કોંગ્રેસે મંગળવારે જણાવ્યું હતું કે દિલ્હી પોલીસે ’ઈન્ડિયા’ ગઠબંધન દ્વારા 30 ઓક્ટોબરે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ પ્રસ્તાવિત ’જાહેર મહાભિયોગ’ માટે બે સ્થળો – હોટેલ અશોક અને રામલીલા મેદાન – પર પરવાનગી આપવાનો ઇનકાર કર્યો છે.
કોંગ્રેસના મહાસચિવ (સંગઠન) કે. સી. વેણુગોપાલે કહ્યું કે ’ઈન્ડિયા’ ગઠબંધનના 21 પક્ષોએ આ કાર્યક્રમનું આયોજન પહેલા હોટેલ અશોકમાં કરવાનું વિચાર્યું હતું, જ્યાં તેમને પરવાનગી મળી ન હતી. તેમણે આરોપ લગાવ્યો કે ત્યારબાદ ગઠબંધને રામલીલા મેદાનમાં કાર્યક્રમ યોજવાનો પ્રયાસ કર્યો, પરંતુ આયોજકો પાસે જરૂૂરી પરવાનગીઓ હોવા છતાં પોલીસે તૈયારીઓ અટકાવી દીધી હતી.
કોંગ્રેસના સાંસદે કહ્યું કે વિપક્ષ જ્ઞાનેશ કુમારને હટાવવા માટેનું પોતાનું અભિયાન ચાલુ રાખશે. તેમણે કહ્યું, “જો તેઓ અમને અહીં રોકશે, તો અમે અમિત શાહના ઘરે અને વડાપ્રધાન મોદીના ઘરે જઈશું અને ત્યાં મોટું ધરણાં પ્રદર્શન કરીશું.”
વેણુગોપાલે કહ્યું, “શ્રી અમિત શાહ, તમે કેટલી પરવાનગીઓ નકારશો? તમે કેટલા લોકોને રોકશો? પહેલા તેઓ ચૂંટણી પ્રણાલીનો નાશ કરે છે, અને હવે જેઓ આપણા લોકતંત્રને બચાવવા માટે લડે છે તેમનો અવાજ દબાવવા માટે તેઓ તમામ પ્રકારના પેંતરા અજમાવી રહ્યા છે. પરંતુ અમે અંત સુધી લડીશું, જ્યાં સુધી અમારું લક્ષ્ય પૂરું ન થાય ત્યાં સુધી અમે અટકવાના નથી.”
આ પ્રસ્તાવિત ’મોક પાર્લામેન્ટ’ (સાંકેતિક સંસદ) અને CEC વિરુદ્ધના મહાભિયોગની કાર્યવાહી, 1 નવેમ્બરે રામલીલા મેદાનમાં યોજાનારી ’ઈન્ડિયા’ ગઠબંધનની સંયુક્ત રેલીના બે દિવસ પહેલા રાખવામાં આવી છે.
રેલીની પરવાનગી પાછી ખેંચાઇ નથી: પોલીસ
દિલ્હી પોલીસે રામલીલા મેદાનમાં રેલી યોજવા માટે કોંગ્રેસને આપેલી પરવાનગી પાછી ખેંચી નથી. પોલીસ સૂત્રોએ મંગળવારે સ્પષ્ટ કર્યું હતું કે અગાઉ આપેલી મંજૂરીમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. દિલ્હી પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે, “દિલ્હી પોલીસે રામલીલા મેદાનમાં કોંગ્રેસની રેલી માટેની પરવાનગી પાછી ખેંચી નથી. અગાઉ આપવામાં આવેલી પરવાનગીમાં કોઈ ફેરફાર નથી.” અશોકા હોટેલમાં પ્રસ્તાવિત ’મોક પાર્લામેન્ટ’ (નકલી સંસદ) કાર્યક્રમ અંગે પોલીસ સૂત્રોએ કહ્યું કે આ બાબત હોટેલ પર નિર્ભર કરે છે, કારણ કે તે ખાનગી માલિકીની જગ્યા છે.
