દિવાળીની રાત્રે ફટાકડા ફોડવા બાબતે અનેક સ્થળે બઘડાટી બોલ્યાના બનાવ સામે આવ્યા છે ત્યારે આવા જ એક વધુ બનાવમાં શહેરના 150 ફુટ રીંગરોડ પર ઉમિયા ચોક પાસે આવેલ જલજીત સોસાયટીમાં ફટાકડા ફોડવા બાબતે યુવાને સગા ભાઈ અને પિતાને છરીના ઘા ઝીંકી દેતાં ચકચાર મચી જવા પામી છે. યુવાન ફટાકડા ફોડી પાડોશીના ઘર તરફ ફેંકતો હોવાથી ભાઈ અને પિતાએ ઠપકો આપતાં યુવાને છરી વડે હુમલો કરી ‘આજે તો તમને પતાવી જ દેવા છે’ કહી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, જલજીત સોસાયટી શેરી નં.6માં રહેતાં કૃણાલ રાજેશભાઈ મશરુ (ઉ.21) નામના યુવાને માલવીયાનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેના સગા ભાઈ ભાવેશ ઉર્ફે કાનો મશરૂનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગઈકાલે દિવાળી હોવાથી રાત્રીનાં 10.30 વાગ્યાના અરસામાં તેનો ભાઈ ભાવેશ ઉર્ફે કાનો ઘર બહાર શેરીમાં ફટાકડા ફોડતો હતો.
તે ફટાકડા સળગાવી પાડોશીના ઘર તરફ ફેંકતો હોય જેથી પાડોશીએ ઘરે આવી ફરિયાદીને ‘તમારા ભાઈને સમજાવો કે મારા ઘર તરફ ફટાકડા ન ફેંકે’ જેથી ફરિયાદીએ તેના ભાઈ સમજાવતાં તે ઉશ્કેરાઈ ગયો હતો અને પાડોશી સાથે બોલાચાલી કરવા લાગ્યો હતો. દરમિયાન ફરિયાદીના ભાઈ ભાવેશે છરી કાઢી પાડોશીને મારવા દોડતાં ફરિયાદીએ તેને રોકી લેતાં તેણે ફરિયાદી સાથે ઝઘડો કરી માથાના ભાગે છરીનો ઘા ઝીંકી દીધો હતો. જેથી તેના પિતા રાજેશભાઈ બન્ને ભાઈને છુટા પાડવા માટે વચ્ચે પડતાં ભાવેશે પિતા રાજેશભાઈને પણ હાથના ભાગે છરીનો ઘા ઝીંકી દીધો હતો અને ‘આજે તો તમને પતાવી જ દેવા છે’ તેમ કહી ઘરમાં જતો રહ્યો હતો.
આ હુમલામાં ઘવાયેલા પિતા-પુત્રને સારવાર માટે 108 મારફત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં બન્નેની સારવાર શરૂ કરવામાં આવી હતી. આ અંગે માલવીયાનગર પોલીસે કૃણાલ મશરૂની ફરિયાદ પરથી તેના ભાઈ ભાવેશ મશરૂ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
