વાડીએ મજૂરી કામ કરતા પરિવારની પુત્રીને હવસનો શિકાર બનાવનાર શખ્સ સામે ફરિયાદ નોંધાઇ
ગોંડલ તાલુકાના વેકરી ગામે ખેતમજુરી કરતા પરિવારની સગીર વયની પુત્રીને એક ઢગાએ હવસનો શિકાર બનાવી તેની સાથે દુષ્કર્મ ગુજારતા આ મામલે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઇ છે. ભોગ બનનાર સગીરાના પરિવારની ફરીયાદને આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને સકંજામાં લેવા તજવીજ હાથ ધરી છે. તેમજ સગીરાનો મેડીકલ ચેકઅપ કરાવવામાં આવ્યું છે.
મળતી વિગતો મુજબ ગોંડલ તાલુકાના વેકરી ગામે વાડી વિસ્તારમાં રહેતા અને વાડી વિસ્તારમાં મજુરી કામ કરતા પરિવારની 15 વર્ષની સગીર વયની પુત્રીને વાડી વિસ્તારમાં રહેતા અને મજુરી કામ કરતા રાજેશ કાનજીભાઇ મસાર નામના શખ્સે હવસનો શિકાર બનાવી હતી. આ સગીરાને પ્રેમઝાળમાં ફસાવી લગ્નની લાલચ આપી રાજેશે તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો અને પરિવારને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ભોગ બનનાર સગીરાએ આ અંગે પરિવારને જાણ કરતા ભાંડો ફુટયો હતો. આ મામલે અંતે રાજેશ કાનજી મસાર સામે પોલીસ ફરીયાદ નોંધાઇ હતી.
ગોંડલ તાલુકા પોલીસ મથકના પીઆઇ ડોડીયા સહીતના સ્ટાફે સગીરા સાથે દુષ્કર્મ કરનાર રાજેશ વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે તેમજ સગીરાનું મેડીકલ ચેકઅપ કરાવવા માટે તજવીજ હાથ ધરાઇ છે. આ ઘટનાને પગલે ગોંડલ તાલુકા પોલીસ મથકની અલગ અલગ ટીમ દ્વારા દુષ્કર્મ ગુજારનાર રાજેશ મસારને સકંજામાં લેવા તજવીજ હાથ ધરી છે. ભોગ બનનાર સગીરાનું કાઉન્સેલીંગ પણ કરવામાં આવ્યું હતું.
