મુંબઈની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેન સેવા સોમવારે ગંભીર ટેક્નિકલ ખામીને કારણે ખોરવાઈ ગઈ હતી. કાંજુરમાર્ગ સ્ટેશન નજીક સિગ્નલિંગ રૂૂમમાં આગ લાગવા અને ઓવરહેડ વાયર સંબંધિત સમસ્યાને કારણે ટ્રેનોની અવરજવર કલાકો સુધી પ્રભાવિત રહી હતી. ટ્રેનો લાંબા સમય સુધી અટકી રહેતાં પરેશાન થયેલા કેટલાક મુસાફરો પાટા પર ઉતરીને પગપાળા આગળના સ્ટેશન તરફ જવા લાગ્યા હતા.
આ દરમિયાન રેલવે ટ્રેક પર ત્રણ લોકોનાં મોત થયાના અહેવાલ સામે આવ્યા છે. મૃતકોમાં બે લોકો ઘાટકોપર-વિક્રોલી રેલવે માર્ગ પર મૃત હાલતમાં મળી આવ્યા હતા, જ્યારે ભાંડુપમાં અઈ લોકલ ટ્રેનની અડફેટે આવતાં એક કોલેજ વિદ્યાર્થીનું મોત થયું હતું. મધ્ય રેલવેએ સમગ્ર ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.
પ્રાથમિક માહિતી અનુસાર, સોમવારે સવારે લગભગ 9:30થી 10 વાગ્યાની વચ્ચે કાંજુરમાર્ગ સ્ટેશન નજીક સિગ્નલિંગ વ્યવસ્થામાં ગંભીર ખામી સર્જાઈ હતી. રેલવે અધિકારીઓના જણાવ્યા મુજબ, સિગ્નલિંગ રૂૂમમાં આગ લાગવાને કારણે સિગ્નલ બંધ થઈ ગયા હતા. તેના કારણે કાંજુરમાર્ગ અને આસપાસના રેલવે ટ્રેક પર ટ્રેનોની અવરજવર અટકી ગઈ હતી.
લાંબા સમય સુધી રાહ જોયા બાદ કેટલાક મુસાફરો ટ્રેનમાંથી ઉતરીને રેલવે પાટા પર પગપાળા ચાલવા લાગ્યા હતા. આ ઘટનાને કારણે મુસાફરોની સુરક્ષા અંગે ચિંતા વધી ગઈ હતી. રેલવે પ્રશાસને લોકોને અપીલ કરી હતી કે તેઓ ટ્રેનમાંથી ઉતરીને પાટા પર ચાલવાનું ટાળે.
