ભાઇ સાથે ઝઘડો ચાલતો હોય અને તે ગામ અને કુંટુબમાં ખોટી વાતો કરી વગોવતો હોવાથી ઢીમ ઢાળી દીધાની કબૂલાત
ભાવનગર જિલ્લાના પાલિતાણામાં પોતાના ઘરમાં એકલા રહેતા યુવકનો શંકાસ્પદ હાલતે મૃતદેહ મળી આવ્યાના બનાવમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. મૃતક યુવકને તેના મોટાભાઈ સાથે ઝઘડો થયો હોય અને તેના કારણે મોટાભાઈએ તેની હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં ખુલતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવ ની વિગતો એવી છે કે ભાવનગર જિલ્લાનાપાલિતાણા શહેરની સર્વોદય સોસાયટીમાં પોતાના ઘરે એકલા રહેતા અને ઘર પાસે પાનની દુકાન ચલાવતા દિવ્યાંગ યુવક ભગીરથસિંહ બટુકસિંહ ગોહિલ ઉ.વ.37 નો શંકાસ્પદ હાલતે તેમના ઘરેથી મૃતદેહ મળી આવ્યો હતો.
જેની જાણ પાલિતાણામાં ટ્રાફિક જવાન તરીકે ફરજ બજાવતા મૃતક યુવકના મોટાભાઈ મયુરસિંહ બટુકસિંહ ગોહિલે પોલીસને કરી હતી અને આ મોત બાબતે તેને કોઈના પર શંકા કે વહેમ નહી હોવાનું પોલીસને નિવેદન આપ્યું હતું. પરંતુ શંકાસ્પદ મોતના કેસમાં પોલીસે લોકોના નિવેદનોના આધારે ડોગ સ્ક્વોર્ડ, એફએસએલની મદદ લઈ મૃતદેહને પીએમ માટે મોકલી તપાસ હાથ ધરી હતી. જેમાં પીએમ સર્ટિફિકેટમાં માથામાં ઈજા, ગળાના ભાગે દબાણ, પેટમાં ઈજા તથા શ્વાસ બંધ થઈ જવા જેવા કારણો આવતા પોલીસે મૃતક યુવકના મોટાભાઈ મયુરસિંહ બટુકસિંહ ગોહિલનું વિશેષ નિવેદન લેતા તેણે કબૂલાત આપી હતી કે, તેમના ભાઈ ભગીરથ સાથે ઝઘડો ચાલતો હોય અને તેમનો ભાઈ તેમની ખોટી વાતો કરી ગામમાં અને કુંટુંબીઓમાં વગોવતો હોવાથી ગતરોજ 18મી માર્ચે સવારે તેઓ ટીઆરબી તરીકેની પોતાની ફરજ પર જઈ રહ્યાં હતા તે પહેલા તેને ઠપકો આપવા ગયા હતા.
જ્યાં ઝઘડો થતાં તેમણે તેના ભાઈને પછાડી તેનું એક હાથે ગળું દબાવી બીજા હાથે માર મારી હત્યા કરી હતી અને તેના ફોનમાં વીડિયો કે રેકોર્ડિંગ હોય જેની શંકાએ તેનો ફોન અંડરગ્રાઉન્ડ પાણીના ટાંકામાં ફેંકી દીધો હતો. બનાવ અંગે પાલિતાણા ટાઉન પોલીસે ગુનો નોંધી મયુરસિંહ બટુકસિંહ ગોહિલ ની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.