રાજકોટ મહાનગરપાલિકાના 2026-27નું વિકાસલક્ષી સામાન્ય કરબોજ સાથેનું બજેટ રજૂ કરી મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાએ શહેરની નવી છબીનું સર્જન કરવા જરૂરી નીતિ આયોજન અને આવશ્યકતાનો યોગ્ય અમલ કરવા પ્રતિબધ્ધતા દાખવી
મહાનગરપાલિકાનું 2026-27નું સુચિત બજેટ મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાએ આજરોજ રજૂ કરી રાજકોટનો વિકાસ ટેકનોલોજી અને ઇન્ફ્રાસ્ટકચરના આધારે વધુ ઝડપી બનાવવાની નેમ સાથે પ્રતિબધ્ધતા દાખવી જણાવ્યુ હતુ કે, કેન્દ્ર સરકારના વિકસિત ભારત 2047ના મહાસંકલ્પને સાકાર કરવા દેશમાં સામૂહિક પ્રયાસો નિર્ણાયક ભૂમિકા ભજવશે એ સ્વાભાવિક છે. ગુજરાત સરકાર દ્વારા રાજ્યની કાયાપલટ કરવાની દિશામાં અવિરત પ્રયાસો હાથ કરવામાં આવી રહ્યા છે. આ મહાઅભિયાનમાં રાજકોટ મહાનગરપાલિકા પણ પોતાની જવાબદારીઓ નિભાવી યથોચિત યોગદાન આપી રહી છે. સર્વસમાવેશી અને સર્વગ્રાહી વિકાસની રણનીતિ સાથે અત્યારે જે રફતાર સાથે ગુજરાત રાજ્ય વિકાસ પથ પર આગળ ધપી રહ્યું છે તેના પરિણામે નાગરિકોને વધુ ને વધુ લોકભોગ્ય સેવાઓ અને સુવિધાઓ ઉપલબ્ધ બની રહી છે.
વિકાસ પ્રક્રિયા ઝડપી બની છે. આધુનિક ટેકનોલોજી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેજ ગતિએ વિકસી રહ્યું છે. જે અર્થતંત્રને વેગવાન બનાવે છે. નાગરિકોના જીવનમાં ગુણાત્મક બદલાવ આવી રહ્યા છે. લોકજીવન વધુ ને વધુ સરળ બની રહ્યું છે, તેના પરિણામે નાગરિકોની સુખસુવિધાઓમાં તો વધારો થતો જ રહ્યો છે, સાથોસાથ ધંધા રોજગાર અને ઔદ્યોગિક વિકાસ માટે નવી સંભાવનાઓ ઉપલબ્ધ બને છે અને નવી રોજગારીની તકોનું સર્જન પણ થઇ રહ્યું છે. સરકારની આ રણનીતિને અનુસરતા, રાજકોટ શહેરના વિકાસ અને પ્રગતિના પથ પર આગામી નાણાકીય વર્ષમાં પણ અવિરત તેજ રફતાર સાથે આગળ ધપવા રાજકોટ મહાનગરપાલિકા પ્રતિબધ્ધતા વ્યકત કરે છે.
વર્ષ 2020માં રાજકોટ મહાનગરપાલિકાની હદનું વિસ્તરણ થયું હતું. મોટામૌવા, મુંજકા, ઘંટેશ્વર અને માધાપર (મનહરપુર-1 સહીત) રાજકોટમાં ભળતા શહેરનું ક્ષેત્રફળ વધીને 127.21 ચો.કિ.મી.થી વધીને કુલ 161.86 ચો.કિ.મી. થઇ ચૂકેલું છે. આ સ્થિતિમાં સ્વાભાવિકપણે જ મહાનગરપાલિકા પાસે રાજકોટવાસીઓની અપેક્ષાઓ ઘણી વધી હોય. આ નવા ભળેલા વિસ્તારોને નજર સમક્ષ રાખી રસ્તા, પીવાનું પાણી, ભૂગર્ભ ગટર યોજના, સ્ટ્રીટલાઈટ, સફાઈ અને સ્વચ્છતા, સામાજિક સુખસુવિધાઓ અને સેવાઓ, ઉપરાંત સાંસ્કૃતિક અને રચનાત્મક પ્રવૃત્તિઓ માટેની સુવિધાઓ વિકસાવવાની ખુબ મોટી જવાબદારી રાજકોટ મહાનગરપાલિકા નિભાવી રહી છે. જે ઝડપે શહેરની ભૌતિક હદ આસપાસના વિસ્તારો જે ઝડપથી વિકસી રહ્યા છે તેની સાથે કદમ મિલાવી નાગરિકોને માળખાગત સુખસુવિધાઓ અને સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો ખુબ મોટો પડકાર મહાનગરપાલિકાએ સફળતાપૂર્વક ઝીલી લીધેલો છે તે જોઈ શકાય છે.
સર્વગ્રાહી અને સર્વસમાવેશક વિકાસનો ખ્યાલ સ્વાભાવિકરીતે જ એમ સૂચવે છે કે, સરકાર દ્વારા અનિવાર્ય રીતે આવશ્યક એવા માળખાગત ભૌતિક વિકાસને તો આવરી લેવામાં આવે જ છે, સાથોસાથ માનવજીવન ગરિમાપૂર્ણ અને ગૌરવપ્રદ બની રહે તે માટે પણ સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રોને વિકાસ પ્રક્રિયામાં સમાવિષ્ટ કરવામાં આવી રહ્યા છે. રાજકોટ શહેરની હવે પછીની વિકાસ સફરમાં પાયાની મૂળભૂત સુવિધાઓ અને સેવાઓના માળખાનો વિકાસની સાથે હવે રાજકોટ મહાનગરપાલિકા નાગરિકોને આધુનિક કક્ષાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને નવી ટેકનોલોજીના સથવારે શ્રેષ્ઠ ગુણવતાયુક્ત સેવાઓ ઉપલબ્ધ બનાવવા પર વિશેષ ભાર મુકવામાં આવશે. જેમાં રમતગમત ક્ષેત્રને પણ આવરી લેવામાં આવશે. રાજકોટનું સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધુ ને વધુ સુવિધામય બને તેમજ વિવિધ રમતોના ખેલાડીઓને તેનો લાભ પ્રાપ્ત થાય અને પ્રતિભાવંત રમતવીરો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રાજકોટ અને ગુજરાતનું નામ ગૌરવાંકિત કરે તે દિશામાં રાજકોટ મહાનગરપાલિકા પોતાની પૂરક સહયોગી ભૂમિકા નિભાવશે.
એ સ્વાભાવિક છે કે, હવે આપણું ગુજરાત આંતરરાષ્ટ્રીય રમત-ગમત ક્ષેત્રે નવી ઊંચી છલાંગ ભરવા સુસજ્જ બનવા લાગ્યું છે ત્યારે રાજકોટ શહેરને પણ પોતાની નવી ઓળખ ઉભી કરવાની ઉત્તમ તક પ્રાપ્ત થનાર છે. આ નવી સફર શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને એડવાન્સ સ્ટેજ પર લઇ જવામાં નિમિત્ત બની શકશે. આ માટે રાજકોટ મહાનગરપાલિકા શહેરની નવી છબીનું સર્જન કરવા અંગે જરૂરી નીતિ, આયોજન અને આવશ્યકતા અનુસાર યોગ્ય અમલ કરવા પ્રતિબધ્ધ છે. રંગીલું રાજકોટ તેની ઓળખ અનુસાર જુદાજુદા મહત્તમ સેકટરને આવરી લેનાર વિકાસ ગાથામાં હવે અન્ય અવનવા પ્રકરણો આલેખવા અને નાગરિકોમાં રાજકોટ પ્રત્યે ગૌરવ અને સન્માનની લાગણી વધુ પ્રબળ બનાવવાના આશય સાથે રાજકોટ મહાનગરપાલિકાનું આગામી નાણાંકીય વર્ષ 2026-27નું રકમ રૂ. 3595.70 કરોડનું બજેટ તૈયાર કર્યું છે.
સાઈકલ પ્રમોશન પ્રોજેક્ટ યથાવત
શહેરમાં પ્રદુષણની માત્રા ઘટે તેવા ઉમદા ઉદ્દેશથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સાયકલ પ્રમોશન પ્રોજેક્ટ હેઠળ તા.15/07/2019 બાદ શહેરીજનો દ્વારા ખરીદ કરવામાં આવેલ નવી સાયકલ ઉપર શહેરીજનોને અલગથી વ્યક્તિ દીઠ રકમ રૂૂ.1000/- (અંકે રૂૂપિયા એક હજાર પુરા) તેઓના બેંક ખાતામાં વધારાનું વળતર ચૂકવવાનું નક્કી થયેલ છે. જે હેઠળ આગામી વર્ષ 2026-27 માં અંદાજિત 2500 વ્યક્તિઓને આ વળતર ચૂકવી આપવાનો લક્ષ્યાંક છે. આ કામ માટે રકમ રૂૂ. 25.00 લાખનો ખર્ચ થવાનો અંદાજ છે.
250 લોકેશન પર 1500 સીસીટીવી કેમેરા નખાશે
વર્ષ 2026-27માં રાજકોટ આઈ.વે. પ્રોજેક્ટ 2.0 હેઠળ શહેરનાં વિવિધ 250 જેટલાં લોકેશન પર અંદાજીત 1500 જેટલાં સી.સી.ટી.વી. કેમેરા અંદાજે રકમ રૂૂ. 37.00 કરોડનાં ખર્ચે સ્વર્ણિમ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવશે. રાજકોટ સ્માર્ટ સીટી ડેવ. લી. દ્વારા પાન સિટી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ જી.આઈ.એસ. (જિઓગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ) પ્રોજેક્ટ હેઠળ સિટિઝન પોર્ટલ બનાવવામાં આવેલ છે. સિટિઝન પોર્ટલમાં હાઈ રિઝોલ્યુશન સેટેલાઇટ ઈમેજનો ઉપયોગ કરીને શહેરનો ડિજિટાઇઝ કરેલ બેઝમેપ ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. આ મેપને થ્રીડી જી.આઈ.એસ. ઈમેજ અપડેશન કરી થ્રીડી મેપ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે રકમ રૂૂ. 30.00 કરોડનો ખર્ચ આઉટકમ બેઇઝ ઇન્સેન્ટીવ ગ્રાન્ટ અંતર્ગત થવાનો અંદાજ છે.
શહેરને મળશે 16 નવી ટીપી સ્કીમનો લાભ
ડી.આઈ.એલ.આર. કચેરીમાંથી તાજેતરમાં માધાપર વિસ્તારની 1 (એક) તથા મવડી વિસ્તારની 2(બે) સૂચિત ટી.પી.સ્કીમ બનાવવા માટે અધિનિયમની જોગવાઈ મુજબ ચીફ ટાઉન પ્લાનર, ગુજરાત રાજ્યનો પરામર્શ મેળવવા મોકલાવેલ છે, જે મળ્યેથી તેનો ઈરાદો જાહેર કરીને નવી ટી.પી.સ્કીમ તૈયાર કરીને કલમ-48(1) હેઠળ સરકારમાં મંજૂરી અર્થે સાદર કરવામાં આવશે. આમ, ઉક્ત વિગતે જણાવેલ માધાપર તથા મવડી વિસ્તારમાં કુલ-3 (ત્રણ) નવી ટી.પી. સ્કીમ બનાવવાનું આયોજન છે. કોઠારિયા વિસ્તારની 1 (એક), યોજનામાં ચીફ ટાઉન પ્લાનર, ગુજરાત રાજ્યનો પરામર્શ મળેલ છે, જેને અધિનિયમની જોગવાઈ મુજબ ઈરાદો જાહેર કરવા સામાન્ય સભામાં ઠરાવ અર્થે રજુ કરેલ છે. ડી.આઈ.એલ.આર. કચેરીમાં રાજકોટ વિસ્તારની – 3, રૈયા વિસ્તારની-2, કોઠારીયા વિસ્તારની – 4, માધાપર વિસ્તારની – 1 તથા ઘંટેશ્વર વિસ્તારની – 2 મળી કુલ 12 સૂચિત નગર રચના યોજનાઓનાં નિમતાણા મેળવવા માટે પેન્ડીંગ છે. જે મળ્યેથી મુખ્ય નગર નિયોજકશ્રીનાં પરામર્શ અર્થે મોકલી આપવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકાની કુલ 65 ટી.પી. સ્કીમ પૈકી 35 ટી.પી. સ્કીમ આખરી, 6 ટી.પી. સ્કીમ પ્રારંભિક મંજુર થઇ અમલમાં આવેલ છે અને આખરી મંજુર થવાની બાકી છે તેમજ 24 ટી.પી. સ્કીમ મુસદ્દારૂૂપ મંજુર થઇ અમલમાં આવેલ છે અને પ્રારંભિક મંજુર થવાની બાકી છે. આ ઉપરાંત 2(બે) વેરીડ યોજના તૈયાર કરી મુસદ્દારૂૂપ મંજુરી અર્થે સરકારમાં સાદર કરવામાં આવેલ છે.
નવી એનિમલ હોસ્ટેલ અને ડોગ સેન્ટર બનશે
રળિયામણાં રાજકોટની કલ્પના કરીએ ત્યારે રખડતાં ઢોરનાં પ્રશ્નનો ઉકેલ લાવવો જરૂૂરી હોય, હયાત ઢોર ડબ્બામાં તથા હયાત એનિમલ હોસ્ટેલમાં વધુ સુવિધા ઉભી કરવામાં આવશે. અન્ય વધુ નવી જગ્યાએ ઢોર ડબ્બા કમ એનિમલ હોસ્ટેલ બનાવવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વધુ 01 (એક) જગ્યાએ સોખડા ખાતે નવી એનિમલ હોસ્ટેલ બનાવવા માટે જગ્યા ફાળવવામાં આવેલ છે. આ નવી એનિમલ હોસ્ટેલમાં અંદાજીત 750 પશુઓનો સમાવેશ થઇ શકશે. શ્વાનોનાં પ્રશ્નોના ઝડપથી નિરાકરણ થાય તે હેતુથી માધાપર ખાતે આવેલ ડોગ સેન્ટરમાં શ્વાન રાખવાની ક્ષમતા વધારવા માટે હૈયાત શ્વાન વ્યંધિકરણ કેન્દ્રમાં શેડ સાથેની નવી ડોગ કેનાલ બનાવી વિસ્તૃતિકરણ કરવામાં આવશે તેમજ આક્રમક/કરડતાં શ્વાનને રાખવા માટે ડોગ ફ્રેન્ડલી સેન્ટરનું વિસ્તૃતિકરણ કરવામાં આવશે. આ ઉપરાંત વધુમાં નામ. સુપ્રિમ કોર્ટ અને એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડીયા, ન્યુ દિલ્હીના નિર્દેશોનુસાર ડોગ શેલ્ટર બનાવવા માટે જગ્યાની માંગણી કરવામાં આવેલ છે. નવી જગ્યા મળ્યેથી ડોગ શેલ્ટર બનાવવામાં આવશે.
45 મેગાવોટ કેપ્ટીવ પાવર પ્લાન્ટ સ્થપાશે
ગુજરાત સરકારના UDD વિભાગ દ્વારા ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની લિમિટેડ (GUDCL) ને 400 MW સોલાર પાવર પ્રોજેક્ટ માટે Implementing Agency તરીકે નિયુક્ત કરવામાં આવી છે. આ પ્રોજેક્ટમાં કુલ 400 MWની કેપેસિટી છે. જેમાંથી 150 MWની કેપેસિટી ગુજરાતની નગરપાલિકાઓ માટે અને 250 MWની કેપેસિટી રાજયની મહાનગરપાલિકાઓ માટે ફાળવવામાં આવી છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકા માટે 45 MWની કેપેસિટી ફાળવવામાં આવી છે. આ પ્રોજેક્ટ માટે 50 % ખર્ચ રાજ્ય સરકાર અને 50 % ખર્ચ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વહન કરવામાં આવશે. 45 MW કેપેસિટી માટે કુલ ખર્ચનો પ્રાથમિક અંદાજ રકમ રૂૂ. 261.00 કરોડ છે, જેમાંથી રાજકોટ મહાનગરપાલિકાનો 50 % હિસ્સો રકમ રૂૂ. 130.50 કરોડ રાજકોટ મહાનગરપાલિકાએ ખર્ચ કરવાના રહેશે. જે અંતર્ગત રકમ રૂૂ. 1.00 કરોડની બજેટ જોગવાઇ વર્ષ 2026-27 માટે કરવામાં આવેલ છે. આ પ્રોજેકટ બે વર્ષમાં પૂર્ણ થવાનો અંદાજ છે.
નાકરાવાડી ખાતે ફ્રેશ વેસ્ટ પ્રોસેસિંગ થશે
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર ઘન કચરો ટ્રાન્સફર સ્ટેશન ખાતે આવે છે. ટ્રાન્સફર સ્ટેશનથી ઘન કચરાને નાકરાવાડી સાઇટ ખાતે લાવી ત્યાં ઘન કચરાનું પ્રોસેસીંગનું કામ કરવામાં આવે છે. દૈનિક 800 થી 1000 મે. ટન ઘન કચરાનો નિકાલ થશે. નાકરાવાડી સાઇટ પર આવતા દૈનિક ઘન કચરાનું દૈનિક પ્રોસેસીંગ 13 મહિનાના સમયગાળા સુધી કરવામાં આવશે. નાકરાવાડી સાઇટ આજુબાજુની જગ્યાનું હવા,જમીન તથા પાણીનું પ્રદુષણ અટકશે. શહેરમાંથી ઉત્પન્ન થતાં ઘન કચરાના નિકાલની વ્યવસ્થા સુદ્રઢ થશે.
નવા 3170 આવાસ બનાવાશે
કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલ સર્વે મુજબ ઘરવિહોણા પરિવારોને પોષણક્ષમ ભાવે સુવિધાયુક્ત પાક્કા આવાસો મળી રહે તેવા ઉમદા હેતુસર આગામી 5 વર્ષ માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 (PMAY 2.0) પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. જે અન્વયે યોજનાની માર્ગદર્શિકાને અનુરૂૂપ રાજ્ય સરકાર દ્વારા તા. 24-03-2025ના રોજ ઠરાવ ક્રમાંક નં. એએચએમ/102025/128/થ-1થી ઠરાવ પ્રસિધ્ધ કરી યોજના રાજ્યમાં અમલી બનાવેલ છે. જે અંતર્ગત AHP (એફોર્ડેબલ હાઉસિંગ ઇન પાર્ટનરશીપ), ARH (એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ), BLC (બેનીફીસીયરી લેડ ક્ધસ્ટ્રકશન) તથા ISS (ઇન્ટરેસ્ટ સબસીડી સ્કીમ) અંતર્ગત લાભાર્થીઓને લાભ મળશે. જે અન્વયે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા EWS-1 પ્રકારના 1170 તેમજ EWS-II પ્રકારના 2000 આવાસો મળીને કુલ 3170 આવાસોનાં નિર્માણ માટે ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
એપ્રિલથી વેરા વળતર યોજના
ચાલુ વર્ષે આ સ્કીમ હેઠળ 3,46,339 મિલકત ધારકોએ લાભ લીધેલ છે. દર વર્ષે નિયમિત આ સ્કીમનો લાભ લેતા રાજકોટ મહાનગર પાલિકાના વફાદાર કરદાતાઓને વિશેષ લાભ મળે તે માટે આ યોજનામાં વિશેષ ફેરફાર કરવામાં આવેલ છે તથા દર વર્ષની આ વર્ષ માટે પણ જે કરદાતાઓએ સળંગ ત્રણ વર્ષ અર્લી બર્ડ ડિસ્કાઉન્ટ સ્કીમનો લાભ લીધેલ હોય તેમને 1% ટકા વિશેષ વળતર આપવામાં આવેલ છે તથા આગામી નાણાકીય વર્ષ 2026-27 માટે પણ આ લાભ યથાવત રાખવા માટે સૂચવવામાં આવે છે.
7 નવા ફાયર સ્ટેશન અને ટર્નટેબલ લેડરની ખરીદી
ફાયર સ્ટેશન ફકત ઇમારત નથી. જાહેર જનતાને સલામતી અને સુરક્ષાનાં આધાર સ્તંભ છે. ફાયર સ્ટેશનને ઉચ્ચતમ કાર્યક્ષમતા અને અસરકારકતા સાથે કાર્યરત રાખવા માટે રાજકોટ મહાનગરપાલિકાનાં ત્રણેય ઝોનમાં આગામી વર્ષ 2025-26 માં બજેટમાં કુલ 7 નવા ફાયર સ્ટેશન બનાવવાનાં આયોજન માટે રકમ રૂૂ. 86.45 કરોડની ફાળવણી કરવામાં આવેલ છે. તેમજ બચાવ કામગીરી માટે ટર્નટેબલ મશીન ખરીદવામાં આવશે. સેન્ટ્રલ ઝોન – વોર્ડ નં.17 માં વિરાટનગર, પારડી મેઇન રોડ પર સ્ટાફ કવાર્ટર સહિત તેમજ વોર્ડ નં. ર માં શીતલ પાર્ક રોડ પાસે સ્ટાફ કવાર્ટર સહિત, વેસ્ટ ઝોન – વોર્ડ નં. 11 માં સેક્ધડ રિંગ રોડ પર કોકોનેટ પાર્ટી પ્લોટ તેમજ વોર્ડ નં.12 માં તપન હાઇટસ પાસે સ્ટાફ કવાર્ટર સહિત વોર્ડ નંબર 1, સ્માર્ટ સિટી વિસ્તારમાં નવું ફાયર સ્ટેશન બનાવવાનું કામ મંજુરી પ્રક્રિયા હેઠળ છે જે ટૂંક સમયમાં શરુ થશે. સેન્ટ્રલ ઝોન – વોર્ડ નં. 14 માં 80 ફૂટ રોડ, શેઠ હાઇસ્કુલ સામેનાં રોડ પર સ્ટાફ કવાર્ટર સહિત, ઇસ્ટ ઝોન – વોર્ડ નં. 15 માં આજી ચોકડી પાસે પોલીસ સ્ટેશન પાછળ સ્ટાફ કવાર્ટર સહિત તેમજ વોર્ડ નં. 6 માં બેડીપરા ફાયર સ્ટેશન, ઉકત કામગીરી પૂર્ણ થયે કટોકટી પ્રતિભાવ સમય તથા નુકશાની ઘટશે તથા SFAC ની ગાઈડલાઈન મુજબ આગામી ત્રણ વર્ષમાં ફાયર સ્ટેશન કાર્યરત કરવાનું આયોજન છે.
નવો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને મુખ્ય ડીઆઇ પાઇપ લાઇન નખાશે
હાલમાં આજી ફિલ્ટર પ્લાન્ટની ફિલ્ટરેશન કેપેસીટી 104 એમ.એલ.ડી. છે. આ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનવાથી આજી ફિલ્ટર પ્લાન્ટની કુલ કેપેસીટી 179 એમ.એલ.ડી. થવા પામશે. આ કામ અંદાજીત 56.32કરોડના ખર્ચે 24 માસમાં પૂર્ણ કરવામાં આવશે. આ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનવાથી ઇસ્ટ ઝોનના વોર્ડ નં. 4, 5, 6, 15, 16 તથા 18 ના અંદાજીત 4.5 લાખ લોકોને લાભ મળશે. આ ઉપરાંત સેન્ટ્રલ ઝોનના લાલબહાદુર હેડ વર્કસ તેમજ મવડી(પુનિતનગર) હેડ વર્કસ આધારિત વિસ્તારોને પણ લાભ મળશે. રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની કુલ ફિલ્ટરેશન કેપેસીટી 400 એમ.એલ.ડી. છે. ન્યારીફિલ્ટર પ્લાન્ટ ખાતે 25 એમ.એલ.ડી.વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાની કામગીરી હાલમાં ચાલુ છે. આ ઉપરાંત ન્યારી આધારીત 150 એમ.એલ.ડી. કેપેસીટીના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા માટેની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવેલ છે.
