હળવદના ચંદ્રગઢ ગામે માથામાં બોથડ પદાર્થના ઘા ઝીંકી યુવાનની હત્યા

હળવદમાં નવરાત્રી સમયે જ બે જૂથ વચ્ચે અથડામણ બાદ પ્રવર્તતી તંગદિલી વચ્ચે હળવદ તાલુકાના ચંદ્રગઢ ગામે યુવાનની હત્યાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઈ છે.…

હળવદમાં નવરાત્રી સમયે જ બે જૂથ વચ્ચે અથડામણ બાદ પ્રવર્તતી તંગદિલી વચ્ચે હળવદ તાલુકાના ચંદ્રગઢ ગામે યુવાનની હત્યાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઈ છે. અજાણ્યા શખ્સે યુવાનના માથાના ભાગે બોથડ પદાર્થના ઘા ઝીંકી તેની હત્યા કરી હોવાનું પ્રાથમિક વિગતોમાં સામે આવ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ, ચંદ્રગઢ ગામના અનીલ રામજીભાઈ જાદવ (ઉંમર 27 વર્ષ) મોડી સાંજ સુધી વાડીએથી ઘરે પરત ફર્યા ન હતા. જેથી પરિવારજનો તેમને શોધવા માટે વાડીએ પહોંચ્યા હતા. જ્યાં અનીલભાઈનો મૃતદેહ મળી આવતાં પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

ઘટનાની જાણ થતાં ડીવાયએસપી, એલસીબી અને હળવદ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતની પોલીસ ટીમ મોડી રાત્રે ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહને હળવદ સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી.યુવાનની હત્યા કોણે અને કયા કારણોસર કરી તે અંગે અનેક સવાલો ઊભા થયા છે. હાલ પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી આરોપીને શોધવા તેમજ હત્યા પાછળનું કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *