યુવા ભાજપ દ્વારા આજથી 4 દિવસ ‘વિજય સંકલ્પ વિસ્તારક યોજના’

સક્રિય અને પ્રશિક્ષિત કાર્યકરો 590 મંડળોમાં જઇ 3 દિવસનું રાત્રી રોકાણ કરશે, નવા મતદારોને આપશે માર્ગદર્શન ગુજરાત ભાજપા યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ ડો.…

સક્રિય અને પ્રશિક્ષિત કાર્યકરો 590 મંડળોમાં જઇ 3 દિવસનું રાત્રી રોકાણ કરશે, નવા મતદારોને આપશે માર્ગદર્શન

ગુજરાત ભાજપા યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ ડો. હેમાંગભાઈ જોશીએ એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ ગુજરાત પ્રદેશ ભાજપા યુવા મોરચા દ્વારા તા. 26 થી 29 માર્ચ દરમ્યાન ” વિજય સંકલ્પ વિસ્તારક યોજના – 2026″ નું રાજ્યવ્યાપી આયોજન કરવામાં આવશે.

આ અંગે વિસ્તૃત માહિતી આપતા ડો. હેમાંગભાઈ જોશીએ કહ્યું હતું કે ભાજપા યુવા મોરચા દ્વારા રાજ્યવ્યાપી સ્તરે સંગઠનને વધુ મજબૂત બનાવવા અને યુવાનો સાથે સીધો સંપર્ક સ્થાપિત કરવા માટે આ વિજય સંકલ્પ વિસ્તારક યોજના 2026 નું આયોજન કરવામાં આવ્યું છે.આ યોજના અંતર્ગત યુવા મોરચાના સક્રિય અને પ્રશિક્ષિત કાર્યકર્તાઓ રાજ્યના આશરે 590 મંડળોમાં યુવા વિસ્તારક તરીકે જઈને નિર્ધારિત વિસ્તારમાં 3 દિવસનું રાત્રી રોકાણ કરીને જમીની સ્તર સુધી સંગઠન સાથે જીવંત જોડાણ સ્થાપિત કરશે. ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં દરેક વિસ્તારક સ્થાનિક કાર્યકર્તાના નિવાસ સ્થાને રાત્રિ રોકાણ કરીને આ યોજના દરમ્યાન પુર્ણસમય માટે ઘર – ઘર સંપર્ક અને યુવાઓ સાથે અનૌપચારિક ચર્ચા અને સંવાદ પણ કરશે.

ડો. જોશીએ વધુમાં જણાવ્યું હતું કે વિજય સંકલ્પ વિસ્તારક યોજના 2026 ના માધ્યમથી યુવા મોરચાના સંગઠનને બુથ અને શકિતકેન્દ્ર સ્તરે સશક્ત કરી યુવા મતદાતાઓને ભાજપાની વિચારધારા સાથે જોડીને મતદાન અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. આ ઉપરાંત યુવાઓમાં રાષ્ટ્ર પ્રથમની ભાવના સાથે સંગઠન શક્તિના માધ્યમથી રાષ્ટ્ર અને જનસેવાનો ભાવ પ્રગટે, યુવા મતદાતાઓ સોશ્યલ મીડિયાના માધ્યમથી ભાજપા સાથે જોડાઈ તે દિશામાં પણ સુનિશ્ચિત પ્રયત્નો કરવામાં આવશે.

ડો. જોશીએ ઉમેર્યું હતું કે આગામી ચૂંટણીઓને લક્ષ્યમાં રાખીને આ યોજના અંતર્ગત મંડળ/ વોર્ડ કક્ષાએ યુવા મોરચાની બૃહદ બેઠક, શક્તિકેંદ્ર અને બુથ સ્તરે જૂથ ચર્ચા, સક્રિય કાર્યકરોનું સત્યાપન અને નવી જવાબદારીઓની વહેંચણી જેવી પ્રક્રિયાઓ ઉપરાંત 18 થી વધુ વયના નવા મતદાતાઓને મતદાતા તરીકે નોંધણી માટે જરૂૂરી માર્ગદર્શન પણ આપવામાં આવશે. ભાજપા સરકાર દ્વારા લેવાયેલ જનહિતના નિર્ણયો અને યોજનાઓ પણ આ અભિયાનના માધ્યમથી ઘર – ઘર સુધી પહોંચાડવામાં આવશે. આ યોજના અન્વયે કાર્યરત વિસ્તારકો વર્તમાન તેમજ પૂર્વ પદાધિકારીઓ, ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ, સમાજ શ્રેષ્ઠીઓ તેમજ સ્થાનિક આગેવાનો સાથે સંવાદ સાધીને ભાજપાના જનકલ્યાણકારી કાર્યો પ્રસારિત કરશે.

અંતમાં ડો. જોશીએ કહ્યું હતું કે આ યોજના દ્વારા યુવા મોરચો રાજ્યના દરેક ખૂણે પહોંચી યુવાનોને મહતમ સંખ્યામાં ભાજપા સાથે જોડશે અને આવનારી ચૂંટણી માટે મજબૂત આધારશિલા તૈયાર કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *