શહેરમાં ટ્રાફિક બ્રાંચના માણસો સાથે વાહન ચાલકોના ઘર્ષણના બનાવો હવે સામાન્ય બની ગયા છે. કોઠારીયા ચોકડી પાસે આજે ટ્રાફિક બ્રાંચના જમાદાર સેજલબેન પરમાર (ઉ.વ.30)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે બે ટીઆરબી જવાન સાથે બપોરે કોઠારીયા ચોકડી પર વાહન ચેકિંગ કરતા હતા ત્યારે આરટીઓ માન્ય નંબર પ્લેટ વગરનું બાઇક નીકળતા અટકાવ્યું હતું. નિયમ મુજબ ચલણ બનાવી આપ્યું હતું.
તે વખતે સ્થળ પરથી અન્ય એક બાઈક ચાલક નીકળ્યો હતો. જેણે આવીને તેને કહ્યું કે તમે મને પણ અટકાવી લાયસન્સ અને કાગળો માંગી હેરાન કર્યા હતા. આ પછી તેનો વીડિયો ઉતારવાનું શરૂૂ કરી દેતા માણસો ભેગા થઈ ગયા હતાં. તેણે તે વાહન ચાલકને શા માટે, વીડિયો બનાવો છો તેમ પૂછતા કહ્યું કે હું પ્રેસમાંથી છું, મારું નામ સંજય ધામેચા છે, તમે કાયમ વાહન ચાલકોને હેરાન કરો છો.આ પછી જેનું ચલણ બનાવ્યું હતું તે વાહન ચાલકને ઉશ્કેરી તેને કહ્યું કે તમારો અહીં પોઈન્ટ નથી, તેમ છતાં વાહન ચાલકોને હેરાન કરો છો.
ત્યાર પછી તેની સાથે બોલાચાલી શરૂૂ કરી દીધી હતી. સમજાવટ કરવા છતાં ઝપાઝપી કરતાં તેના કાંડાના ભાગે મૂંઢ ઇજા થઈ હતી. જે દરમિયાન સંજયનો મોબાઈલ ફોન નીચે પડી જતાં તમે મારો મોબાઈલ ફોન તોડી નાખ્યો, તેનો ખર્ચ મને આપો તેમ કહી ફરીથી ઉગ્ર બોલાચાલી કરી આક્ષેપો કર્યા હતાં.
આખરે ઉપરી અધિકારીઓને જાણ કરતાં સ્થળ પર પહોંચ્યા હતાં. તેમણે પણ સમજાવટ કરી હતી. આમ છતાં બોલાચાલી ચાલુ રાખી હતી. સંજયને ક્યા પ્રેસમાં છો, આઈકાર્ડ બતાવો તેમ કહેતા કોઈ પ્રેસનું નામ આપ્યું ન હતું. આખરે તેના વિરૂૂધ્ધ ફરજમાં રૂૂકાવટ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સંજય અને બીજા વાહન ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
