જુગારની ટેવથી ઘણા પરિવાર બરબાદ થયા છે ત્યારે રાજકોટ શહેરમા આવો જ એક બનાવ પ્રકાશમા આવ્યો છે. શહેરનાં હનુમાન મઢી પાસે આવેલા છોટુનગરમા રહેતા યુવાને તેમના ઘર નજીક રહેતા પિતરાઇ ભાઇનાં ઘરે ગળેફાંસો ખાઇ જીવન ટુકાવી લીધુ હતુ. આ ઘટનાનુ સાચુ કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે.
વધુ વિગતો મુજબ છોટુનગર શેરી નં 13 મા રહેતા અને તરબુચ તેમજ ભંગારની ફેરી કરતા સુરેશ રમેશભાઇ વડેચા નામના યુવાને તેમના પિતરાઇ ભાઇ વિનોદ વડેચાનાં છોટુનગર શેરી નં 6 મા આવેલા મકાનમા ગળેફાંસો ખાઇ લેતા તેમને હોસ્પીટલે લઇ જવામા આવ્યો હતો જયા તેમનુ મૃત્યુ નીપજયુ હતુ. મૃતક પાંચ ભાઇ બે બહેનમા ચોથા નંબરનો હતો અને અપરણીત હતો તેમજ તેમનાં પરીવારજનોએ જણાવ્યુ કે સુરેશને જુગાર રમવાની ટેવ પણ હતી. આ સમગ્ર ઘટનામા પોલીસ સુત્રોમાથી જાણવા મળ્યુ હતુ કે મૃતક સુરેશ જુગારમા નાણા હારી જતા છેલ્લા ઘણા દિવસોથી ડિપ્રેશનમા રહેતો હતો અને કોઇ સાથે વાત કરતો ન હતો. તેમજ ગઇકાલે તેમના કાકાનાં પુત્રનાં બંધ પડેલા મકાને પહોંચી આ પગલુ ભરી લીધુ હતુ.
મૃતક સુરેશ અગાઉ ચોરીના ગુનામા પકડાઇ જતા કાલાવડ પોલીસે તેમને જેલ ભેગો કર્યો હતો અને દોઢેક મહીના પહેલા જ છુટી અને રાજકોટમા તરબુચ તેમજ ફ્રુટની લારી ચલાવી પરીવારને મદદરૂપ થતો હતો યુવાનનાં મૃત્યુથી પરીવારમા શોક છવાઇ ગયો છે.