દારૂ ઢીંચ્યા બાદ ડખ્ખો થતા શ્રમિકના હાથે સહકર્મીની હત્યા

પતરાના ચુલા, લોઢી અને લાકડાના ધોકા ફટકારી ઢીમ ઢાળી દીધું, શાપર-વેરાવળમાં બનેલી ઘટના રાજકોટ જિલ્લામાં ખાખીનો ખોફ ઓસર્યો હોય તેમ ક્રાઇમના ગ્રાફમાં સતત ઉછાળો જોવા…

પતરાના ચુલા, લોઢી અને લાકડાના ધોકા ફટકારી ઢીમ ઢાળી દીધું, શાપર-વેરાવળમાં બનેલી ઘટના

રાજકોટ જિલ્લામાં ખાખીનો ખોફ ઓસર્યો હોય તેમ ક્રાઇમના ગ્રાફમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. ત્યારે વધુ એક ઘટનામાં શાપર-વેરાવળમાં કારખાનામા સાથે કામ કરતા બે બિહારી યુવાને સંધ્યા ટાણે કારખાનાની છત પર સાથે દારૂ ઢીંચ્યો હતો. બાદમાં દારૂના નશામાં ભાન ભૂલેલા શ્રમિકે ઝઘડો કરી સહકર્મીને ચુલા, લોઢી અને લાકડાના ધોકા વડે માર મારી હત્યા કરી હતી. યુવકના મોતથી શ્રમિક પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શાપરમાં આવેલ સુહાની એન્જિનીયરીંગ નામના કારખાનામાં કામ કરતા અને કારખાનાની રૂમમાં જ રહેતા ગુડુકુમાર બાલકદાસ મહંતો નામનો 35 વર્ષનો યુવાન સાંજના સાતેક વાગ્યાના અરસામા કારખાનાના રૂમની છત પર હતો ત્યારે બાજુમાં જ રહેતા શ્રમિક ધીરજકુમાર ભલનભાઇ તાંતી નામના શખ્સે ઝઘડો કરી ચુલા, લોઢી અને ધારદાર લાકડા વડે માર માર્યો હતો. યુવકને નાક, કાન અને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા લોહી લુહાણ હાલતમાં તાત્કાલીક સારવાર માટે શાપર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

જ્યા ફરજ પરના તબીબે યુવકને નિષ્પ્રાણ જાહેર કરતા બનાવ હત્યામાં પલટાયો હતો. આ અંગે જાણ થતાં શાપર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે અને હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી યુવકના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે મૃતક ગુડુકુમાર મહંતોના કૌટૂંબિકભાઇ બહાદુર સુભાષભાઇ મહંતોએ શાપર-વેરાવળ પોલીસમાં ધીરજકુમાર ભલનભાઇ તાંતી વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધાવ્યો હતો.

પ્રાથમિક પૂછપરછમાં મૃતક ગુડુકુમાર મહંતો મુળ બિહારનો વતની હતો. ગુડુકુમાર પાંચ ભાઇ બે બહેનમાં વચેટ હતો અને તેને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. ગુડુકુમાર મહંતોની પત્ની ગુડીયાદેવી ચાર દિવસ પૂર્વે જ પોતાના વતનમાં લગ્ન પ્રસંગ હોવાથી બિહાર ગઇ છે. ગુડુકુમાર મહંતોની બાજુમાં જ રહેતા અને સાથે કામ કરતા બિહારના ધીરજકુમાર તાંતીએ સંધ્યા ટાણે ગુડુકુમાર મહંતો સાથે દારૂ પીધો હતો. દારૂના નશામાં બંને વચ્ચે બોલાચાલી થયા બાદ દારૂના નશામાં ભાન ભુલેલા ધીરજકુમાર તાંતીએ સહકર્મચારી ગુડુકુમાર મહંતો ઉપર જીવલેણ હુમલો કરી હત્યાની ઘટનાને અંજામ આપ્યો હોવાનું જાણવા મળ્યુ છે. ફરિયાદના આધારે શાપર-વેરાવળ પોલીસે હત્યારા શખ્સને સંકજામાં લઇ તપાસનો દોર લંબાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *