જેલની ઊંચી દીવાલો અને લોખંડી સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પણ કેદીઓ નાસી છૂટવામાં સફળ રહે તેવી ચોંકાવનારી ઘટના તમિલનાડુના થેની જિલ્લામાંથી સામે આવી છે. થેની જેલમાં એક જ સેલમાં બંધ 17 જેટલા કેદીઓએ જેલના કર્મચારીઓ પર જીવલેણ હુમલો કર્યો અને અંધારાનો લાભ લઈને જેલ પરિસરમાંથી ફરાર થઈ ગયા. આ સનસનાટીભરી ઘટના બાદ સમગ્ર વિસ્તાર તેમજ આસપાસના જિલ્લાઓમાં ભારે દોડધામ અને હડકંપ મચી ગયો છે. પોલીસે તુરંત મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂૂ કરીને ફરાર થયેલા કેદીઓ પૈકી 1 કેદીને ઝડપી પાડ્યો છે, જ્યારે બાકીના 16 કેદીઓની શોધખોળ માટે યુદ્ધના ધોરણે તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસ દ્વારા મળેલી પ્રાથમિક વિગતો અનુસાર, ભાગી ગયેલા તમામ 17 આરોપીઓ જેલના એક જ સેલમાં બંધ હતા. મોડી રાત્રે કેદીઓ પૈકી એકની તબિયત અચાનક લથડી હોવાની સૂચના જેલ સ્ટાફને આપવામાં આવી હતી. જેવા જેલકર્મીઓ માનવતાના ધોરણે અને સ્થિતિની તપાસ કરવા માટે સેલની અંદર ગયા, કે તરત જ અગાઉથી રચેલા ષડયંત્ર મુજબ કેદીઓએ કર્મચારીઓ પર હિંસક હુમલો કરી દીધો હતો. સ્ટાફને સંભાળવાની તક આપ્યા વગર કેદીઓ તેમને બાનમાં લઈને જેલના સુરક્ષા ઘેરાને તોડી બહાર ભાગી નીકળવામાં સફળ રહ્યા હતા.
દક્ષિણ ઝોનના IGP વિજયેન્દ્ર બિદારીએ સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે કે સર્ચ ઓપરેશન દરમિયાન ભાગેલા કેદીઓમાંથી 1 કેદીને પકડી પાડવામાં સફળતા મળી છે. બાકી રહેલા 16 કેદીઓને સત્વરે જેલભેગા કરવા માટે તંત્ર દ્વારા 17 સ્પેશિયલ ટીમોની રચના કરવામાં આવી છે, જેઓ સંભવિત ઠેકાણાઓ પર દરોડા પાડી રહી છે.
