અકસ્માત, આપઘાત, હાર્ટએટેક અને બીમારી સબબ સારવારમાં ખસેડાયેલા લોકોની સારવાર કારગત ન નિવડી
રવિવારના દિવસે પણ ઈમરજન્સી વોર્ડ સતત દર્દીઓથી ધમધમતો રહ્યો : પી.એમ. રૂમ ખાતે હૈયાફાટ રૂદનના કંપાવનારા દ્રશ્યો સર્જાયા
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં યમરાજે ધામા નાખ્યા હોય તેમ છેલ્લા 24 કલાકમાં રેકોર્ડબ્રેક 21 લોકોના મોત નીપજતાં સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે સનાટો વ્યાપી ગયો છે. રવિવારના રજાના દિવસે પણ સિવિલ હોસ્પિટલનો ઈમરજન્સી વોર્ડ સતત દર્દીઓથી ધમધમતો રહ્યો હતો અને પી.એમ. રૂમ ખાતે હૈયા ફાટ રૂદનના કંપાવનારા દ્રશ્યો સર્જાયા હતાં. એક જ દિવસમાં આટલી મોટી સંખ્યામાં અલગ-અલગ વિસ્તારના લોકોની જિંદગીઓ હોમાઈ જતાં સિવિલ હોસ્પિટલ પરિસર મૃતકોના પરિવારોમાં શોક છવાયો છે.
આ કાળમુખી 24 કલાક દરમિયાન બનેલી ઘટનાઓમાં માર્ગો પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતો, માનસિક તણાવ કે ભગ્ન હૃદયના કારણે ગળાફાંસો ખાઈ આપઘાતના 4 બનાવો તેમજ અચાનક આવતા સાયલન્ટ હાર્ટ એટેક અને ઝેરી તાવ, કમળો કે કેન્સર જેવી જીવલેણ બીમારીઓ મુખ્ય જવાબદાર રહી છે. ધોરીમાર્ગો પર દોડતા અજાણ્યા વાહનોની અડફેટે ક્યાંક રિક્ષાચાલક તો ક્યાંક દીકરીને મળીને પરત ફરતા પિતા કચડાયા છે, તો બીજી તરફ પત્નીના વિયોગમાં પ્રૌઢે અને પ્રેમિકાએ લગ્નની ના પાડતા 23 વર્ષના આશાસ્પદ યુવાને ફાંસો ખાઈ લીધો છે; આ સાથે જ અનેક લોકો ચાલુ દિનચર્યા દરમિયાન અચાનક બેભાન થઈ ઢળી પડ્યા બાદ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ શાંત થઈ જતાં પોલીસે તમામ મામલે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
અકસ્માતમાં બે અલગ અલગ બનાવો સામે આવ્યા છે, જેમાં મોરબીના રામપાર્કમાં રહેતા દિલીપભાઈ પોપટભાઈ સોઢા (ઉં.વ. 65) ગત 11/6/2026ની મોડી રાત્રે 12:30 વાગ્યાના અરસામાં વાવડી ચોકડી પાસેથી પોતાની રિક્ષા ચલાવીને પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન કોઈ અજાણ્યા ફોરવીલર (કાર) ચાલકે તેમની રિક્ષાને જોરદાર અડફેટે લેતા ગંભીર ઈજાઓ થવાના કારણે દિલીપભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બીજા બનાવમાં, ચોટીલામાં રહેતા રમેશભાઈ ચોથાભાઈ ગોહિલ (ઉં.વ. 42) રાજકોટ તાલુકાના ખીજડિયા ગામે રહેતી પોતાની દીકરી અને પરિવારને મળીને બપોરે 2:30 વાગ્યે મોટરસાયકલ પર પરત ફરી રહ્યા હતા.
આ દરમિયાન બામણબોર ગામ પાસે આવેલા ભારત પેટ્રોલ પંપ નજીક પાછળથી પૂરપાટ ઝડપે ધસી આવેલા અજાણ્યા ટ્રક ચાલકે તેમના બાઇકને કચડી નાખ્યું હતું. અકસ્માતમાં ગંભીર રીતે લોહીલુહાણ થયેલા રમેશભાઈને તાકીદે હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમણે દમ તોડ્યો હતો. પોલીસે બંને અકસ્માત અંગે હોસ્પિટલ પહોંચી મૃતદેહોને પીએમ અર્થે ખસેડ્યા છે અને અકસ્માત સર્જી ભાગી છૂટેલા અજાણ્યા વાહન ચાલકો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આપઘાતના અલગ અલગ વિસ્તારના ત્રણ બનાવો સામે આવ્યા છે. કોઠારિયા રોડ હુડકો ક્વાર્ટરમાં રહેતા નિવૃત યશવંતભાઈ જેન્તીભાઈ ભીમજીયાણી (ઉ.વ. 62) એ ઘરે ચુંદડી વડે ફાંસો ખાઈ લીધો હતો. દોઢ વર્ષ પહેલાં પત્નીનું અવસાન થતાં તેઓ સતત માનસિક તણાવમાં રહેતા હતા અને તેમના વિયોગમાં જ આ પગલું ભર્યું હતું. ભક્તિનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બીજા બનાવમાં વિનાયક શેરી નંબર 14 માં રહેતી કિંજલબેન રાજેન્દ્રભાઈ રાઠોડ (ઉ.વ. 24) એ રાત્રે ઘરમાં ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. સાસુ કામેથી પરત ફર્યા ત્યારે 1 વર્ષની દીકરી રડતી હતી અને અંદર તપાસ કરતા કિંજલબેન લટકતી હાલતમાં મળ્યા હતા. રિક્ષાચાલક પતિ ફેરો કરવા ગયા હતા ત્યારે બનેલી આ ઘટનાનું કારણ હજુ અકબંધ છે.
ત્રીજા બનાવમાં શ્રીનાથજી સોસાયટીમાં રહેતા નિવૃત ધીરજભાઈ આયાભાઈ ડાંગર (ઉ.વ. 67) એ મોડી રાત્રે રસોડામાં ચુંદડી બાંધી ફાંસો ખાઈ લીધો હતો. દીકરી જાગી જતાં આ બનાવની ખબર પડી હતી. પરિવારના જણાવ્યા મુજબ, તેઓ લાંબા સમયથી માનસિક બીમારીથી પીડાતા હતા અને દવા ચાલુ હોવા છતાં કંટાળીને આ અંતિમ પગલું ભરી લીધું હતું. પોલીસે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માત મોતની નોંધ કરી આગળની કાયદેસરની તપાસ શરૂૂ કરી છે. ચોથા બનાવમાં આમ્રપાલી બ્રિજ પાસે રહેતા મિહિરભાઈ પંકજભાઈ જાટેરા ઉંમર 23 એ પોતાના ઘરે ગળા ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો, પ્રેમિકાએ લગ્નની ના પડતા આ પગલું ભર્યું હતું.
શહેરમાં છેલ્લા 24 કલાકમાં અલગ અલગ વિસ્તારમાં અનેક લોકોના બેભાન થઈ ગયા બાદ મોત નીપજ્યું હતું, જેમાં જંક્શન પ્લોટના તુલસીદાસ રેવાચંદ આઈલાણી (ઉં. 52) અને સુરજ પાર્કના વિનોદભાઈ ગોપાલભાઈ જાગાણી (ઉં. 71) નું હાર્ટ એટેક આવતા ગંભીર હાલતમાં મોત નીપજ્યું હતું, જ્યારે ઉમેશભાઈ ઉર્ફે ટીકુભાઈ બંસીભાઈ સહાની (ઉં. 41) નું હોસ્પિટલમાં સારવાર દરમિયાન અને લોધિકાના ચીભડા ગામની માત્ર 3 વર્ષની માસૂમ બાળકી રાધિકા લોકેશભાઈ ભૂંદરીયાનું સખત તાવ આવી જતાં કરુણ મોત થયું હતું. આ ઉપરાંત કોઠારિયા રોડના વિપુલભાઈ છગનભાઈ રાખોલીયા (ઉં. 42), ખોડિયાર નગરના રતીગર લેરગર મેઘનાથી (ઉં. 70) તેમજ ગોંડલ રોડ મહંમદી બાગના ફરજાનાબેન મોસીન ખત્રી (ઉં. 37) નું લાંબી બીમારી સબબ અને ત્રિવેણી નગરના અભિજીતસિંહ રણજીતસિંહ પરમાર (ઉં. 37) નું તાવ અને કમળાની ગંભીર બીમારીના કારણે મોત નીપજ્યું હતું, જ્યારે માધવ વાટિકાના રામનાથ હરિનાથ રામ (ઉં. 52) કેન્સરની જીવલેણ બીમારી સામે જિંદગીની જંગ હારી ગયા હતા.
અકસ્માતના બનાવોમાં માવજીભાઈ કાગડિયા (ઉં. 72) નું માર્ગ અકસ્માતમાં ગંભીર ઈજા થવાથી અને કાલાવડ તાલુકાના દેવડા ગામના બાદલસિંહ (ઉં. 32) નું માથે અચાનક પથ્થર પડતાં મોત નીપજ્યું હતું, તેમજ માધાપર ચોકડી પાસે ગૌરાંગ મનસુખ પંડ્યા (ઉં. 41), મોટી ટાંકી ચોક વિરમાયા પ્લોટ ખાતે દિનેશ ખીમજી રાઠોડ (ઉં. 55) અને ગોવર્ધન ચોક પાસે આવેલી મીટ હાઈટ બિલ્ડિંગમાં અરવિંદ રણછોડ ચાવડા (ઉં. 52) પોતપોતાના સ્થાને અચાનક બેભાન થઈ ઢળી પડ્યા બાદ દમ તોડી દેતા પોલીસે આ તમામ બનાવો અંગે અકસ્માત મોતની નોંધ કરી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
