જામનગર નજીક મોટા થાવરીયા ગામ પાસે બનાવાયેલા બંગલાઓ પૈકીના એક બંગલામાંથી એલસીબી ની ટુકડી એ દરોડો પાડી 1,400 નંગ ઇંગ્લિશ દારૂૂની બાટલી નો જથ્થો અને કાર સહિત રૂૂપિયા 15,64,000 ની માલમતા કબજે કરી છે, અને બે દારૂૂના ધંધાર્થીઓની અટકાયત કરી લીધી છે. આ ઉપરાંત દારૂૂના સપ્લાયર અને રીસીવર સહિત અન્ય ચાર શખ્સોને ફરારી જાહેર કરાયા છે.
જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી, કે જામનગર તાલુકાના મોટા થાવરીયા ગામમાં કેટલાક બંગલાઓ બનાવવામાં આવ્યા છે, જેમાં એક બંગલામાં ઈંગ્લીશ દારૂૂનો મોટો જથ્થો કચ્છ તરફથી આયાત કરીને ઉતારવામાં આવ્યો છે. તે બાતમી ના આધારે એલસીબી ની ટુકડીએ દરોડો પાડયો હતો, અને બંગલામાંથી 1,400 નંગ ઇંગ્લિશ દારૂૂની બાટલીનો માતબર જથ્થો પકડી પાડ્યો હતો. આ સમયે બંગલામાં હાજર રહેલા મૂળ જામકંડોરણા તાલુકાના સોડવદર ગામના વતની અને હાલ જામનગરમાં પટેલ કોલોની શેરી નંબર 9 ના છેડે રહેતા દશરથ સિંહ ઉર્ફે યોગી ઘનશ્યામસિંહ જાડેજા તેમજ જામનગરમાં શરૂૂ સેક્શન રોડ પર રહેતા દીપેશ ઉર્ફે હિતેશ નરેન્દ્રભાઈ સોલંકી ની અટકાયત કરી લીધી હતી.
પોલીસે બનાવના સ્થળેથી 1,400 નંગ ઇંગ્લિશ દારૂૂની બાટલીનો જથ્થો, મોબાઇલ ફોન અને કાર વગેરે સહિત રૂૂપિયા 15,64,000 ની માલમતા કબજે કરી લીધી છે, જયારે બંને આરોપીઓની પૂછપરછ દરમિયાન ઉપરોક્ત દારૂૂ ભચાઉ કચ્છના જીગર સોઢાએ સપ્લાય કર્યો હોવાનું કબૂલ્યું હતું, અને મંગાવનાર તરીકે જામનગરના પૃથ્વીરાજસિંહ ભરતસિંહ વાઢેર, અજય સિંહ પરમાર અને પૃથ્વીરાજસિંહ ચંદુભા જાડેજા ના નામો આપ્યા હોવાથી પોલીસે તે ચારેયને ફરારી જાહેર કર્યા છે, અને તેઓની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.
