ગુજરાતના મહેસાણા જિલ્લામાંથી એક અત્યંત ચોંકાવનારો અને લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, માત્ર ચાર મહિનાના ટૂંકા ગાળામાં જિલ્લાની 131 જેટલી સગીર વયની બાળકીઓ (18 વર્ષથી ઓછી ઉંમરની દીકરીઓ) ગર્ભવતી બની હોવાનું સરકારી ચોપડે નોંધાયું છે. આ ચોંકાવનારા ખુલાસા બાદ સમગ્ર મહેસાણા જિલ્લામાં ભારે હડકંપ મચી ગયો છે અને સરકારી તંત્ર દોડતું થઈ ગયું છે.
મહેસાણા જિલ્લા સહાયક આરોગ્ય અધિકારી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, એપ્રિલ 2026થી 22 જુલાઈ 2026 સુધીના સમયગાળા દરમિયાન જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સર્વે અને રજિસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન આરોગ્ય વિભાગના ’ટેકો’ (TeCHO) પોર્ટલ અને ગર્ભવતી મહિલાઓના રજિસ્ટરમાં 18 વર્ષથી ઓછી વય ધરાવતી કુલ 131 સગીર બાળકીઓની ગર્ભવતી તરીકે નોંધણી થઈ હોવાનું સામે આવ્યું છે.
આરોગ્ય અધિકારીના જણાવ્યા મુજબ, જિલ્લાના તમામ તાલુકાઓમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ફરજ બજાવતી મહિલા આરોગ્ય કાર્યકરો (ફિમેલ હેલ્થ વર્કર – FHW) દ્વારા પોતાના વિસ્તારમાં સગર્ભા બહેનોનું રજિસ્ટ્રેશન કરવામાં આવતું હોય છે. જ્યારે કોઈ બહેન સગર્ભા હોય ત્યારે તેના આધાર કાર્ડ અને ઉંમરના પુરાવાના આધારે સરકારી પોર્ટલ પર એન્ટ્રી કરવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન જ 18 વર્ષથી નાની વયની 131 સગીરાઓના આધાર કાર્ડના આધારે તેમની ઉંમર સગીર હોવાનું સ્પષ્ટ થયું હતું અને આ વિગતો સરકારી ચોપડે નોંધાઈ હતી.
સગીર વયે ગર્ભધારણ કરવાથી કિશોરીના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર અસરો પડી શકે છે. આ બાબતને ધ્યાને રાખીને આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ કાળજી લેવામાં આવી રહી છે. રજિસ્ટ્રેશન થયેલી તમામ 131 સગીરાઓને આરોગ્ય વિભાગની ટીમ, મહિલા આરોગ્ય કાર્યકરો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઑફિસર દ્વારા નિયમિત તબીબી સારવાર, પોષણ અને જરૂૂરી દવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. ગર્ભાવસ્થા દરમિયાન કોઈપણ પ્રકારની જટિલતા ન સર્જાય તે માટે તબીબો દ્વારા તેમની સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.
માત્ર 4 મહિનાના સમય ગાળામાં 131 જેટલી સગીરાઓ ગર્ભવતી બનવાની ઘટનાએ સમાજ અને તંત્ર બંને માટે એક મોટો ચિતાનો વિષય ઊભો કર્યો છે. મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગ હવે આ બાબતે વધુ વિગતવાર રિપોર્ટ તૈયાર કરી રહ્યું છે જેથી કયા તાલુકામાં અને કયા વિસ્તારમાં આવા કિસ્સાઓ સૌથી વધુ જોવા મળ્યા છે તે જાણી શકાય. આ ઘટના બાદ ગ્રામીણ વિસ્તારોમાં જાગૃતિ લાવવા અને બાળલગ્ન જેવા કુરિવાજો સામે કડક પગલાં ભરવા માટેની માંગ પણ પ્રબળ બની છે.
