એકના એક પુત્રના મોતથી ઉપલેટાના પરિવારમાં કલ્પાંત
જામનગર નજીકના દરેડ વિસ્તારમાં વધુ એક હિટ એન્ડ રન ની ઘટના બની છે, અને પુરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રક ના ચાલકે બાઈકને હડફેટમાં લઈ લેતાં બાઈક સવાર ઉપલેટા ગામના તરુણ નું અંતરિયાળ મૃત્યુ નીપજયું છે, પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધ્યો છે.આ ગોઝારા અકસ્માતમાં એકના એક પુત્રના મોતથી – પરિવારમાં કરૂૂણ કલ્પાંત ફેલાયો છે.
જામનગર બાયપાસ ઉપર અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે શહેરની ભાગોળે આવેલા જી.આઈ.ડી.સી.એપલ ગેઈટ 01 પાસે વધુ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. એક ટ્રક ચાલકે વાયુવેગે પોતાનો ટ્રક ચલાવી સ્ટેરીંગ પરનું નિયંત્રણ ગુમાવી દેતાં બેકાબૂ ટ્રકે બાઈકને હડફેટે લીધું હતું.
જે અકસ્માતમાં રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગઢાબા ગામના બાઈકસવાર રવીભાઈ અતુલભાઈ ઉટડીયા નામના 17 વર્ષીય તરુણને ગંભીર ઈજા પહોંચી હતી. ટ્રકે પાછળથી ટક્કર મારતાં રવી રોડ પર ફંગોળાયો હતો. જેને લઈને શરીરે માથા સહિતના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેને તાત્કાલિક ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે 108 મારફતે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડાયો હતો.
જોકે સારવાર મળે તે પહેલા જ કાળ આંબી જતાં રવીનું મૃત્યુ નિપજ્યું હોવાનું તબીબે જાહેર કર્યું હતું. આ બનાવને પગલે પરિવારજનોમાં અરેરાટી ફેલાઈ છે. બીજી બાજુ પંચકોશી બી. ડિવિઝન પોલીસે મૃતક રવીના પિતા અતુલભાઈ ઉંટડીયાની ફરિયાદના આધારે અકસ્માત મામલે ટ્રકચાલક સામે ગુન્હો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.
