દિવાળી પર્વની રજામાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં યમરાજે ધામાં નાખ્યા હોય તેમ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના 22 લોકોના અપમૃત્યુ થયા હતા. જેમાં રાજકોટમાં મામાના ઘરે દિવાળી કરવા આવેલી સગીરાનું આંતરડાના ઇન્ફેક્શન, અમૃત ટ્રાવેલ્સના સંચાલક અને કારખાનેદાર સહિત ત્રણના હાર્ટ એટેક અને ત્રણ વર્ષના બાળકનું બીમારી સબબ મોત નીપજ્યું હતું. જ્યારે કેટલાક લોકોએ ઝેર પી અને ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધાની ઘટના સામે આવી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં રહેતા રહેતા અને રેલનગરમાં અમૃત ટુર ટ્રાવેલ્સ ઓફિસ ધરાવતા મોહિલ ઉર્ફે શિવરાજ ચૌહાણ (ઉં.વ.35)ને દિવાળીના દિવસે બપોરના સમયે છાતીમાં દુ:ખાવો થતા હોસ્પિટલમાં ડોક્ટરને બતાવી ઈસીજી કરાવેલ જેનો રિપોર્ટ સામાન્ય આવેલ. રાત્રે ફટાકડા ફોડી બધા સુઈ ગયા બાદ મોડી રાત્રિના સમયે શિવરાજને ફરી છાતીમાં અસહ્ય દુ:ખાવો ઉપડ્યો અને બેભાન થઈ ગયેલ. તત્કાલ હોસ્પિટલ ખાતે ખસેડેલ પણ ડોકટરે મૃત જાહેર કરેલ. શિવરાજભાઈ એક ભાઈ અને એક બહેનમાં મોટો હતો. શહેરની આજીડેમ ચોકડી, સોમનાથ રેસીડેન્સીમાં રહેતા શિવાભાઈ ગગજીભાઈ મકવાણા (ઉ.વ.56) તા. 11 ના રોજ બપોરે 12 વાગ્યાં આસપાસ કણકોટ પાટીયા પાસે આર એન્ડ બી વિભાગની કચેરીમાં હતા ત્યારે બેભાન થઈ જતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવતા મૃત જાહેર કરાયા હતા.
પરિવારજનોએ જણાવ્યું કે, કચેરીમાં સાફ સફાઈ કરવાની હોવાથી શિવાભાઈ તે કામ માટે ગયા હતા. જ્યાં તેઓ અચાનક બેભાન થઈ ગયા હતા, પાછળથી ત્યાં કોઈ કર્મચારી પહોંચતા તેમને જોયું કે શિવાભાઈ બેભાન પડ્યા છે તેથી તેઓએ તેમને હોસ્પિટલ ખસેડયા હતા પરંતુ તેમનું મૃત્યુ નીપજયું હતું. શિવાભાઈ બે ભાઈ અને ચાર બહેન મોટા હતા. તેમને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. હીમાલયનગરમાં રહેતા અને હાર્ડવેરનું કારખાનુ ધરાવતા મુકેશભાઇ કરશનભાઇ વેકરીયા નામના 54 વર્ષના કારખાનેદાર પોતાના ઘરે હતા ત્યારે હૃદયરોગનો હુમલો આવતા તાત્કાલીક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યા તેમનું મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી. મૃતક આધેડ ત્રણભાઇ ત્રણ બહેનમાં નાના હતા અને તેમને સંતાનમાં એક પુત્રી હોવાનું જાણવા મળ્યુ છે.
જૂનાગઢમાં રહેતી આયુષી ઉર્ફે પ્રિયંકા રાજીવભાઈ રાઠોડ (ઉં.વ.16) તા.11ના રોજ સવારે રાજકોટમાં રાજનગરમાં રહેતા પોતાના મામાના ઘરે હતી ત્યારે અચાનક તબિયત બગડતા અર્ધ બેભાન હાલતમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. જ્યાં તેણીએ સારવારમાં દમ તોડી દીધો હતો. પરિવારજનોના જણાવ્યા મુજબ, પ્રિયંકા ધોરણ 11 માં અભ્યાસ કરતી હતી. તે પોતાના માતા પિતાની એકની એક દીકરી હતી. તેના પિતા રીક્ષા ચલાવે છે. પ્રિયંકા પોતાના મમ્મી સાથે દિવાળી કરવા માટે રાજકોટ મામાના ઘરે આવી હતી.
બેભાન અવસ્થામાં મૃત્યુના બનાવ અંગે જોઈએ તો પ્રકાશભાઈ ગોવિંદભાઈ (જુનો વણકર વાસ, શેરી નંબર 2) પોતાના ઘરે હતા ત્યારે બેભાન થઈ જતા (ઉંમર વર્ષ 36, રહે મવડી ગામ, રાજકોટ) સિવિલમાં લાવતા મૃત જાહેર કરાયા હતા. સોનલબેન દિલીપભાઈ ચૌહાણ (ઉંમર વર્ષ 35, રહે. ગોકુલધામ ત્રણ માળીયા ક્વાર્ટર, રાજકોટ) તા. 9ના સાંજે 4 વાગ્યા આસપાસ પોતાના ઘરે બેભાન થઈ જતા રાજકોટ સિવિલમાં લાવતા મૃત્યુ નીપજ્યું હતું. ધરમશીભાઈ રૂૂડાભાઈ મકવાણા (ઉંમર વર્ષ 41, રહે. રૈયાધાર સ્લમ ક્વાર્ટર) તા.10ના સવારે 5.30 વાગ્યાં આસપાસ ઘરે હતા ત્યારે બેભાન થઈ જતા સિવિલ હોસ્પિટલમાં લાવતા ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. દીપકભાઈ મનુભાઈ પાટડીયા (ઉંમર વર્ષ 46, કોઠારીયા સોલવન્ટ હાઉસિંગ બોર્ડના ક્વાર્ટર) તા.10ના સવારે સવારે 7:30 વાગ્યાં આસપાસ પોતાના ઘરે હતા. ત્યારે અચાનક બેભાન થઈ જતા સિવિલ હોસ્પિટલ ખસેડતા મૃત જાહેર કરાયા હતા. ધીરુભાઈ કેશુભાઈ ભોજાણી (ઉંમર વર્ષ 45, રહે.ગંજીવાડા શેરી નંબર 42) તા. 10ના રોજ સવારે 9:30 વાગ્યાં આસપાસ પોતાના ઘરે હતા ત્યારે બેભાન થઈ જતા સિવિલમાં લાવતા મૃત જાહેર કરાયા હતા. મુકેશભાઈ કિશોરભાઈ દલસાણીયા (ઉંમર વર્ષ 37, રહે. જંગલેશ્વર મેઇન રોડ, 70 નંબરની સ્કૂલની સામે) તા. 10ને વહેલી સવારે 4 વાગ્યાં આસપાસ પોતાના ઘરે હતા ત્યારે બેભાન થઈ જતા તત્કાલ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જોકે ડોક્ટર તેમની મૃત જાહેર કર્યા હતા. પ્રેમજીભાઈ ડુંગરભાઈ મિયાત્રા (ઉંમર વર્ષ 55, રહે. ચામુંડા સોસાયટી રણછોડદાસ બાપુના આશ્રમ પાછળ) તા.10ના રોજ બપોરે 12 વાગ્યાં આસપાસ પોતાના ઘરે બેભાન થઈ જતા હોસ્પિટલ ખસેડતા મૃત જાહેર કર્યા હતા.
આ ઉપરાંત મવડી ગામમાં સંસ્કારસિટી પાસે રહેતા પરસોતમ ગંગદાસમેઘાણી (ઉ.વ.75)એ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. જ્યારે શીતલપાર્ક પાસે ઓસ્કાર સ્કાય સિટીમાં દેવકુવરબેન દાદભાઇ વાળા (ઉ.વ.86)બાથરૂમમાં પડી જતાં મોત નીપજ્યુ હતું. કોઠારિયા રોડ પર વિવેકાનંદ નગરમાં નૈતિક દેવાંગભાઇ ગોંડલિયા (ઉ.વ.3)નું બેભાન હાલતમાં મોત નીપજ્યુ હતું. શ્રી રામપાર્કમાં રહેતી અનીતાબેન હરીસિંહ રાજપૂત (ઉ.વ.36)એ બાળકોના કપડા લેવા મુદ્દે પતિ સાથે ઝઘડો થતાં આપઘાત કરી લીધો હતો. જામકંડોરણામાં રહેતા દેવાભાઇ ચકાભાઇ ચુડાસમા (ઉ.વ.65) સીડી પરથી નીચે પટકાતા મોત નીપજ્યુ હતું. ભગવતીપરામાં રહેતી હીરલબેન કિરણભાઇ દાતણીયા (ઉ.વ.22)એ માવતરે જવાની ઝીદ સાથે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. જ્યારે જંગલેશ્ર્વરમાં રહેતા રોશનીબેન સુલતાનભાઇ અમરેલીયા (ઉ.વ. 52)એ કોઇ અગમ્ય કારણસર ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધુ હતું. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
