5-5 વર્ષથી 198 ગુજરાતી માછીમારો સબડે છે પાકિસ્તાની જેલમાં

11 વખત પ્રતિનિધિમંડળ સાથે પાકિસ્તાન ગયા પણ પરિણામ શૂન્ય, કરોડોની ફિશિંગ બોટો પણ પાક.ના કબજામાં વેરાવળ ખાતે કેન્દ્રીય મત્સ્યોદ્યોગ મંત્રી રાજીવ રંજનસિંહ સમક્ષ અશ્રુભીની આંખે…

11 વખત પ્રતિનિધિમંડળ સાથે પાકિસ્તાન ગયા પણ પરિણામ શૂન્ય, કરોડોની ફિશિંગ બોટો પણ પાક.ના કબજામાં

વેરાવળ ખાતે કેન્દ્રીય મત્સ્યોદ્યોગ મંત્રી રાજીવ રંજનસિંહ સમક્ષ અશ્રુભીની આંખે માછીમાર પરિવારોએ વર્ણવી વેદના

અરબી સમુદ્રની અનંત તરંગો રોજ વેરાવળના કિનારે આવીને અથડાય છે, પરંતુ આ તરંગો સાથે જોડાયેલા અનેક પરિવારોના સપના વર્ષોથી કિનારે જ અટવાઈ ગયા છે. રોજી-રોટી માટે દરિયામાં ઉતરેલા 198 જેટલા ભારતીય, ખાસ કરીને ગુજરાતના માછીમારો, છેલ્લા પાંચ વર્ષથી પાકિસ્તાનની જેલોમાં કેદ હોવાનું જણાવાતા વેરાવળ અને આસપાસના માછીમાર વિસ્તારોમાં વ્યથા અને વેદનાનો માહોલ વ્યાપ્યો છે.

વેરાવળ ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન માછીમાર પરિવારની મહિલાઓએ કેન્દ્રીય મત્સ્યોદ્યોગ મંત્રી રાજીવ રંજન સિંહ સમક્ષ અશ્રુભીની આંખે કરુણ રજુઆત કરી. પતિના ફોટા હાથમાં પકડી રડતી મહિલાઓએ કહ્યું કે, અમારા બાળકો પિતાને ઓળખતા નથી… પાંચ વર્ષથી તેઓ જેલમાં છે. કોઈ માતાએ દીકરાના નામે દુહાઈ આપી, તો કોઈએ પતિની રાહ જોતા જીવનના સંઘર્ષની વ્યથા વ્યક્ત કરી. આ પરિવારો માટે સમય જાણે સ્થગિત થઈ ગયો હોય તેવી સ્થિતિ છે. પાંચ વર્ષનો સમય માત્ર એક અવધિ નહીં પરંતુ પાંચ દીવાળી, પાંચ ઈદ, અનેક તહેવારો અને જન્મ દિવસોની ખાલી રાહ બની ગયો છે. ઘરમાં ખાલી ખુરશી સામે દીવો બળે છે અને દરિયાની દિશામાં નજર રાખતી આંખો હજુ આશાની જ્યોત જીવંત રાખે છે. માછીમારોની ગેરહાજરીએ પરિવારોને આર્થિક અને માનસિક રીતે ખોખલા બનાવી દીધા છે. ઘણા ઘરોમાં મહિલાઓ મજૂરી, વણકામ કે ઉધાર લઈને ઘર ચલાવે છે અને બાળકોનું ભણતર ચાલુ રાખવા માટે સંઘર્ષ કરી રહી છે. પરિવારનો મુખ્ય કમાઉ સભ્ય જ જેલમાં હોવાને કારણે જીવન જીવવું દુષ્કર બન્યું છે.

કોટડા ગામની મંજુબેન બારિયા સહિત ની બહેનોએ વ્યથા વ્યક્ત કરતાં જણાવ્યું કે, અમારા સ્વજનો કોઈ ગેરકાનૂની પ્રવૃત્તિમાં પકડાયા નથી. તેઓ માત્ર પેટિયું રડાવવા માછીમારી કરવા ગયા અને ભૂલથી સરહદ ઓળંગી ગયા. આવી ભૂલ માટે છ મહિના કે એક વર્ષની જ સજા હોવી જોઈએ, પરંતુ પાંચ વર્ષથી તેઓ જેલમાં છે.

મહિલાઓએ ભાવુક સ્વરે જણાવ્યું કે કેટલાક કિસ્સાઓમાં મૃતદેહો વતન પરત આવે છે, પરંતુ જીવતા માછીમારોની મુક્તિ માટે સ્પષ્ટ અને સ્થાયી વ્યવસ્થા થતી નથી. જો મૃતદેહ ઘર સુધી આવી શકે, તો જીવતા માણસો કેમ નહીં? આ સવાલે કાર્યક્રમનું વાતાવરણ ગમગીન બનાવી દીધું. તેઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમક્ષ પણ આજીજી કરી કે, ભારત-પાકિસ્તાનના સંબંધો ભલે સારા ન હોય, પરંતુ માનવતાના ધોરણે અમારા સ્વજનોને વતન પરત લાવવા રાજનૈતિક સ્તરે પ્રયાસો વધારવા જોઈએ. માછીમાર અગ્રણી વેલજી મસાણી એ જણાવ્યું કે વર્ષ 2000 પછી પાકિસ્તાન પકડાયેલી ભારતીય ફિશિંગ બોટો પરત આપવાનું લગભગ બંધ કરી દીધું છે અને અંદાજે 1100 થી વધુ બોટો હજુ પણ પાકિસ્તાનના કબ્જામાં છે. એક બોટ ની કિંમત 50 થી 60 લાખ રૂૂપિયા સુધી હોય છે, જે માછીમાર પરિવારની આજીવિકાનું એકમાત્ર સાધન છે. તેમણે વધુમાં જણાવ્યું કે વર્ષ 2014માં ભારતના વડાપ્રધાનના શપથવિધિ સમયે પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે 57 જેટલી બોટો પરત કરી હતી, પરંતુ ત્યારબાદ એકપણ બોટ પરત આપવામાં આવી નથી.

વેલજી મસાણીએ જણાવ્યું કે માછીમારોની મુક્તિ માટે તેઓ પ્રતિનિધિમંડળ સાથે 11 વખત પાકિસ્તાન જઈ આવ્યા છે અને ભારત સરકારના અધિકારીઓ પણ સતત સંપર્કમાં છે. અઠવાડિયામાં અનેક વખત વાટાઘાટો થતી હોવાના સંકેતો મળતા રહે છે, પરંતુ 15 ઓગસ્ટ, 26 જાન્યુઆરી, હોળી કે દિવાળી જેવા પ્રસંગોએ મુક્તિના આશ્વાસન છતાં હકીકતમાં હજુ સુધી કોઈ ઠોસ પરિણામ મળ્યું નથી. તેમણે ભાવુકતા સાથે ઉમેર્યું કે, સરકાર દ્વારા આપવામાં આવતી લઘુત્તમ આર્થિક સહાય પરિવારો માટે પૂરતી નથી. પરિવારનો મોભી જ જેલમાં સબડી રહ્યો હોય ત્યારે 500 કે 1000 રૂૂપિયાની સહાયનો અર્થ રહેતો નથી. તેમની નજર તો પોતાના સ્વજનના સુરક્ષિત વતન વાપસી પર જ ટકેલી છે.

રમઝાનમાં મુક્તિની આશા

હાલ રમઝાનના પવિત્ર મહિનાને ધ્યાનમાં રાખીને પણ માછીમાર આગેવાનોએ માનવતાના ધોરણે પાકિસ્તાન સરકાર માછીમારોને મુક્ત કરે તેવી આશા વ્યક્ત કરી છે. એનજીઓ અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સંપર્ક પ્રયાસો ચાલુ હોવાની માહિતી આપવામાં આવી. આ સમગ્ર મુદ્દો માત્ર કાનૂની કે રાજકીય વિવાદ નહીં, પરંતુ માનવતાનો પ્રશ્ન બની ગયો છે. ગીર સોમનાથના દરિયાકાંઠે આજે પણ અનેક ઘરોમાં પ્રાર્થનાઓ થાય છે, દીવા બળે છે અને એક જ આશા ગુંજે છે અમારા માછીમારો સુરક્ષિત પરત આવે તેવી માંગ ઉઠી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *