ટી20 ક્રિકેટના ઇતિહાસમાં જ્યારે પણ સૌથી મોટી અને આક્રમક ઇનિંગની વાત આવે, ત્યારે યૂનિવર્સ બોસ ક્રિસ ગેલનું નામ સૌથી ઉપર આવે છે. વર્ષ 2013ની આઈપીએલમાં પુણે વોરિયર્સ સામે રમેલી તેની અણનમ 175 રનની ઐતિહાસિક ઇનિંગને એક એવો કીર્તિમાન માનવામાં આવતો હતો, જેની નજીક પહોંચવું પણ અશક્ય લાગતું હતુ. પરંતુ 8 સપ્ટેમ્બર 2026ના રોજ પંજાબના મોહાલીમાં એક એવું તોફાન આવ્યું, જેણે ગેલના આ અમર રેકોર્ડના પાયા હચમાવી નાખ્યાં.
શેર-એ-પંજાબ ટી20 લીગ 2026ની 18મી મેચમાં અમૃતસર સૂરમાસના કેપ્ટન નમન ધીરે મોહાલી કિંગ્સ સામે એક એવી અવિશ્વસનીય ઇનિંગ રમી. જેણે ક્રિકેટ જગતને ચોંકાવી દીધું. ઇન્ડિયન પ્રીમિયર લીગમાં મુંબઈ ઇન્ડિયન્સ માટે રમનાર આ યુવા ખેલાડીએ મેદાનનો ખૂણે ખૂણો માપી લેતા ચોગ્ગા-છગ્ગાનો એવો વરસાદ કર્યો કે ગેલના સર્વકાલિન રેકોર્ડની બરાબરી કરવાથી માત્ર 2 રન દૂર રહી ગયો હતો.મેચમાં અમૃતસર સૂરમાસની કેપ્ટનશીપ કરી રહેલા નમન ધીરે મોહાલીની આઈ.એસ. બિંદ્રા સ્ટેડિયમમાં ઓપનિંગની જવાબદારી સંભાળી. ત્યાર બાદ જે થયું, તે ટી20 ક્રિકેટના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે નોંધાઈ ગયું. નમને માત્ર 64 બોલનો સામનો કરીને અણનમ 173 રન ફટકારી દીધા.
આ વિસ્ફોટક ઇનિંગ દરમિયાન તેની સ્ટ્રાઇક રેટ 270.31ની રહી. જે એ દર્શાવે છે કે, બોલર્સ તેની સામે કેટલા લાચાર જોવા મળ્યાં હતા. તેણે માત્ર 37 બોલમાં પોતાની તોફાની સદી પૂર્ણ કરી, જે આ ટુર્નામેન્ટના ઇતિહાસની સૌથી ઝડપી સદી બની ગઈ છે. નમન ધીરે પોતાના આ વિસ્ફોટક ઇનિંગમાં 16 ચોગ્ગા અને 12 છગ્ગા ફટકાર્યા હતા. એટલે કે તેણે પોતાની ઇનિંગમાં 173 રન તો માત્ર 136 રન તો 28 બોલમાં ચોગ્ગા અને છગ્ગાની મદદથી ફટકારી દીધા હતા. તેની આ આક્રમક ઇનિંગના જોરે અમૃતસર સૂરમાસે નિર્ધારિત 20 ઓવરમાં 279/7 રનનો વિશાળ સ્કોર ઊભો કર્યો હતો.
