મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મળેલી કારમી હારના પગલે કોંગ્રેસ સહિતના વિપક્ષો ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈવીએમ)માં ગરબડનાં રોદણાં રડી રહ્યા છે ત્યારે નેશનલ કોન્ફરન્સના નેતા અને જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ઈવીએમ મુદ્દે કોંગ્રેસને બરાબરની આડે હાથ લઈ લીધી છે. અબ્દુલ્લાએ પોતાના જ સાથી કોંગ્રેસના ઈવીએમ અંગેના વાંધાઓને ફગાવી દેતાં કહ્યું છે કે રાજકીય પક્ષો ચૂંટણી જીતે તો ઈવીએમના વખાણ નથ કરતા પણ હારી જાય તો ઈવીએમ પર દોષારોપણ કરવા બેસી જાય છે. આ માનસિકતા બદલવી જોઈએ અને હાર માટે ઈવીએમને બલિનો બકરો ન બનાવવા જોઈએ.
કોંગ્રેસ ભાજપ જીત્યો હોય એવાં ચૂંટણી પરિણામો સામે સતત સવાલો ઉઠાવી રહી છે. ભાજપની જીતમાં ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈવીએમ)ની ગરબડને કારણભૂત ગણાવે છે. કોંગ્રેસે હરિયાણા અને મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણીમાં પોતાની હાર માટે ઈવીએમને પણ જવાબદાર ગણાવ્યા હતા. કોંગ્રેસ ઈવીએમ પર દોષારોપણના મુદ્દે બેવડાં ધોરણો અપનાવે જ છે. કોંગ્રેસ ઈવીએમના મુદ્દાનો સગવડિયો ઉપયોગ કરે છે અને તેને પોતે હારે ત્યારે જ ઈવીએમમાં ગરબડ થાય છે કે હેકિંગ થાય છે એ બધું યાદ આવે છે જ્યારે પોતે જીતે ત્યારે ઈવીએમ ભૂલી જાય છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી નહોતી મળી અને કોંગ્રેસે 99 બેઠકો જીતીને શાનદાર દેખાવ કર્યો ત્યારે કોંગ્રેસને ઈવીએમમાં ગરબડનો મુદ્દો યાદ નહોતો આવ્યો પણ કોંગ્રેસને જ્યારે પણ પછડાટ મળે છે ત્યારે જ ઈવીએમનો મુદ્દો ઉઠાવે છે અને ગરબડના આક્ષેપો કરે છે.
વાસ્તવમાં કોંગ્રેસ પોતાની નિષ્ફળતાનો ટોપલો ઈવીએમ પર ઢોળી રહી છે અને પલાયનવાદ બતાવી રહી છે. કોંગ્રેસની નેતાગીરી પાસે ચૂંટણીઓ અંગે કોઈ નક્કર આયોજન હોતું નથી કે જબરદસ્ત મુદ્દા નથી હોતા. કોંગ્રેસને જે લાભ મળે છે એ ભાજપ સામેની લોકોની નારાજગીનો અને સાથી પક્ષોની તાકાતનો મળે છે. તેલંગાણા કે કર્ણાટકમાં કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણી જીતી ત્યારે એવું થયેલું. ભાજપથી લોકો નારાજ હોય ને બીજો વિકલ્પ ના હોય એટલે લોકો કોંગ્રેસને મત આપે છે પણ દરેક વાર એવું ના બને. લોકો કોંગ્રેસને ફરી મત આપીને જોખમ વહોરવાના બદલે ભાજપને તક આપે એવું પણ બને. હરિયાણામાં ને મહારાષ્ટ્રમાં કોંગ્રેસની હાર થઈ તેના માટે આ કારણ જવાબદાર હતું પણ કોંગ્રેસ વાસ્તવિકતા સ્વીકારી શકતી નથી. કોંગ્રેસે વાસ્તવિકતા સ્વીકારવી જોઈએ અને હારને પચાવતાં શીખવું જોઈએ. કે પછી ખાલી આક્ષેપોના બદલે આક્ષેપોને સાબિત પણ કરી બતાવવા જોઈએ. દસ વર્ષથી ખાલી આક્ષેપો જ કર્યા કરે એ ન ચાલે.
