ભાવનગર રોડ પર પટેલ વાડી પાસેનો બનાવ : અજાણ્યા 3 શખ્સો જીવલેણ હુમલો કરી નાશી છુટયા
દિવાળીના દિવસે શહેરમાં ચાર ચાર હત્યા થતાં ચકચાર મચી જવા પામી હતી. ત્યારે દિવાળીની રાત્રે પણ હત્યાનો પ્રયાસનો વધુ એક બનાવ સામે આવ્યો હતો. શહેરનાં સામાકાંઠા વિસ્તારમાં ભાવનગર રોડ પર પટેલ વાડી પાસે વાહન સરખુ ચલાવવાનું કહેતા યુવાન ઉપર અજાણ્યા ત્રણ શખ્સોએ હુમલો કરી છરીના આડેધડ ઘા ઝીંકી દીધા હતાં. જીવલેણ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી પોલીસે હુમલાખોરોની શોધખોળ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, બેડીપરામાં ગીરનારી શેરીમાં રહેતો સાગર રમેશભાઈ વધુકીયા (ઉ.30) નામનો યુવાન ગઈકાલે મોડીરાત્રે એક વાગ્યાના અરસામાં તેના ફૈઈના દીકરા હાર્દિક રમેશભાઈ કેરવાડીયા સાથે બાઈક લઈ પટેલવાડી પાસે આવેલી પાનની દુકાને ફાકી ખાવા જતો હતો ત્યારે ભાવનગર રોડ પર પટેલવાડી પાસે પહોંચતાં પાનની દુકાન તરફ જતો હતો ત્યાં ચુનારાવાડ ચોકથી ત્રિપલ સવારી બાઈક આવીને તેના બાઈક નજીકથી પસાર થતાં તેણે આ અજાણ્યા શખ્સોેને ‘જોઈને હાંકો’ તેમ કહ્યું હતું. બાદમાં તે પટેલવાડી પાસે પાનની દુકાને બાઈક ઉભુ રાખી ફાકી લેતો હતો ત્યારે આ અજાણ્યા ત્રણ શખ્સોએ ધસી આવી ‘તારાથી મને જોઈને હાંકો એવું કહેવાય જ કેમ’ તેમ કહી તેના ફૈઈના દીકરા હાર્દિકને લાત મારી દીધી હતી.
દરમિયાન તે છોડાવવા જતાં અજાણ્યા ત્રણેય શખ્સોએ તેની ઉપર છરી વડે હુમલો કરી આડેધડ છરીના ઘા ઝીંકી દીધા હતાં. જેમાં સાગરને પડખાના ભાગે અને છાતીના ભાગે છરીના ચાર ઘા અને સાથળના ભાગે અને પગના ભાગે છરીના બે ઘા લાગી જતાં તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં ઢળી પડયો હતો. દરમિયાન હુમલાખોરો તેનું બાઈક લઈ ચુનારાવાડ ચોક તરફ નાસી છુટયા હતાં. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા સાગરને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી બી ડીવીઝન પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ સાગર વધુકીયાની ફરિયાદ પરથી અજાણ્યા ત્રણ શખ્સો સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી ત્રણેય શખ્સોની ઓળખ મેળવવા અને તેને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે. આ અંગે બી ડીવીઝન પીઆઈ એસ.એસ.રાણે વધુ તપાસ ચલાવી રહ્યાં છે.
