આઇઓસીના અધિકારી અને સફાઇ કામદાર મહિલાનું પણ હૃદય બેસી ગયું
કોરાના કાળ બાદ હાર્ટએટેકના કેસોમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. અગાઉ મોટી ઉંમરના લોકોમાં જ હાર્ટએટેક આવતા હતા પરંતુ છેલ્લા ઘણા સમયથી યુવા અવસ્થામાં પણ હાર્ટએટેક આવી જવાના કિસ્સામાં વધારો થયો છે. ત્યારે હવે નાની ઉંમરના બાળકોમાં પણ હૃદયરોગનો હુમલો જીવલેણ નિવડવાના બનાવો સામે આવતા વાલીઓમાં ચિંતાનુુ મોજુ ફરી વળ્યુ છે. શહેરના મવડી વિસ્તારમાં રહેતી પરિવારની 10 વર્ષની બાળકી શેરીમાં રમતા રમતા અચાનક ઢળી પડી હતી. જેેને હોસ્પિટલે ખસેડાતા તબીબો દ્વારા હાર્ટએટેકથી મૃત્યુ થયાનુ જણાવવામાં આવતા પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે. આ ઉપરાંત આઇઓસીના અધિકારી અને સફાઇ કામદાર મહિલાનું પણ હૃદયરોગના હુમલાથી મૃત્યુ નિપજતા છેલ્લા 24 કલાકમાં હાર્ટએટેકથી બાળકી સહિત ત્રણનો ભોગ લેવાયો છે.
જાણવા મળતી વિગત મુજબ મવડી ગામમાં બાપાસિતારામ ચોક પાસે આવેલી માટેલ સોસાયટી શેરી નં.6માં રહેતા મનોજભાઇ સબાડની 10 વર્ષની પુત્રી માહિ ગઇકાલે શેરીમાં રમી રહી હતી ત્યારે રમતા રમતા અચાનક ઉલ્ટી થયા બાદ બેભાન થઇ ગઇ હતી. જેથી પરિવારજનો દ્વારા તેને તાત્કાલીક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ ફરજ પરના તબીબે મરણ ગયાનુ જાહેર કરતા પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી હતી.
પ્રાથમિક તપાસમાં માહિ એક ભાઇમાં નાની અને મવડી આવેલી સ્કૂલમાં ધો.4માં અભ્યાસ કરતી હતી. તેના પિતા ખેતી કામ કરે છે. વધુમાં માહિને બે દિવસથી તાવ આવતો હોય અને દવા પણ ચાલુ હતી. દરમિયાન ગઇકાલે ઉલ્ટી થયા બાદ તેનુ મૃત્યુ થયુ હતુ તબીબો દ્વારા હાર્ટએટેકથી મૃત્યુ થયાનુ તારણ આપવામાં આવ્યુ છે. પરિવારજનો દ્વારા માહિતીન અંતિમવિધિ તેના મુળ વતન પડધરીના રોઝીયા ગામે કરવામાં આવી હતી.
જયારે બીજા બનાવમાં એરપોર્ટ રોડ પર ઇન્કમટેકસ સોસાયટીમાં રહેતા અને આઇઓસી ગવરીદડમાં આસીસન્ટ ઓફિસર તરીકે ફરજ બજાવતા નેમિષભાઇ પંકજભાઇ શાહ (ઉ.વ.34) ગત મોડી રાત્રે પોતાના ઘરે બેભાઇ થઇ જતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે હાર્ટએટેકથી મોત નિપજ્યાનુ જાહેર કર્યુ હતુ. મૃતક બે ભાઇમાં નાના અને અપરિણીત હોવાનુ જાણવા મળ્યુ છે.
જયારે ત્રીજા બનાવમાં મવડી પ્લોટમાં આવેલા વિનાયક નગર શેરી નં.15માં રહેતા મીનાબેન કિશોરભાઇ રાઠોડ (ઉ.વ.43)નામના મહિલા આજે સવારે પોતાના ઘરે બેભાન થઇ જતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવત તેમનુ મોત નિપજ્યુ હતું. પ્રાથમિક તપાસમાં મીનાબેન આરએમસીમાં સફાઇ કામદાર તરીકે નોકરી કરતા હતા. તેમને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી હોવાનુ જાણવા મળ્યુ છે. મીનાબેનનુ હાર્ટએટેક આવતા મોત થયાનુ તબીબો દ્વારા જણાવાયુ છે.
