ટી-20 વર્લ્ડ કપ 2026 ની રોમાંચક સફરમાં કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમાયેલી 38મી લીગ મેચમાં ઝિમ્બાબ્વેએ યજમાન શ્રીલંકાને 6 વિકેટે હરાવીને ક્રિકેટ જગતમાં એક નવો ઇતિહાસ રચી દીધો છે. શાનદાર પ્રદર્શન કરતા ઝિમ્બાબ્વેની ટીમે શ્રીલંકાએ આપેલા 179 રનના મોટા લક્ષ્યાંકને માત્ર 19.3 ઓવરમાં જ સફળતાપૂર્વક હાંસલ કરી લીધો હતો.
આ ઐતિહાસિક જીત સાથે જ ઝિમ્બાબ્વેએ વર્લ્ડ કપના ઇતિહાસમાં સતત ત્રીજી જીત નોંધાવીને સુપર 8 માં પોતાનો દબદબો સાબિત કર્યો છે અને અનેક મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. આ અત્યંત મહત્વપૂર્ણ મેચમાં શ્રીલંકાની ટીમે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટના નુકસાને 178 રનનો મજબૂત સ્કોર ઊભો કર્યો હતો. જેના જવાબમાં ઝિમ્બાબ્વેના બેટ્સમેનોએ કોઈ પણ પ્રકારના દબાણમાં આવ્યા વિના આક્રમક રમત દાખવીને 19.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 182 રન બનાવી લીધા હતા અને ભવ્ય વિજય મેળવ્યો હતો.
આ જીત સાથે જ ઝિમ્બાબ્વેએ ટી20 વર્લ્ડ કપના ઐતિહાસિક આંકડાઓમાં શ્રીલંકા સામે સૌથી મોટો બીજો રન ચેઝ કરવાનો અનોખો રેકોર્ડ બનાવ્યો છે. આ પહેલા વર્ષ 2014 ના વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડની ટીમે શ્રીલંકા સામે 190 રનનો સૌથી મોટો લક્ષ્યાંક પાર પાડ્યો હતો.આ ઉપરાંત, કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમના મેદાન પર કોઈપણ આંતરરાષ્ટ્રીય ટી-20 મેચમાં ઝિમ્બાબ્વે દ્વારા મેળવવામાં આવેલો આ વિજય બીજો સૌથી મોટો રન ચેઝ સાબિત થયો છે. આ મેદાન પર સૌથી મોટા લક્ષ્યાંકનો રેકોર્ડ બાંગ્લાદેશના નામે છે, જેણે 2018 ની નિદાહાસ ટ્રોફીમાં 215 રન ચેઝ કર્યા હતા.નોંધનીય બાબત એ છે કે આ ટૂર્નામેન્ટમાં ઝિમ્બાબ્વેની ટીમ ગ્રુપ સ્ટેજમાં અત્યાર સુધી અજેય રહી છે. તેમણે ઓમાન, ઓસ્ટ્રેલિયા અને હવે શ્રીલંકાને હરાવીને તમામને ચોંકાવી દીધા છે, જ્યારે આયર્લેન્ડ સામેની તેમની મેચ વરસાદના કારણે ટોસ વિના જ રદ કરવામાં આવી હતી.
