શહેરના સદર બજારમાં રહેતા યુવાને ચેક રિટર્ન કેસમાં 50 હજાર ભરવાની ચિંતામાં ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આજે તારીખ હતી. પરંતુ પૈસાનો વેત ન થતા આ પગલું ભર્યાનું જાણવા મળ્યુ છે. જાણવા મળતી વિગત મુજબ સદર બજારમાં આવેલા ઠક્કરબાપાનગર શેરી નં.11માં રહેતા રાજુભાઇ દિનેશભાઇ વાઘેલા (ઉ.વ.45)નામના યુવાને આજે સવારે પોતાના ઘરે ફિનાઇલ પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી પ્ર.નગર પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી જઇ નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી છે.
પ્રાથમિક તપાસમાં રાજુભાઇ આરએમસીમાં સફાઇ કામદાર તરીકે નોકરી કરે છે. તેણે વર્ષ 2022માં મંડળીમાંથી તેના અને તેની પત્નીના નામે રૂા.4-4 લાખની લોન લીધી હતી. લોનનો હપ્તો ભરવા માટે આપેલો ચેક પરત ફરતા મંડળીએ ચેક રિટર્નની ફરિયાદ કરી હતી. જેમાં તે 21 દિવસ જેલમાં પણ જઇ આવ્યો હતો. બાદમાં આજે રૂા.50 હજાર ભરવાની તારીખ હતી. પરંતુ તેની પાસે રૂપિયાનો વેત ન થતા તેણે આ પગલું ભર્યાનું પરિવારજનો દ્વારા જણાવાયુ છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
