પાણી ભરાય તો પમ્પિંગ, ડ્રેનેજ ગટરમાં જેટિંગ મશીનથી પાણીનો નિકાલ કરવા સહિતની કામગીરી ઉપર ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટેની જવાબદારી જે-તે અધિકારીઓની ફિક્સ કરાઇ
રાજકોટમાં એકધારો ત્રણથી ચાર ઇંચ વરસાદ પડે એટલે શહેરના સંખ્યાબંધ વિસ્તારો બેટમાં ફેરવાઇ જાય છે. તેની પાછળના અનેક કારણો છે. વોંકળા વેંચીને બાંધકામ માટે મંજૂરી આપવાના મનપાના ‘વહીવટ’ના પાપે દર ચોમાસે શહેરીજનો હેરાન થઇ રહ્યા છે. વરસાદી પાણી કઇ-કઇ જગ્યાએ ભરાય છે તેના સતાવાર સર્વે બાદ મનપાએ આવા ડાર્ક ઝોન વિસ્તારની યાદી બનાવી છે.
ગુજરાતમાં આમતો તા.4 સુધી ભારે વરસાદની આગાહી છે પરંતુ આવતીકાલથી 48 કલાક અતિ ભારે હોવાની આગાહીના પગલે મનપા તંત્ર સંતર્ક થઇ ગયુ છે. સુરત અને અમદાવાદમાં જે રીતે સેંકડો સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઇ ગઇ હતી તેવી હાલત રાજકોટમાં ન થાય એ માટે જ્યા પાણી ભરાય છે તેવાનક્કી થયેલા 93 ડાર્ક ઝોન વિસ્તાર ડેપ્યુટી કમિશનરો, સિટી ઇજનેરો, આસી.કમિશનર દરજજાના અધિકારીની જવાબદારી એ જ વિસ્તારમાં ફિક્સ કરી દેવામા આવી છે. આજે સાંજથી જ આવા ડાર્ક ઝોન જે-તે અધિકારીઓના હવાલે થઇ જશે.
રાજકોટ મહાનગરપાલિકાના તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરી દેવામાં આવી છે. જે કર્મચારીઓ રજા પર હતા તેમને પણ તાત્કાલિક પોતાની ફરજ પર પરત ફરવા રિપોર્ટ બેક કરવા માટે કડક સૂચના આપી દેવામાં આવી છે. રાજકોટ શહેરમાં ભૂતકાળના અનુભવો અને ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા 78 જેટલા એવા સ્થળોની ઓળખ કરવામાં આવી છે, જ્યાં વરસાદ દરમિયાન સૌથી વધુ પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોય છે. આ 78 સ્થળોને ’સંવેદનશીલ’ કેટેગરીમાં મૂકીને ત્યાં વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
વરસતા વરસાદે સીસીટીવી ક્ધટ્રોલ રૂમ પર સતત નજર રખાશે
નાગરિકોને વરસાદી મોસમ દરમિયાન કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે અને વાહનવ્યવહાર તથા જનજીવન પર ઓછામાં ઓછી અસર થાય તે માટે મહાનગરપાલિકા દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવશે. મ્યુનિ.કમિશનર તુષાર સુમેરા ખુદ સીસીટીવી ક્ધટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર સંભળી લેશે. કઇ જગ્યાએ કેટલુ પાણી ભરાયુ છે તે જોવા માટે મનપાના સીસીટીવી ક્ધટ્રોલ રૂૂમમાં સતત નજર રાખવામાં આવશે. શહેરના સેક્ધડે સેક્ધડના હાલ હવાલ નજરે જોયને સંબંધિત વિભાગોની ટીમોને કમિશનર એલર્ટ રાખશે.
ગ્રીન-યલ્લો-રેડ ઝોનમાં વિભાજિત કરાયા ‘ડાર્ક ઝોન’
તંત્રે કરેલા સર્વે મુજબ આવા કુલ 93 સ્થળ એવા છે કે જ્યા વરસાદી તળાવ ભરાય છે. આવા સ્થળને ત્રણ ઝોનમાં વિભાજીત કરવામા આવ્યા છે. જેમા અડધ કલાકમાં પાણી ઓસરી જાય તેવા વિસ્તારને ગ્રીન ઝોનમાં, એક કલાકમાં પાણી ઓસરી જાય તેને યલ્લો ઝોન અને બે કલાકથી વધુ સમય થાય તેને રેડ ઝોનમાં વિભાજીત કરાયા છે.
મેયર ડો.નેહલ શુક્લ સહિતના પદાધિકારીઓ પણ ઝોનવાઇઝ સંભાળશે સંભવિત સ્થિતિ
આવતીકાલથી 48 કલાક સુધીનો સમય ભારે હોવાની આગાહીના પગલે મનપા તંત્રે તમામ સ્તરે પ્લાનીંગ કર્યુ હોવાનો દાવો કરવામા આવે છે. ન કરે નારાયણ અને કુદરતી આફત ઉતરે તો ઓછામાં ઓછી ખાનાખરાબી થાય એ માટે વિસ્તારોને પાણીમાં ગરકાવ થતા બચાવવા માટે ભૂગર્ભ ગટર, વોંકળા વાટે પાણીના નિકાલ સહિતની કામગીરી યુધ્ધના ધોરણે થાય તે માટે તમામ વોર્ડ ઓફિસે મોનીટરીંગ કરવામા આવશે. ખુદ મેયર ડો.નેહલ શુક્લ, સ્ટેન્ડીંગ ચેરમેન પરેશ પીપળિયા, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી સહિતના પદાધિકારીઓ શહેરના ત્રણેય ઝોનમાં વ્યવસ્થા સંભાળવા ફિલ્ડમાં રહેવાની તૈયારી છે.
