સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ માર્કેટિંગ યાર્ડ નજીક એક ખુલ્લી ગટરમાં ખાબકવાથી 19 વર્ષીય યુવાન દીપક ઉણેચાનું ડૂબી જવાથી મોત થયું છે. આ ઘટનાથી તંત્રની બેદરકારી સામે સવાલો ઉભા થયા છે.
પ્રાથમિક માહિતી અનુસાર, વરસાદી પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલી મુખ્ય ડ્રેનેજમાં જરૂૂરી પાઈપો નાખવામાં આવ્યા ન હતા. ડ્રેનેજની સફાઈ અને ખોદકામ કર્યા બાદ તેને ખુલ્લી જ છોડી દેવાઈ હતી. જેના કારણે દીપકભાઈ અકસ્માતે તેમાં ખાબક્યા અને પાણીમાં ડૂબી જવાથી તેમનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.
આ ઘટના બાદ પરિવારજનોએ તંત્રની બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કર્યો છે.
તેમણે ખુલ્લી ડ્રેનેજને તાત્કાલિક પુરાણ કરી જરૂૂરી પાઈપો નાખી સુરક્ષિત બનાવવાની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં આવી કોઈ દુર્ઘટના ન બને. ઘટનાની જાણ થતાં જ સુરેન્દ્રનગર ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી. તેમણે યુવકનો મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.
આ સમગ્ર મામલે એએસપી વેદિકા બિહાનીના માર્ગદર્શન હેઠળ પોલીસે તપાસ શરૂૂ કરી છે. ઘટનાસ્થળ આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે, જેથી યુવક કઈ રીતે ડ્રેનેજમાં ખાબક્યો તેની હકીકત જાણી શકાય. હાલ પોલીસે અકસ્માતના તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને વધુ તપાસ હાથ ધરી છે.
