ડો.આંબેડકર જયંતીએ બંદોબસ્ત માટે 1800 પોલીસ જવાનો તૈનાત

4 ડીસીપીના સુપરવિઝન હેઠળ સંવેદનશીલ વિસ્તારોમાં સાંજથી ફૂટ પેટ્રોલિંગ, રેલી દરમિયાન ડ્રોનથી વોચ રખાશે આવતીકાલે 14 એપ્રિલના રોજ ભારતરત્ન ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતીની સમગ્ર શહેરમાં…

4 ડીસીપીના સુપરવિઝન હેઠળ સંવેદનશીલ વિસ્તારોમાં સાંજથી ફૂટ પેટ્રોલિંગ, રેલી દરમિયાન ડ્રોનથી વોચ રખાશે

આવતીકાલે 14 એપ્રિલના રોજ ભારતરત્ન ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતીની સમગ્ર શહેરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. આ પ્રસંગે રાજકોટ શહેરમાં વિવિધ સંગઠનો દ્વારા વિશાળ શોભાયાત્રાઓ, રેલીઓ અને પુષ્પાંજલિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાજકોટ પોલીસ કમિશનર સહિતના અધિકારીઓના નિરીક્ષણ હેઠળ લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી નિમિતે બંદોબસ્તમાં પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ય માંડલિક, ડીસીપી ઝોન -1 હેતલ પટેલ. ડીસીપી ઝોન-2 રાકેશ દેસાઈ, ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા,ડીસીપી ટ્રાફિક એચ.એમ.જાડેજાના સુપરવિઝન હેઠળ 7 એસીપી, 18 પી.આઈ,57 પીએસઆઈ.710 પોલીસ, 148 મહિલા પોલીસ તેમજ 600 હોમગાર્ડ, 200 ટ્રાફિક બ્રિગેડ, 25 વિડીયોગ્રાફર સહીત 1800 થી વધુ પોલીસ કર્મીઓ તૈનાત રહેશે. સમગ્ર બંદોબસ્તનું સુપરવિઝન 4 ડીસીપી કક્ષાના અધિકારીઓને સોંપવામાં આવ્યું છે. તેમની સાથે સુરક્ષા વ્યવસ્થામાં કુલ 1800 જેટલા પોલીસ જવાનો શહેરના વિવિધ માર્ગો અને ચોક પર તૈનાત રહેશે.

સ્થાનિક પોલીસની મદદ માટે એસઆરપી ની ટુકડીઓને પણ ઉતારવામાં આવી છે. ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ટ્રાફિક પોલીસ અને હોમગાર્ડના જવાનોને પણ વિશેષ જવાબદારી સોંપાઈ છે. પોલિસ દ્વારા આજ સાંજથી જ એક્શન પ્લાન અમલમાં મૂકી દેવામાં આવ્યો છે. શહેરના સંવેદનશીલ ગણાતા વિસ્તારોમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ શરૂૂ કરી દેવાયું છે જેથી અસામાજિક તત્વો પર નજર રાખી શકાય. ગઇકાલે અને આજે શહેરના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શાંતિ સમિતિ ની બેઠકો યોજવામાં આવી હતી, જેમાં સ્થાનિક આગેવાનોને શાંતિપૂર્ણ રીતે ઉત્સવ ઉજવવા અપીલ કરવામાં આવી છે. શોભાયાત્રાના રૂૂટ પર ઊંચી ઇમારતો અને ડ્રોન કેમેરા દ્વારા સતત વોચ રાખવામાં આવશે.

રાજકોટના મુખ્ય માર્ગો જેવા કે હોસ્પિટલ ચોક, જિલ્લા પંચાયત ચોક અને અન્ય વિસ્તારો જ્યાંથી મોટી સંખ્યામાં અનુયાયીઓ ડો. બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પવા ઉમટી પડશે, ત્યાં બેરિકેડિંગ અને વિશેષ પોલીસ ચોકીઓ કાર્યરત કરવામાં આવી છે. શોભાયાત્રા દરમિયાન ડીજેના અવાજ અને કાયદાના પાલન અંગે પણ આયોજકોને સૂચનાઓ આપવામાં આવી છે. પોલીસ તંત્ર દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ખાસ તકેદારી રાખવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *