મહિલાને 10 દિવસ ડિજિટલ એરસ્ટ કરી રૂ.78 લાખ પડાવ્યા

CBI અધિકારીની ઓળખ આપી આજીવન કેદની સજાનો ડર બતાવી સાયબર ગઠિયાએ શિકાર બનાવ્યા મહિલા પાસેથી પડાવેલી રકમ આંધ્રપ્રદેશ, યુપી, રાજસ્થાન અને મહારાષ્ટ્રના મ્યુલ એકાઉન્ટમાં જમા…

CBI અધિકારીની ઓળખ આપી આજીવન કેદની સજાનો ડર બતાવી સાયબર ગઠિયાએ શિકાર બનાવ્યા

મહિલા પાસેથી પડાવેલી રકમ આંધ્રપ્રદેશ, યુપી, રાજસ્થાન અને મહારાષ્ટ્રના મ્યુલ એકાઉન્ટમાં જમા કરાઇ

રાજકોટમાં એક મહિલાને સીબીઆઈ અધિકારી બની ડિજિટલ એરેસ્ટ કરી સાયબર ગુનેગારોએ ₹78 લાખની રકમ પડાવી લીધાની વધુ એક ઘટનાને અંજામ આપ્યો છે. નિવૃત્ત મહિલા કર્મચારીને નિશાન બનાવી 10 દિવસ સુધી ’ડિજિટલ એરેસ્ટ’ રાખી તેમની આજીવન મૂડી સમાન રૂ.78 લાખ જેટલી રકમ પડાવી લેવામાં આવી છે. આ આખી ઘટનામાં સાયબર માફિયાઓએ પીડિત મહિલાને કાયદાકીય ગુંચવણમાં ફસાવી આજીવન કેદની સજાનો દર બતાવ્યો હતો.

સમગ્ર ઘટનાની મળતી વિગત મુજબ, ગત 30 સપ્ટેમ્બરના રોજ ભોગ બનનાર મહિલાના ફોન પર એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. કોલ કરનારે પોતે ટેલિકોમ કંપનીમાંથી બોલતો હોવાનું જણાવી કહ્યું હતું કે, તમારા આધાર કાર્ડ પરથી એક નવું સિમ કાર્ડ લેવામાં આવ્યું છે જેનો ઉપયોગ અશ્ર્લીલ ફોટા અને વિડિયો અપલોડ કરવા માટે કરવામાં આવ્યો છે. આ બાબતે મુંબઈમાં ફરિયાદ થઈ હોવાનું કહી મહિલાને ડરાવવામાં આવી હતી. ત્યારબાદ સાયબર ઠગબાજોએ પોલીસ યુનિફોર્મ પહેરી વીડિયો કોલ કર્યો અને પોતાની ઓળખ સીબીઆઈ અધિકારી વિજય પાટીલ તરીકે આપી હતી. તેમણે મહિલાનું નામ નરેશ ગોયલ સાથેના મની લોન્ડરિંગ અને સાયબર આતંકવાદ જેવા ગંભીર ગુનામાં જોડાયેલું હોવાનું કહી 10 વર્ષની જેલ અને આજીવન કેદની સજાનો ભય બતાવ્યો હતો. સાયબર માફિયાઓએ મહિલાને વિશ્વાસમાં લેવા માટે કોર્ટ જેવું દ્રશ્ય પણ ઉભું કર્યું હતું અને નકલી જજ બતાવ્યા હતા. ધરપકડના ભય હેઠળ મહિલાને સતત 10 દિવસ સુધી વિડિયો કોલ પર નજર હેઠળ રાખવામાં આવ્યા હતા, જેને ’ડિજિટલ એરેસ્ટ’ કહેવામાં આવે છે. આ દરમિયાન ઠગબાજોએ મહિલા પાસેથી તેમની બેંક બચત તેમજ ફિક્સ્ડ ડિપોઝિટ (ઋઉ) તોડાવીને કટકે કટકે કુલ રૂ. 78 લાખ અલગ-અલગ બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હતા.

મહિલા પાસે બેંકમાં નાણાં ખૂટી ગયા હોવા છતાં સાયબર માફિયા વધુ પૈસાની માંગણી કરી રહ્યા હતા. આથી મહિલાએ પોતાના પરિવાર પાસે પૈસાની માંગણી કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. પરિવારને છેતરપિંડીની શંકા જતા તેમણે સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં પોલીસને આ ગુનામાં આંતરરાજ્ય ગેંગની સંડોવણી હોવાની શંકા છે. રૂ.78 લાખ યુપી, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશના મ્યુલ એકાઉન્ટમાં રકમ જમા થઈ હોવાની માહિતી મળતા અત્યાર સુધીમાં પોલીસે ચાર બેંક ખાતાઓ સીઝ કરવાની કાર્યવાહી કરી છે તેમજ જે મોબાઈલ નંબર પરથી કોલ આવ્યા હતા તેના ધારકોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પીઆઈ બી.બી. જાડેજા સહિતનો સ્ટાફ આ ટોળકીને ઝડપી લેવા માટે વિવિધ દિશાઓમાં તપાસ ચલાવી રહ્યો છે.

જિલ્લા પંચાયતના નિવૃત્ત કર્મચારીના મોબાઈલ હેક કરી રૂ.5.66 લાખની ઠગાઈ
શહેરમાં સાયબર ઠગબાજોએ વધુ એક નિવૃત્ત વૃદ્ધને નિશાન બનાવી તેમના બેંક ખાતામાંથી રૂ. 5.66 લાખ પડાવી લીધા છે. રૈયા રોડ પર રહેતા અને જિલ્લા પંચાયતમાંથી વર્ક આસિસ્ટન્ટ તરીકે નિવૃત્ત થયેલા હિતેશભાઈ ધોળકિયા (ઉ.વ. 60) સાથે આ છેતરપિંડી આચરવામાં આવી છે. સાયબર ગઠીયાએ એક્સિસ બેંકના કર્મચારી તરીકે ઓળખ આપી કેવાયસી અપડેટ કરવાના બહાને વોટ્સએપ પર એક એપીકે ફાઈલ મોકલી હતી. ત્યારબાદ ઓવરડ્રાફ્ટ સુવિધા શરૂ કરવાના નામે બેંકની એપ ખોલાવી, મોબાઈલનું એક્સેસ મેળવી લીધું હતું. ગઠિયાઓએ કટકે-કટકે કુલ રૂ.5.66 લાખ ટ્રાન્સફર કરી લીધા હતા. આ મામલે સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *