દોઢ વર્ષથી લાપતા થયેલા યુવકનું ટ્રેન અડફેટે મોત: બનાવ આપઘાતનો કે અકસ્માતનો ?

શહેરની ભાગોળે આવેલા બેડી પાસે ટ્રેનની ઠોકરે મોરબી રોડ પર રહેતા 38 વર્ષીય હિતેષ લુણાગરીયાનું મોત નીપજ્યું હતું. યુવક દોઢ વર્ષથી ઘરે નહોતો આવ્યો, પરિવારે…

શહેરની ભાગોળે આવેલા બેડી પાસે ટ્રેનની ઠોકરે મોરબી રોડ પર રહેતા 38 વર્ષીય હિતેષ લુણાગરીયાનું મોત નીપજ્યું હતું. યુવક દોઢ વર્ષથી ઘરે નહોતો આવ્યો, પરિવારે ગુમસુધા નોંધ પણ લખાવી હતી. બનાવ આપઘાતનો છે? કે અકસ્માતનો? તે જાણવા પોલીસે તપાસ આદરી છે. યુવકના મોતથી પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત અનુસાર, ગઈકાલે રાત્રે બેડી નજીક રેલવે ટ્રેક પર એક યુવાન ટ્રેનની ઠોકરે આવતા તેને બિલેશ્વર રેલ્વે સ્ટેશન ખાતે લઈ જવાયો હતો. ત્યાં 108 ના ઈએમટી ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. બી ડિવિઝન પોલીસને જાણ કરાતા મૃતકની ઓળખ કરવા તજવીજ કરાઈ હતી. મૃતકના ખિસ્સામાંથી ઓળખ ડોક્યુમેન્ટ મળ્યાં હતા અને એક ચિઠ્ઠીમાં તેમના મોટાભાઈ કલ્પેશભાઈના મોબાઈલ નંબર મળ્યાં હતા. જેથી કલ્પેશભાઈનો સંપર્ક થતા મૃતકના પરિવારજનો બિલેશ્વર રેલવે સ્ટેશન ખાતે દોડી ગયા હતા. યુવકના મોતથી પરિવારમાં અરેરાટી સાથે કરૂૂણ કલ્પાંત સર્જાયો હતો. મૃતકની ઓળખ હિતેષભાઈ ગોરધનભાઈ લુણાગરીયા (ઉં. વ. 38, રહે.રોયલ રેસીડેન્સી, ફિલ્ડ માર્શલ વાડી પાસે, મોરબી રોડ, રાજકોટ) તરીકે થઈ હતી.

પ્રાથમિક તપાસમાં મૃતક અગાઉ ઇમિટેશનનું કામ કરતા હતા. હિતેશભાઈ બે ભાઈ બે બહેનમાં નાના હતા. તેમના લગ્ન સુરત ખાતે રહેતા જસ્મીનબેન સાથે આશરે 20 મહિના પહેલા થયા હતા. જોકે કોઈ કારણોસર હિતેશભાઈ દોઢેક વર્ષ પહેલા ઘરેથી ચાલ્યા ગયા હતા. બી ડિવિઝન પોલીસ મથકમાં તેની ગુમ સુધા નોંધ પણ કરવામાં આવી હતી. આ દરમિયાન તેમના પત્ની જસ્મીન બેન સુરત ખાતે માવતર રહેવા ચાલ્યા ગયા હતા. જેથી હિતેશભાઈ વિરુદ્ધ ખાધા ખોરાકીનો કોર્ટ કેસ પણ કરવામાં આવ્યો હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. બનાવ આપઘાતનો છે? કે અકસ્માતનો? તે જાણવા પોલીસે તપાસ આદરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *