આજે વહેલી સવારથી જ સૌરાષ્ટ્રભરમાં વાદળછાયા વાતાવરણ અને તેજ પવન સાથે આંધી-વંટોળ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. આ બદલાયેલા વાતાવરણને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં ખાસ કરીને દ્વારકા, ઓખા, માંગરોળ, પોરબંદર અને સોમનાથના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂૂપે મોટાભાગના દરિયાકાંઠે એક નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે અને લોકોને દરિયાકિનારે ન જવા માટે અપીલ કરવામાં આવી રહી છે.
અરબી સમુદ્રમાં ઉછળતા ભારે કરંટને કારણે દ્વારકાની ગોમતી નદીમાં 15થી 20 ફૂટ ઊંચા મોજાં ઉછળતા જોવા મળ્યા હતા. આ અસામાન્ય દ્રશ્યને કારણે ગોમતી ઘાટ પર સહેલાણીઓનો જમાવડો થયો હતો. વાવાઝોડાની આગાહીને ધ્યાનમાં રાખીને દ્વારકાના સમુદ્ર અને ગોમતી ઘાટ પર ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.
ગોમતી ઘાટ પર ઊંચા મોજાં ઉછળતી વખતે કોઈ જાનહાની ન થાય તે સુનિશ્ચિત કરવા માટે નગરપાલિકાના ફાયર જવાનો અને સિક્યુરિટી ગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે. તેઓ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે અને લોકોને સાવચેત કરી રહ્યા છે.
