રાપ્ત વિગતો આજે વહેલી સવારે એસઓજીના પી.આઈ એન.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વી.વી. ધ્રાંગુ અને તેમની ટીમ રાજકોટના ન્યારી ડેમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન સરલા કામદાર રોટરી પાર્ક પાસે એક કાળા રંગની ફોર્ડ મસ્ટાંગ જીટી કાર નંબર જીજે-01-કેડબ્લ્યુ-0007 શંકાસ્પદ હાલતમાં ઉભેલી જણાઈ હતી.

એસઓજીએ જ્યારે તપાસ કરી ત્યારે કાર પાસે ઉભેલા ત્રણ નબીરા પિસ્તોલ સાથે ફોટા પાડી રહ્યા હતા. એસઓજીએ તાત્કાલિક ત્રણેયની અટકાયત કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, અમદાવાદના ઘાટલોડિયાનો ધ્રુમીલ અમીતભાઇ ઠાકોર (ઉ.વ. 20): અને ગાંધીનગરના કુડાસણ રહેતો આદિત્યસિંહ દિલીપસિંહ રાઠોડ (ઉ.વ. 18) તેમજ રાજકોટની ધોળકિયા સ્કુલમાં અભ્યાસ કરતો એસ્ટેટ બ્રોકરનો સગીરવયનો પુત્ર હોવાનું ખુલ્યું હતું. તલાસી લેતા ધ્રુમીલ પાસેથી જર્મન બનાવટની “ARMINIUS HW3” રિવોલ્વર અને એક જીવતો કાર્ટિસ મળી આવ્યો હતો.

આ હથિયાર રાખવા માટે તેમની પાસે કોઈ પરમિટ નહોતી. આ ઉપરાંત, પોલીસે રૂૂ. 80 લાખની ફોર્ડ મસ્ટાંગ કાર અને રૂા.2.40 લાખની કિંમતના આઈફોન 16 પ્રો મેક્સ અને સેમસંગ ફોલ્ડ-4 એમ ત્રણ મોંઘા મોબાઈલ ફોન પણ કબજે કર્યા છે. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે, અમદાવાદના ઘાટલોડિયાનો ધ્રુમીલ અમીતભાઇ ઠાકોર (ઉ.વ. 20) અને ગાંધીનગરના કુડાસણ રહેતો આદિત્યસિંહ દિલીપસિંહ રાઠોડ અમદાવાદથી રાજકોટ એક પ્રસંગમાં આવ્યા હતા. આ રિવોલ્વર તેમનો રાજકોટનો મિત્ર 15 વર્ષનો ધોળકિયા સ્કુલનો વિધાર્થી જે રાજકોટના એક જમીન દલાલનો પુત્ર છે તે લાવ્યો હતો અને માત્ર ફોટા પાડવા માટે તેમને આપી હતી. 15 વર્ષીય ટાબરિયાના મિત્રના દાદાની આ પરવાનાવાળી પિસ્તોલ હોવાનું તપાસમાં ખુલ્યું હતું.

એસઓજીની તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલા આરોપી પૈકી આદિત્યસિંહ દિલીપસિંહ રાઠોડ અગાઉ પણ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો છે. તેની વિરુદ્ધ અમદાવાદ ટ્રાફિક પોલીસ સ્ટેશન અને નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં અકસ્માત અને હુમલા જેવા ગુનાઓ નોંધાયેલા છે, જેમાં ભારતીય ન્યાય સંહિતા ની વિવિધ કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે આર્મ્સ એક્ટની કલમ 25(1-બી)એ, 29, જી.પી. એક્ટની કલમ 135 અને ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 223 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.એસ.ઓ.જી. શાખાના પોલીસ ઈન્સપેક્ટર એન.બી.ચૌધરી સાથે પીએસઆઈ વી.વી.ધ્રાંગુ તથા એ.એસ.આઇ. ઇન્દ્રસિંહ જાડેજા તથા ફિરોજભાઈ રાઠોડ તથા પો.હેડ.કોન્સ. મૌલિકભાઇ સાવલીયા તથા દિગ્વિજયસિંહ ગોહિલ તથા તથા પો.કોન્સ. હાર્દિકસિંહ પરમાર તથા યોગેન્દ્રસિંહ ઝાલા તથા ક્યુ.આર.ટી.ના પો.હેડ.કોન્સ. અશ્વીનભાઇ ડાંગર તથા પો.કોન્સ. જનકસિંહ ગોહિલ તથા ચાપરાજભાઇ દોરિલા તથા શક્તિસિંહ ગોહિલ તથા ડ્રાઇવર રાહુલભાઇ મકવાણાએ કામગીરી કરી હતી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *