લકઝરી એપાર્ટમેન્ટમાં આગ લાગતા કાકા-ભત્રીજા સહિત 3નાં મોત

રાજકોટમાં ધુળેટીના દિવસે જ એટલાન્ટિસ બિલ્ડિંગના ફ્લેટમાં ભભૂકેલી આગથી અફરાતફરી, અન્ય બે દાઝ્યા, 35 લોકોને બચાવી લેતું ફાયર બ્રિગેડ રાજકોટમા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડનુ ફરી પુર્નરાવતન…

રાજકોટમાં ધુળેટીના દિવસે જ એટલાન્ટિસ બિલ્ડિંગના ફ્લેટમાં ભભૂકેલી આગથી અફરાતફરી, અન્ય બે દાઝ્યા, 35 લોકોને બચાવી લેતું ફાયર બ્રિગેડ

રાજકોટમા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડનુ ફરી પુર્નરાવતન થયુ હોય તેમ માત્ર 10 માસનાં સમયગાળામા ફરી જીવલેણ આગ ભભુકી ઉઠી હોવાની ઘટના સામે આવી છે રાજકોટમા ધુળેટીનાં દિવસે જ રેસીડેન્સીયલ એન્ટલાન્ટીસ બિલ્ડિંગનાં છઠ્ઠા માળે શોર્ટ સર્કીટનાં કારણે આગ ભભુકતા લોકોમા નાસભાગ મચી જવા પામી હતી. જે ભભુકી ઉઠેલી આગમા ડીલેવરી આપવા ગયેલા સ્વીગી બોય અને બ્લીનકીટનાં કર્મી કાકા-ભત્રીજાનાં મોત નીપજયા હતા. જયારે હાઉસકીપીંગનુ કામ કરતી નેપાળી યુવતી ગંભીર રીતે દાઝી ગઇ હતી. ફાયર બ્રીગેડની ટીમે હાઇડ્રોલીક લીફટની મદદથી રહીશોનુ રેસ્કયુ કરી જીવ બચાવી લીધા હતા . ઘટનાને પગલે રાજકીય આગેવાનો, ઉચ્ચ અધીકારીઓ સહીતનાં ટોળા એકઠા થયા હતા. એટલાન્ટીસ બિલ્ડિંગમા ભભુકેલી આગનાં દુર દુર સુધી ધુમાડાનાં ગોટા જોવા મળ્યા હતા.

રાજકોટમા 1પ0 ફુટ રોડ પર બીગ બઝાર સામે આવેલી એટલાન્ટીસ બિલ્ડિંગનાં છઠ્ઠા માળે ફલેટમા ફર્નીચરનુ કામ ચાલુ હતુ જેમા શોર્ટ સર્કીટનાં કારણે આગ લાગતા રહીશોમા નાસભાગ મચી જવા પામી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા દુર દુર સુધી ધુંવાડાનાં ગોટા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતા ફાયર બ્રીગેડ, પોલીસ કમિશનર, ડીસીપી સહીતનાં ઉચ્ચ અધીકારીઓ, મનપાનાં કર્મચારીઓ અને પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરા, ધારાસભ્ય રમેશભાઇ ટીલાળા, દર્શિતાબેન શાહ અને ડે. મેયર ટીકુભા જાડેજા સહીતનાં રાજકીય આગેવાનો દોડી ગયા હતા. ફાયર બ્રીગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબુમા લેવાનો પ્રયાસ કર્યો હતો અને હાઇડ્રોલીક લીફટ મારફતે બિલ્ડિંગમા ફસાયેલા લોકોનુ રેસ્કયુ કરી જીવ બચાવી લીધા હતા. પરંતુ કમનસીબે 3 યુવક આગમા જીવતા ભુંજાયા હતા. જયારે એક યુવતી ગંભીર રીતે દાઝી હતી. મૃતક ત્રણેય યુવકનાં મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પીટલ ખાતે અને ગંભીર રીતે દાઝેલી યુવતીને સારવાર માટે ખસેડવામા આવી હતી.

પોલીસે મૃતક યુવકોની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી. પોલીસ તપાસમા મોતને ભેટેલા અજય ખીમજી મકવાણા (રહે. કાલાવડ રોડ, વીર સાવરકર આવાસ યોજના), કલ્પેશ પીઠાભાઇ લેવા (ઉ.વ. 24) (રહે. હાઉસીંગ બોર્ડ કવાર્ટર, નિલકંઠ મહાદેવ મંદિર પાસે, કાલાવડ રોડ, રાજકોટ) અને મવડી ગામે રહેતો કલ્પેશ લેવાનો ભત્રીજો મયુર વિનુભાઇ લેવા (ઉ.વ. 19) હોવાની ઓળખ થતા તેમનાં પરીવારને જાણ કરવામા આવી હતી જયારે ગંભીર રીતે દાઝી ગયેલી યુવતી નાનામવા સર્કલ પાસે માતા અને ભાઇ – ભાભી સાથે રહેતી અને એટલાન્ટીસ બિલ્ડિંગમા હાઉસકીપીંગનુ કામ કરતી કવિતાબેન શેરસીંગ દોરજી નામની 1પ વર્ષની સગીરા હોવાનુ ખુલ્યુ હતુ.

પ્રાથમીક તપાસમા મૃતક અજય મકવાણા બે ભાઇમા મોટો અને તેને સંતાનમા એક પુત્રી છે. અજય મકવાણા સ્વીગીમા ડીલેવરી બોય તરીકે ફરજ બજાવે છે. અજય મકવાણા એટલાન્ટીસ બિલ્ડિંગનાં આઠમા માળે પાર્સલની ડીલેવરી કરવા માટે ગયો હતો. જયારે કલ્પેશ લેવા મુળ ઉનાનાં પાસવડા ગામનો વતની હતો અને હાલ રાજકોટમા રૂમ ભાડે રાખીને રહેતો હતો. કલ્પેશ લેવા બે ભાઇ બે બહેનમા નાનો હતો અને એક માસ પુર્વે જ તેનાં લગ્ન થયા હતા. કલ્પેશ લેવા બ્લીનકીટ કંપનીમા નોકરી કરતો હતો અને તે એલ્યુમીનીયમ ફોઇલની ડીલેવરી આપવા એટલાન્ટીસ બિલ્ડિંગનાં દસમા માળે ગયો હતો ત્યારે મવડી ગામે રૂમ ભાડે રાખી કોલેજમા અભ્યાસ કરતો તેનો કૌટુંબીક ભત્રીજો મયુર લેવા પણ ધુળેટીની રજા હોવાથી કાકા કલ્પેશ લેવા સાથે પાર્સલની ડીલેવરી આપવા ગયો હતો. એટલાન્ટીસ બિલ્ડિંગમા ભભુકી ઉઠેલી આગમા ડીલેવરી આપવા ગયેલા ત્રણેય યુવકનાં મોત નીપજયા હોવાનુ જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

તક્ષશિલા કાંડ બાદ ફાયર બ્રિગેડને અપાયેલી હાઇડ્રોલિક લિફટના કારણે લોકોના જીવ બચ્યા
સુરતમા પાંચ વર્ષ પુર્વે તક્ષશિલા કાંડ થયો હતો જેમા અનેક વિદ્યાર્થીઓનાં આગની લપેટમા આવી જવાથી મોત નીપજયા હતા. જે તક્ષશિલા કાંડ બાદ સરકાર દ્વારા ફાયર વિભાગને આગની ઘટના સમયે લોકોની બચાવ કામગીરી અર્થે હાઇડ્રોલીક લીફટ આપવામા આવી હતી. જે લીફટ લોકોનાં જીવ બચાવવામા ઉપયોગી થઇ હોય તેમ એટલાન્ટીક બિલ્ડીંગમા ભભુકી ઉઠેલી આગમા ફાયર વિભાગની ટીમ દ્વારા હાઇડ્રોલીક લીફટની મદદથી રહીશોનાં જીવ બચાવવામા આવ્યા હતા.

કાકો-ભત્રીજો 10માં અને સ્વિગીબોય 8માં માળે ડિલિવરી માટે ગયા હતા
એટલાન્ટીસ બિલ્ડિંગમા ભભુકેલી આગમાં મોતને ભેટેલા સ્વીગી બોય અજય મકવાણા એટલાન્ટીસ બિલ્ડિંગનાં 8 મા માળે પાર્સલની ડીલેવરી કરવા ગયો હતો જયારે કલ્પેશ લેવા અને તેનો ભત્રીજો મયુર લેવા દસમા માળે એલ્યુમીનીયમ ફોઇલની ડીલેવરી માટે ગયા હતા. તે સમયે શોર્ટ સર્કીટનાં કારણે છઠ્ઠા માળે ભભુકી ઉઠેલી આગની ઝપટે ચડી જતા ત્રણેય યુવકનાં મોત નીપજયા હતા.

એક માસ પૂર્વે જ લગ્નગ્રંથીથી જોડાયેલો કલ્પેશ 3 દિવસ પૂર્વે જ નોકરી પર લાગ્યો હતો
મુળ ઉનાનાં પસવાડા ગામનાં વતની અને હાલ રાજકોટમા બ્લીનકીટ કંપનીમા નોકરી કરતો કલ્પેશ લેવા કૌટુંબીક ભત્રીજા સાથે એટલાન્ટીસ બિલ્ડિંગમા એલ્યુમીનીયમ ફોઇલની ડીલેવરી આપવા જતા ભભુકેલી આગમા મોતને ભેટયો હતો. કલ્પેશ લેવા બે ભાઇ બે બહેનમા નાનો હતો અને તેનાં એક માસ અને 8 દિવસ પહેલા જ લગ્ન થયા હતા . ઘરની જવાબદારી તેનાં પર હોવાથી તે રાજકોટ કામ અર્થે આવ્યો હતો અને 3 દિવસ પહેલા જ બ્લીનકીટ કંપનીમા નોકરી પર લાગ્યો હતો.

પત્ની-પુત્રીને બપોરે સાથે જમવાનો સ્વિગી બોયનો કોલ રહયો અધુરો

કાલાવડ રોડ પર વીર સાવરકર આવાસ યોજનાનાં કવાર્ટરમા રહેતો અને સ્વીગીમા ડીલેવરી બોય તરીકે કામ કરતો અજય મકવાણા એટલાન્ટીસ બિલ્ડિંગનાં આઠમા માળે પાર્સલની ડીલેવરી આપવા જતા ભભુકેલી આગમા દાઝી જતા મોત નીપજયુ હતુ. ગઇકાલે ધુળેટીની રજા હોવાથી અજય મકવાણાનાં ઘંટેશ્ર્વર ખાતે રહેતા માતા – પિતાએ ત્યા બોલાવ્યા હતા.
પરંતુ માતા – પિતાનાં ઘરે જતા પહેલા અજય મકવાણા ઓર્ડર આપવા નીકળ્યો હતો ત્યારે પત્નીએ ધુળેટીનો તહેવાર હોવાથી રજા રાખવાનુ કહયુ હતુ. ત્યારે અજય મકવાણાએ પાર્સલની ડીલેવરી કરી બપોરે ઘરે આવી જઇશ અને સાથે જમીશુ તેવો પત્ની સોનલબેન અને ચાર વર્ષની પુત્રી દિશાને કહયુ હતુ. પરંતુ કાળમુખી આગે અજય મકવાણાનો જીવ હણી લેતા પત્ની અને પુત્રીને આપેલો કોલ અધુરો રહયો હતો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *