પાકિસ્તાનની જેલોમાં હાલમાં 194 ભારતીય માછીમારો કેદ છે, જેમાંથી સૌથી વધુ 123 માછીમારો ગુજરાત રાજ્યના છે. આ માહિતી રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં વિદેશ રાજ્યમંત્રી કિર્તીવર્ધનસિંહે આપી હતી. મંત્રીના જણાવ્યા અનુસાર, કેદ કરાયેલા 123 ગુજરાતી માછીમારોમાંથી 33 માછીમારો 2021ની સાલથી પાકિસ્તાની જેલમાં બંધ છે. ત્યારે 68 માછીમારો 2022થી, 9 માછીમારો 2023માં અને 13 માછીમારોને 2024માં પાકિસ્તાની સત્તાવાળાઓ દ્વારા પકડવામાં આવ્યા હતા. આ આંકડા દર્શાવે છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં પાકિસ્તાન દ્વારા ભારતીય માછીમારોને પકડવાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે.વિદેશ રાજ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાન દર વર્ષે 1લી જાન્યુઆરી અને 1લી જુલાઈના રોજ એકબીજાની જેલોમાં કેદ પોતાના દેશના નાગરિકો અને માછીમારોની યાદીની આપ-લે કરે છે.
આ પ્રક્રિયાના ભાગરૂૂપે, ગત 1લી જાન્યુઆરી, 2025ના રોજ પાકિસ્તાને આપેલી યાદીમાં 217 ભારતીય માછીમારો તેમની જેલમાં હોવાનું સ્વીકાર્યું હતું. ત્યારથી અત્યાર સુધીમાં એક ભારતીય માછીમારનું દુ:ખદ અવસાન થયું છે, જ્યારે 22 અન્ય માછીમારોને મુક્ત કરીને ભારતને સોંપવામાં આવ્યા છે.વિદેશ રાજ્યમંત્રીના જવાબમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે ભારત સરકારના માછીમારી વિભાગ દ્વારા માછીમારોના કલ્યાણ માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. આ ઉપરાંત, ગુજરાત સરકાર પણ પાકિસ્તાનની જેલમાં કેદ કરાયેલા માછીમારોના પરિવારજનોને આર્થિક સહાય પૂરી પાડવા માટે રાહત યોજના ચલાવી રહી છે. આમ, કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને કેદ કરાયેલા માછીમારો અને તેમના પરિવારોની મદદ માટે સતત પ્રયત્નશીલ છે.