શહેરની ભાગોળે કુવાડવા રોડ પર અવેલા નવાગામ અને ધરમનગરમાં પોલીસે જુગારના બે દરોડા પાડી પતા ટીંચતા 10 શખ્સોને રૂા. 76 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ એલસીબી ઝોન-1ના એએસઆઈ મનરુપગીરી ગોસ્વામી સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો દરમિયાન નવાગામ છપ્પનીયામાં શક્તિ સોસાયટી શેરી નં. 7 માં રહેતા હરેશ વિદાભાઈ પલાળિયાના મકાનમાં જુગારધામ ચાલતુ હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી પતા ટીંચતા મકાન માલીક હરેશ પલાળીયા ઉપરાંત રામદેવસિંહ બહાદુરસિંહ ઝાલા, સંજય ભીખુભાઈ પિત્રોડા, મુકેશ નાથાભાઈ સાવલિયા, હરેશ ગોવાભાઈ ચાંડ્યા અને અનિલ બચુભાઈ સોજીત્રાને ઝડપી લઈ પટ્ટમાંથી રૂા. 62,200ની રોકડ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે બીજા બનાવમાં તાલુકા પોલીસે બાતમીના આધારે ધરમનગર શેરી નં. 1 માં કાનજીભાઈ જાદવના રહેણાકના મકાનમાં દરોડો પાડી જુગાર રમતા કાનજીભાઈ હરજીભાઈ જાદવ, હેમંત મેઘજીભાઈ વાણીયા, શૈલેષ પૂંજાભાઈ મકવાણા અને પ્રવિણ જેન્તીભાઈ સોલંકીને પકડી પાડી રૂા. 14,090ની રોકડ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.