ખંભાળિયાથી આશરે 25 કિલોમીટર દૂર આવેલા સિદ્ધપુર ગામના વાડી વિસ્તારમાં સુઝલોન કંપનીની પવનચક્કીનું સાફ-સફાઈ તેમજ મેન્ટેનન્સનું કામ કરવા માટે લિફ્ટ મારફતે પવનચક્કી ઉપર ગયેલા ભાટીયા ગામના રહીશ વિક્રમભાઈ રામશીભાઈ ગોજીયા નામના 24 વર્ષના યુવાન અકસ્માતે પવનચક્કી ઉપરથી જમીન પર પટકાઈ પડ્યા હતા. જેના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ ભાટીયા ગામના રામદેભાઈ પેથાભાઈ પરમારએ અહીંની પોલીસને કરી છે. જે અંગે પોલીસે અકસ્માત મૃત્યુ અંગેની નોંધ કરી, આગળની તપાસ પી.એસ.આઈ. એમ.આર. બારડ દ્વારા હાથ ધરવામાં આવી છે.
ખંભાળિયા તાલુકાના ચુડેશ્વર ગામના વાડી વિસ્તારમાં રહેતા વેજાભાઈ પુંજાભાઈ લગારીયા નામના 55 વર્ષના આહિર આધેડે ભૂલથી ઘઉમાં નાખવાના ટીકડા પી લેતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ ચૂડેશ્વર વિસ્તારમાં રહેતા મૃતકના પુત્ર માલદેભાઈ વેજાભાઈ લગારીયા (ઉ.વ. 25) એ સલાયા મરીન પોલીસને કરી છે.