અમદાવાદના મણિનગર વિસ્તારમાં પ્રખ્યાત લેખિકા કાજલ ઓઝા વૈદ્યના પર્સની તફંડચી થતા ચકચાર જાગી છે. મળતી માહિતી મુજબ તેઓ રીક્ષામાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે અજાણ્યા શખ્સોએ ચાલુ રીક્ષામાંથી તેમનું પર્સ ઝૂંટવી લીધું હતું. પર્સમાં બે મોબાઇલ ફોન, એક ઘડિયાળ તેમજ રોકડ રકમ સહિતની કિંમતી વસ્તુઓ હોવાનુ જાહેર થયુ છે.
આજે વહેલી સવારે કાજલ ઓઝા વૈદ્ય મણિનગર રેલવે સ્ટેશનેથી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. પાછળથી કાળા રંગના મોપેડ પર આવેલા બે અજાણ્યા લૂંટારુ ઇસમોએ તકનો લાભ લઈને તેમનું પર્સ ઝૂંટવી લીધું હતું અને પળભરમાં પલાયન થઈ ગયા હતા.લૂંટારુઓ દ્વારા ઝૂંટવી જવામાં આવેલા પર્સમાં અંદાજે 3 થી 4 હજાર રૂૂપિયાની રોકડ રકમ, મહત્વપૂર્ણ બેંકના કાર્ડ્સ, પેન ડ્રાઇવ, રેમન્ડ વેલ કંપનીની કિંમતી ઘડિયાળ તેમજ બે અત્યાધુનિક સ્માર્ટફોન હતા. આ બનાવ અંગે લેખિકા કાજલબેન ઓઝા વૈદ્યે ત્વરિત પગલાં લઈને કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર રીતે ફરિયાદ નોંધાવી છે.
