હૃદય રોગનાં હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ અનેક માનવ જીંદગી કાળનાં ખપ્પરમા હોમાઇ રહી છે. ત્યારે હાર્ટએટેકથી વધુ બે લોકોના મોત નિપજ્યા છે. જેમાં રાજકોટ ભાઇનાં ઘરે આટો દેવા આવેલા વૃધ્ધા જામનગર પરત જઇ રહયા હતા. ત્યારે એસટી બસ સ્ટેશનમા જ હૃદય રોગનો હુમલો આવતા બેભાન હાલતમા ઢળી પડયા હતા. વૃધ્ધાનુ મોત નીપજતા પરીવારમા શોકની લાગણી પ્રસરી છે. જ્યારે મોરબી રોડ પર પંચરત્ન સોસાયટીમાં શાકભાજીના ધંધાર્થીનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હતું.
જાણવા મળતી વિગત મુજબ જામનગરમા રહેતા મનીષાબેન પુનાભાઇ વાઘાણી નામનાં 67 વર્ષનાં વૃધ્ધા રાજકોટમા રહેતા ભાઇનાં ઘરે આટો દેવા આવ્યા હતા બાદમા પરત જામનગર જવા નીકળ્યા હતા. તે દરમ્યાન રાજકોટ એસટી બસ સ્ટેશનમા બસની રાહ જોતા હતા. ત્યારે હૃદય રોગનો હુમલો આવતા બેભાન હાલતમા ઢળી પડયા હતા. વૃધ્ધાને સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યા હતા. જયા તેમનુ મોત નીપજતા પરીવારમા અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી હતી. મૃતક વૃધ્ધાને સંતાનમા એક પુત્ર અને એક પુત્રી હોવાનુ જાણવા મળ્યુ છે.
જ્યારે બીજા બનાવમાં મોરબી રોડ જકાત નાકા પાસે પંચરત્ન સોસાયટી શેરી નં.4માં રહેતા અને શાકભાજીનો ધંધો કરતાં અમીતભાઈ બંસીભાઈ પરમાર (ઉ.46) નામના આધેડ ગત રાત્રે પોતાના ઘરે સુતા બાદ સવારે ઉઠયા જ ન હતાં. જેથી તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ફરજ પરના તબીબે હાર્ટએટેકથી મરણ ગયાનું જાહેર કર્યુ હતું. પ્રાથમિક તપાસમાં મૃતક ચાર ભાઈ એક બહેનમાં મોટા અને તેમને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.
