વિસાવદરમાં ફેસબૂક પર મિત્રતા કેળવી મહિલા પર ગેંગરેપ

અપહરણ-બળાત્કારના ગુનામાં છ લોકોની ધરપકડ, ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર જૂનાગઢ જિલ્લાના વિસાવદર પંથકમાં માનવતાને શર્મસાર કરતી એક અત્યંત શરમજનક ઘટના સામે આવી છે. ફેસબુક પર…

અપહરણ-બળાત્કારના ગુનામાં છ લોકોની ધરપકડ, ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર

જૂનાગઢ જિલ્લાના વિસાવદર પંથકમાં માનવતાને શર્મસાર કરતી એક અત્યંત શરમજનક ઘટના સામે આવી છે. ફેસબુક પર થયેલી મિત્રતાના બહાને એક પરિણીત મહિલાને મળવા બોલાવી, તેનું અપહરણ કરી છ શખ્સોએ મધ્યરાત્રિએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાની ઘટનાથી સમગ્ર સોરઠ પંથકમાં ખળભળાટ મચી ગયો છે. આ મામલે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી તમામ છ આરોપીઓને દબોચી લીધા છે.

ડીવાયએસપી હિતેશ ધાંધલીયા જણાવ્યું હતું કે, ભોગ બનનાર મહિલા પરિણીત મહિલાએ વિસાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં મહિલાના હાલમાં છૂટાછેડા લીધા બાદ પોતાના પિયરમાં રહે છે. પીડિત મહિલા થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકના માધ્યમથી અમરેલી જિલ્લાના ધારી તાલુકાના મોણવેલ ગામના રહેવાસી વિપુલ ગોહિલ નામના શખ્સના સંપર્કમાં આવી હતી. ધીરે ધીરે બંને વચ્ચે વાતચીત શરૂૂ થઈ અને મોબાઈલ નંબરની આપ-લે થઈ હતી.

ગત 12 માર્ચના રોજ આરોપી વિપુલે મહિલાને મળવા માટે બોલાવી હતી, જેના વિશ્વાસમાં આવી મહિલા રાત્રે 9 વાગ્યે વિસાવદર બસ સ્ટેશન પહોંચી હતી. મહિલા જ્યારે પહોંચી ત્યારે આરોપી વિપુલ ગોહિલ ત્યાં બાઈક લઈને હાજર હતો. તેણે મહિલાને બાઈક પર બેસાડી હતી, પરંતુ તે વિસાવદરમાં રોકાવાને બદલે તેને ધારી તરફ જવાના રસ્તે લઈ જવા લાગ્યો હતો.

જ્યારે મહિલાએ વિરોધ કર્યો કે મળવાની વાત વિસાવદર થઈ હતી તો તમે મને બહાર ક્યાં લઈ જાવ છો ?. ત્યારે આરોપીએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મહિલાનું બળજબરીથી અપહરણ કરી આરોપી તેને મોણવેલ લઈ ગયો હતો.

આ નરાધમોએ મહિલાની લાચારીનો લાભ ઉઠાવી કલાકો સુધી શારીરિક શોષણ કર્યું હતું. આ પાપ આચર્યા બાદ મુખ્ય આરોપી વિપુલ ગોહિલ મહિલાને ફરીથી વિસાવદર ઉતારીને ફરાર થઈ ગયો હતો.
આ ઘટના બાદ ભોગ બનનાર મહિલાએ હિંમત દાખવી વિસાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ગુનામાં સંકળાયેલા વિપુલ ગોહિલ (મુખ્ય આરોપી), મનુ ઉર્ફે મુન્નો ટોટા, મણિભાઈ કોટડિયા, પ્રવીણ હરખાણી, દેહુર ભાભલા અને પરસોત્તમ કરકર નામના 6 આરોપીની ધરપકડ કરી છે. આ તમામ આરોપીઓ ધારી તાલુકાના વતની હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આ તમામ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સામૂહિક દુષ્કર્મની કલમો તેમજ અપહરણ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે.

પકડાયેલા તમામ આરોપીઓને પોલીસે નામદાર કોર્ટમાં રજૂ કર્યા હતા. પોલીસે ગુનાની ગંભીરતા અને વધુ પુરાવા એકત્રિત કરવા માટે રિમાન્ડની માંગણી કરતા કોર્ટે તમામ આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતાં. હાલમાં પોલીસ દ્વારા આરોપીઓની ઓળખ પરેડ કરવાની તેમજ ગુનામાં વપરાયેલા વાહનો અને અન્ય ભૌતિક પુરાવા એકત્રિત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *